ટિકટોક પર પ્રતિબંધનો પ્રસ્તાવ યુએસ સંસદમાં ભારે બહુમતીથી પસાર

Spread the love

આ મામલે ડેમોક્રેટિક અને રિપબ્લિકન એમ બંને પાર્ટીના મોટાભાગના સાંસદો એકમત,પ્રતિબંધ મુકવાના પ્રસ્તાવની તરફેણમાં 352 અને વિરોધમાં માત્ર 65 મત પડ્યા

વોશિંગ્ટન

ચાઈનીઝ એપ ટીક ટોકને ભારત બાદ અમેરિકામાં પણ મોટો ઝાટકો લાગ્યો છે.

અમેરિકાની સંસદમાં ટિકટોકને બેન કરવા માટેનો પ્રસ્તાવ ભારે બહુમતિ સાથે પસાર કરવામાં આવ્યો છે. આ મામલે ડેમોક્રેટિક અને રિપબ્લિકન એમ બંને પાર્ટીના મોટાભાગના સાંસદો એકમત હતા. પ્રતિબંધ મુકવાના પ્રસ્તાવની તરફેણમાં 352 અને વિરોધમાં માત્ર 65 મત પડ્યા હતા.

અમેરિકન સંસદની આ કાર્યવાહીથી ચીનના હોશ ઉડી જશે તે સ્વાભાવિક છે. આ નિર્ણયના કારણે ટિકટોકને અમેરિકામાં જો કાર્યરત રહેવુ હશે તો ચીનની કંપનીની માલિકીથી અલગ થવુ પડશે અથવા તો અમેરિકામાં  પ્રતિબંધ માટે તૈયાર રહેવુ પડશે.

હવે આ પ્રસ્તાવ રાષ્ટ્રપતિ જો બાઈડન સમક્ષ મુકવામાં આવશે અને તેના પર બાઈડન સહી કરશે તો ટિકટોકનુ અમેરિકામાં ભવિષ્ય ખતરામાં પડી જશે. પ્રસ્તાવની જોગવાઈ અનુસાર હાલમાં ટિકટોકની માલિકી ધરાવતી કંપની બાઈટ ડાન્સે 180 દિવસમાં આ એપ વેચી દેવી પડશે નહીંતર અમેરિકામાં ગૂગલ તેમજ એપલના એપ સ્ટોર પર તે પ્રદર્શિત નહીં કરી શકાય.

ટિકટોક માટે અમેરિકન સંસદની કાર્યવાહી બહુ મોટો ફટકો પૂરવાર થઈ છે. ગત મહિને રાષ્ટ્રપતિ જો બાઈડને આગામી ચૂંટણી માટેના અભિયાનના ભાગરૂપે આ એપનો સહારો લીધો હતો અને તેનાથી કંપનીના અધિકારીઓને  લાગ્યુ હતુ કે, ટિકટોક પર અમેરિકામાં પ્રતિબંધ મુકાય તેવી કોઈ શક્યતા નથી. જોકે એ પછી ગણતરીના દિવસોમાં જ ટિકટોક માટે સ્થિતિ બદલાઈ ચુકી છે. હાલમાં ટિકટોકના સીઈઓ વોશિંગ્ટનમાં છે અને બિલ રોકવા માટે સાંસદોનુ સમર્થન મેળવવા ભરપૂર પ્રયત્નો કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ એપ પર સૌથી પહેલા પ્રતિબંધ મુકનારા દેશોમાં ભારતનો સમાવેશ થતો હતો. હવે અમેરિકા પણ ભારતના રસ્તે ચાલી રહ્યુ છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *