અમેરિકાના રિપોર્ટમાં માહિતી સામે આવી, પુતિને કહ્યું, તેવું કરવાની અમારે કોઈ જરૂર નથી
મોસ્કો
થોડા દિવસ પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વૈશ્વિક નેતાઓના કારણે રશિયાએ યુક્રેન પર પરમાણુ હુમલો ટાળ્યો હોવાનો અમેરિકી રિપોર્ટ સામે આવ્યો હતો. જોકે હવે રશિયાના રાષ્ટ્રપતિએ પણ કહી દીધું છે કે, ‘તેવું કરવાની અમારે કોઈ જરૂર નથી.’ આ સાથે યુક્રેન પર મોટું સંકટ ટળ્યું હોવાનું જોવા મળી રહ્યું છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, જો રશિયાની સાર્વભૌમત્વ અને સ્વતંત્રતા જોખમાશે તો અમે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરીશું. તેમણે અમેરિકાનો ઉલ્લેખ કરી એમ પણ કહ્યું કે, ‘જો પરમાણુ યુદ્ધ શરૂ થાય અને અમેરિકા કોઈપણ તણાવપૂર્ણ સ્થિતિને અટકાવવાનો પ્રયાસ કરશે, તો રશિયાના પરમાણુ દળો પણ તેને પહોંચી વળવા સંપૂર્ણ તૈયાર છે.’
યુક્રેન પર પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવા અંગે રશિયાના રાષ્ટ્રપતિએ નિવેદન આપ્યા બાદ યુક્રેન પર સંકટ ટળ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. જ્યારે પુતિનને યુક્રેન પર પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાના વિચાર અંગે પ્રશ્ન પુછાયો તો તેમણે કહ્યું કે, અહીં તેની (પરમાણુ હથિયારો)ની જરૂર નથી. તેમણે દાવો કર્યો કે, ‘મોસ્કો યુક્રેનમાં પોતનો હેતુ જરૂર પૂર્ણ કરશે. અમે વાતચીત કરવા માટે હંમેશા દરવાજા ખુલ્લા રાખ્યા છે. જોકે પશ્ચિમ દેશો સાથે પાક્કી ગેરન્ટી બાદ જ કોઈપણ બાબતની સમજુતી થશે.’ પુતિને તાજેતરમાં જ પશ્ચિમ દેશોને ધમકી આપી કહ્યું હતું કે, ‘અમારી પાસે એવા હથિયારો છે, જે તેમના વિસ્તારોને પણ નિશાન બનાવી શકે છે.’
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને બે વર્ષથી પણ વધુ સમય થઈ ગયો છે. એક અમેરિકી રિપોર્ટમાં દાવો કરાયો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઘણા વૈશ્વિક નેતાઓની સક્રિયતાના કારણે પરમાણ યુદ્ધ ટાળી શકાયું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન વહિવટી તંત્રમાં સામેલ બે ટોચના અધિકારીઓને ટાંકીને એક રિપોર્ટમાં જણાવાયું છે કે, બંને દેશો વચ્ચેનું ઘર્ષણ રોકવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો છે કે, વડાપ્રધાન મોદી અને અન્ય ઘણા વૈશ્વિક નેતાઓના કારણે રશિયન સેના અને પુતિનને સમજાવવામાં સફળતા મળી છે. ત્યારબાદ યુક્રેન પરનો પરમાણુ હુમલો ટાળી શકાયો છે.