સુપ્રીમ કોર્ટની બેન્ચે આ બાબતને ‘અભિવ્યક્તિની સ્વતંત્રતા પર ખતરો ગણાવ્યો
નવી દિલ્હી
સુપ્રીમ કોર્ટે પીઆઈબી ફેક્ટ ચેક યુનિટ પર પ્રતિબંધ મૂક્યો છે. પીઆઈબી ફેક્ટ ચેક યુનિટને લઈને બુધવારે જ કેન્દ્ર સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. જે બાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, જ્યાં આજે (ગુરુવાર) સુપ્રીમ કોર્ટે ફેક્ટ ચેક યુનિટ (એફસીયુ) પર પ્રતિબંધ લગાવી દીધો છે. ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે કહ્યું કે, ‘અભિવ્યક્તિની સ્વતંત્રતા પર ખતરો છે.’
કેન્દ્ર સરકારના નવા આઈટી નિયમોને પડકારતી સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા અને એડિટર્સ ગિલ્ડની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. અરજીમાં કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા 2023ના ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એમેન્ડમેન્ટ નિયમ હેઠળ ફેક્ટ ચેક યુનિટ (એફસીયુ) બનાવવાની કેન્દ્ર સરકારની સૂચના પર પ્રતિબંધ મૂકવાની માગ કરવામાં આવી હતી. આઈટી એમેન્ડમેન્ટ નિયમ 2023 હેઠળ, કેન્દ્ર સરકારનું ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય એક તપાસ સંસ્થા બનાવી શકે છે, જેની પાસે કોઈપણ પ્રવૃત્તિના સંબંધમાં ખોટા અથવા નકલી ઓનલાઈન સમાચારોને ઓળખવા અને તેને ટેગ કરવાની સત્તા હશે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ‘ફેક્ટ ચેક યુનિટ સોશિયલ મીડિયા કંપનીઓને કેન્દ્ર સરકાર વિશે ઓનલાઇન કન્ટેન્ટની સેન્સરશિપ લાગુ કરવા દબાણ કરશે. બોમ્બે હાઈકોર્ટે 11મી માર્ચે આ અરજીને ફગાવી દીધી હતી, ત્યારબાદ અરજદારોએ હવે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સુપ્રિમ કોર્ટની બેન્ચે કહ્યું કે, ‘અમારું માનવું છે કે પ્રથમ નજરે આ નિયમોના અમલીકરણ પર પ્રતિબંધ મૂકવાનો મામલો છે.’
કેન્દ્ર સરકારે ઈન્ટરનેટ મીડિયા પર ફેક કન્ટેન્ટને ઓળખવા માટે ફેક્ટ ચેકિંગ યુનિટ (એફસીયુ)ની સ્થાપના કરી હતી. આઈટી નિયમોમાં થયેલા સુધારા અનુસાર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે કેન્દ્ર સરકાર સાથે સંબંધિત કોઈપણ માહિતીને દૂર કરવી પડશે જે ફેક્ટ ચેક યુનિટને નકલી જણાય છે, અથવા તેમને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે. ફેક્ટ ચેક યુનિટને કેન્દ્ર દ્વારા 2021ના આઈટી નિયમો હેઠળ સૂચિત કરવામાં આવ્યું હતું.