ચૂંટણી પંચે વોટ્સએપ પર મેસેજ મોકલવા સામે કેન્દ્રની ઝાટકણી કાઢી

Spread the love

આઈટી મંત્રાલયને આદેશ અપાયો છે કે, તેઓ તુરંત યુઝર્સોને વૉટ્સએપ પર મોકલાતા ‘વિકસીત ભારત’ના મેસેજ મોકલવાનું બંધ કરે

નવી દિલ્હી

મોબાઈલ યુઝર્સોને ‘વિકસીત ભારત સંપર્ક’નો મેસેજ મોકલવા મામલે ચૂંટણી પંચે આજે કેન્દ્ર સરકારની આકરી ઝાટકણી કાઢી છે અને તુરંત આવા મેસેજે મોકલવાનું બંધ કરવા ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયને આદેશ આપ્યો છે. આ મામલે ઘણી ફરિયાદો સામે આવ્યા બાદ ચૂંટણી પંચે આ કાર્યવાહી કરી છે. આ ઉપરાંત અગાઉ વિપક્ષ નેતાઓએ પણ વાંધો ઉઠાવ્યો હતો.

દેશના ઘણા વૉટ્સઅપ યુઝર્સને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ર સાથે પ્રતિક્રિયા અને સૂચનો માંગતો ‘વિકસિત ભારત સંપર્કનો મેસેજ મોકલવા મામલે વિવાદ ઉભો થયો હતો. ત્યારબાદ ચૂંટણી પંચે કેન્દ્ર સરકારની આકરી ઝાટકણી કાઢી આજે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયને આદેશ આપ્યો છે કે, તેઓ તુરંત યુઝર્સોને વૉટ્સએપ પર મોકલાતા ‘વિકસીત ભારત’ના મેસેજ મોકલવાનું બંધ કરે. આ ઉપરાંત પંચે મંત્રાલયને તુરંત અનુપાલન રિપોર્ટ આપવા આદેશ કર્યો છે. 

ચૂંટણી પંચે વોટ્સએપ પર વિકસીત ભારત મેસેજની ડિલવરી તુરંત અટકાવવા આદેશ આપ્યો છે. આ મામલે મંત્રાલય પાસે અનુપાલન રિપોર્ટ પણ તાત્કાલીક મંગાયો છે. આ મામલે ચૂંટણી પંચને ઘણી ફરિયાદો મળી હતી કે, લોકસભા ચૂંટણી-2024ની જાહેરાત અને આચાર સંહિતા લાગુ થયા બાદ હજુ પણ આવા સંદેશાઓ નાગરિકોના મોબાઈલ પર મોકલાઈ રહ્યા છે. ચૂંટણી પંચના કડક વલણ બાદ મંત્રાલયે જવાબ આપ્યો છે કે, આ મેસેજો આચાર સંહિતા લાગુ થયા પહેલા મોકલાયા હતા. જોકે સિસ્ટમેટિક અને નેટવર્ક લિમિટેશનના કારણે આ મેસેજે કદાચ લોકો સુધી મોડા પહોંચ્યા હતા.

આ મામલે અગાઉ  કેરળ કોંગ્રેસ એકમે કહ્યું હતું કે, આ મેસેજ દ્વારા નાગરિકો પાસેથી પ્રતિક્રિયા મંગાઈ છે, જોકે તેમાં મોકલાયેલ પીડીએફમાં રાજકીય પ્રચાર સિવાય કંઈપણ નથી. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રતિક્રિયા માંગવાની આડમાં આગામી લોકસભા ચૂંટણી માટે પોતાના અભિયાનનો પ્રચાર કરી રહ્યા છે અને સરકારી ડેટાબેઝનો દુરુપયોગ કરી રહ્યા છે. કેરળ કોંગ્રેસે વૉટ્સએપ પોલિસીનો સ્ક્રીનશૉટ પણ શેર કર્યો હતો, જેમાં જણાવાયું હતું કે, કંપનીએ રાજકીય દળો, રાજકીય નેતાઓ, રાજકીય ઉમેદવારો અને રાજકીય અભિયાનો દ્વારા મેસેજિંગ એપનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

‘વૉટ્સઅપના મેસેજ ઈન્ફો’ મુજબ આ મેસેજ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા મોકલાયો છે અને મેસેજમાં લખાયું છે કે, ‘આ પત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભારત સરકારના વિકસિત ભારત સંપર્ક કેન્દ્ર દ્વારા મોકલવામાં આવ્યો છે. છેલ્લા 10 વર્ષમાં દેશના 140 કરોડથી વધુ નાગરિકોને ભારત સરકારની યોજનાઓનો સીધો લાભ મળ્યો છે અને ભવિષ્યમાં પણ તેનો લાભ મળતો રહેશે. વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટે તમારું સમર્થન અને તમારું સૂચન ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી, યોજનાઓ અંગે તમારા મંતવ્યો લખવા વિનંતી છે.

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે શનિવારે 16 માર્ચે દેશમાં લોકસભાની ચૂંટણીઓની તારીખો જાહેર કરવા ઉપરાંત કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ અને પેટા-ચૂંટણીની પણ તારીખનો કાર્યક્રમ જાહેર કરી છે. દેશમાં લોકસભા ચૂંટણી માટે 19 એપ્રિલથી શરૂ થનાર મતદાન કુલ સાત તબક્કમાં યોજાશે, જ્યારે ચાર જૂને પરિણામ જાહેર કરાશે. આ ઉપરાંત ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાવાની છે, તેમાં આંધ્રપ્રદેશમાં 13 મે, સિક્કમ અને અરૂણાચલ પ્રદેશમાં 19 એપ્રિલે, જ્યારે ઓડિશામાં ચાર તબક્કામાં 13 મે, 20 મે, 25 મે અને પહેલી જૂને મતદાન યોજાશે. જ્યારે ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી પણ 7 મેના રોજ જ મતદાન થશે. આ વખતની ચૂંટણીમાં દેશમાં કુલ 96.88 કરોડ મતદારો રજીસ્ટર્ડ થયા છે. ચૂંટણી પંચે આ તમામ ચૂંટણીઓનું પરિણામ ચાર જૂને જાહેર કરવાનો નિર્ણય લીધો હતો, જો કે બાદમાં સિક્કમ અને અરૂણાચલ પ્રદેશની તારીખોમાં ફેરફાર કરી બીજી જૂને પરિણામ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *