આ ભારતીયો ઓનલાઈન માર્કેટિંગ સેન્ટર ચલાવતા હતા, હાલમાં તેમને ડિટેન્શન સેન્ટરમાં રખાયા છે, તપાસ પૂરી થયા બાદ તેમને ભારત ડિપોર્ટ કરી દેવામાં આવશે
કોલંબો
ટુરિસ્ટ વિઝા પર કોલંબો ગયેલા 21 ભારતીયોની પોલીસે ધરપકડ કરી છે.
તેમના પર ટુરિસ્ટ વિઝા માટેના નિયમોનુ ઉલ્લંઘન કરવાનો અને કોમ્પ્યુટર સાથે સંકળાયેલો વ્યવસાય શરૂ કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે શ્રીલંકાના નેગોંબો નામના શહેરમાં પોલીસ દ્વારા એક ઘર પર દરોડો પાડવામાં આવ્યો હતો અને તે વખતે ઘરમાં હાજર લોકો કોમ્પ્યુટર સાથે સંકળાયેલો વ્યવસાય કરી રહ્યા હતા. એવુ મનાય છે કે, આ ભારતીયો ઓનલાઈન માર્કેટિંગ સેન્ટર ચલાવતા હતા.
અધિકારીઓના કહેવા પ્રમાણે આ ઘર ભાડે રાખવામા આવ્યુ હતુ અને તેમાં કામ કરી રહેલા 21 ભારતીયોની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં તેમને ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. તપાસ પૂરી થયા બાદ તેમને ભારત ડિપોર્ટ કરી દેવામાં આવશે.
આ ભારતીયો કયા પ્રકારનો વ્યવસાય કરી રહ્યા હતા તે હજી સત્તાવાર રીતે જાહેર કરાયુ નથી. શ્રીલંકાના નિયમો પ્રમાણે ટુરિસ્ટ વિઝા પર દેશમાં આવતા લોકો કોઈ પણ પ્રકારની નોકરી કે બીજુ કોઈ કામ કરી શકતા નથી. આ 21 ભારતીયો ટુરિસ્ટ વિઝા પર ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં શ્રીલંકા પહોંચ્યા હતા.