મસ્ક વિરુદ્ધ કાર્યવાહી કરી રહેલા અન્ય લોકોમાં ટ્વિટરના પૂર્વ ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર નેડ સેગલ, પૂર્વ લીગલ ચીફ ઓફિસર વિજયા ગડ્ડે અને પૂર્વ જનરલ કાઉન્સેલ સીન એજેટના નામનો સમાવેશ
વોશિંગ્ટન
ટ્વિટરના પૂર્વ સીઈઓ પરાગ અગ્રવાલ સહિત ચાર પૂર્વ ટોચના અધિકારીઓએ ઈલોન મસ્ક સામે 128 મિલિયન ડૉલરથી વધુનો દાવો માંડ્યો છે. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ઈલોન મસ્ક વિરુદ્ધ કાર્યવાહી કરી રહેલા અન્ય લોકોમાં ટ્વિટરના પૂર્વ ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર નેડ સેગલ, પૂર્વ લીગલ ચીફ ઓફિસર વિજયા ગડ્ડે અને પૂર્વ જનરલ કાઉન્સેલ સીન એજેટના નામનો સમાવેશ થાય છે.
ઈલોન મસ્કે એક્સ (અગાઉનું ટ્વિટર) હસ્તગત કર્યા પછી આ અધિકારીઓને બરતરફ કર્યા હતા. મસ્કે કામમાં બેદરકારી અને ગેરવર્તણૂક બદલ અધિકારીઓને બરતરફ કર્યા હતા. જોકે, આ અધિકારીઓએ મસ્કના આરોપોને નકારી કાઢ્યા હતા. કેલિફોર્નિયાની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ઈલોન મસ્ક વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે એક્સના પૂર્વ ટોચના અધિકારીઓના કરારમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે નોકરીમાંથી કાઢી મૂક્યા પછી તેઓને અલગ પગાર આપવામાં આવશે. આવી સ્થિતિમાં એક્સ (અગાઉ ટ્વિટર)માંથી કાઢી મૂક્યા પછી અધિકારીઓને અલગથી પગાર મળવો જોઈતો હતો.
નોંધનીય છે કે ઈલોન મસ્ક અને ટ્વિટર વચ્ચેની ડીલની ખૂબ ચર્ચા થઈ હતી. જો કે, ઘણા વિવાદો પછી, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કે 28 ઓક્ટોબર, 2022ના રોજ માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરની કમાન સંપૂર્ણપણે સંભાળી લીધી હતી. આ ડીલ લગભગ 44 બિલિયન ડોલરમાં થઈ હતી.