લેબનોનથી છોડવામાં આવેલી મિસાઈલ ઈઝરાયેલના ઉત્તરીય સરહદી સમુદાય માર્ગલિયોટ નજીકના બગીચામાં પડતા કેરળના એક ભારતીય નાગરિકનું મોત થયું
જેરુસલેમ
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પાંચ મહિનાથી કરતા પણ વધારે સમય વીતી ગયો છે. અત્યાર સુધી બંને પક્ષો વચ્ચે યુદ્ધવિરામના પ્રયાસો સતત નિષ્ફળ રહ્યા છે. આ વચ્ચે ઇઝરાયલ ગાઝા પટ્ટીમાં હમાસ અને લેબનોનથી હિઝબુલ્લાહના હુમલાઓનો પણ સામનો કરી રહ્યું છે. મંગળવારે આવા જ એક હુમલામાં એક ભારતીયનું મોત થયું હતું. જ્યારે બે ભારતીયો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
એક સમાચાર એજન્સીએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે, લેબનોનથી છોડવામાં આવેલી મિસાઈલ ઈઝરાયેલના ઉત્તરીય સરહદી સમુદાય માર્ગલિયોટ નજીકના બગીચામાં પડતા કેરળના એક ભારતીય નાગરિકનું મોત થયું હતું અને અન્ય બે ભારતીયો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઇઝરાયલની રેસ્ક્યૂ સર્વિસના પ્રવક્તા મેઝેન ડેવિડ એડોમે જણાવ્યું હતું કે આ ઘટના સોમવારે સવારે 11 વાગ્યે ગાલીલી ક્ષેત્રમાં માર્ગલિયોટ ગાર્ડનમાં બની હતી.
કેરળના કોલ્લમના રહેવાસી પટનીબેન મેક્સવેલે જીવ ગુમાવ્યો હતો. તેમના મૃતદેહને જીવા હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત બુશ જોસેફ જ્યોર્જને પેતાહ ટિકવાની બેલિન્સન હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. તેના ચહેરા અને શરીર પર ઘણી ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેમનું ઓપરેશન કરવામાં આવ્યું છે અને હાલ તેમની સ્થિતિ સ્થિર છે. તેમણે ભારતમાં તેમના પરિવાર સાથે પણ વાત કરી છે. એવું માનવામાં આવે છે કે લેબનોનથી આ હુમલા પાછળ ઈરાન સમર્થિત શિયા સંગઠન હિઝબુલ્લાહનો હાથ છે. ગાઝામાં ઈઝરાયલના યુદ્ધના વિરોધમાં 8 ઓક્ટોબરથી હિઝબુલ્લાહ લગભગ દરરોજ રોકેટ, મિસાઈલ અને ડ્રોન વડે હુમલો કરી રહ્યું છે. આ હુમલાઓમાં ઈઝરાયેલની સેનાને પણ ઘણું નુકસાન થયું છે.