ગુજરાતના જ માનવ ઠક્કરે ત્રણ સિલ્વર મેડલ જીત્યા
ગાંધીધામ
વધુ એક વાર શાનદાર પ્રદર્શન કરીને ગુજરાતના સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી માનુષ શાહે બૈરૂત WTT ફીડર ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીત્યો હતો. આ ટુર્નામેન્ટ હાલમાં લેબેનોનના બૈરૂત ખાતેની કવાથર સેકન્ડરી સ્કૂલ ખાતે યોજાઈ છે. માનુષ અને મિક્સ ડબલ્સમાં તેની જોડીદાર દિયા ચિતાલેએ મિક્સ ડબલ્સ ઇવેન્ટમાં ભારતના જ માનવ ઠક્કર અને અર્ચના કામથની જોડીને ફાઇનલમાં હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
છઠ્ઠા ક્રમના માનુષ અને દિયાની જોડીએ મેચના પ્રારંભથી જ રમત પર જોરદાર અંકુશ હાંસલ કરી લીધો હતો અને પાંચમા ક્રમની ભારતીય જોડીને 3-1થી હરાવી હતી.
વડોદરાના માનુષે જોકે મેન્સ ડબલ્સમાં નિરાશ કર્યા હતા કેમ કે તે અને તેના જોડીદાર માનવ ઠક્કરને ફાઇનલમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ભારતની મોખરાના ક્રમની જોડીનો ક્યુબાના એન્ડી પરેરા અને જોર્જ કેમ્પોસની બીજા ક્રમની જોડી સામે 1-3થી પરાજય થયો હતો.
આ સાથે ડાબોડી ખેલાડી માનુષે બૈરૂતના આ અભિયાનનો એક ગોલ્ડ અને એક સિલ્વર સાથે અંત આણ્યો હતો. વિશ્વમાં 83મા ક્રમના માનવે ટુર્નામેન્ટમાં શાનદાર સફળતા હાંસલ કરી હતી અને કેટલીક પ્રેરક રમત રમવા છતાં 23 વર્ષીય ખેલાડીને ત્રણ સિલ્વરથી સંતોષ માનવો પડ્યો હતો.
મિક્સ ડબલ્સ અને મેન્સ ડબલ્સ ફાઇનલમાં પરાસ્ત થયા બાદ સુરતનો 23 વર્ષીય માનવ મેન્સ સિંગલ્સની ફાઇનલમાં ભારતના જી.સાથિયાન સામે હારી ગયો હતો. પ્રારંભિક ગેમ જીત્યા બાદ માનવ તેના આક્રમક હરીફ સામે ટકી શક્યો ન હતો અને 1-3ના પરાજય સાથે ગોલ્ડ મેડલથી વંચિત રહ્યો હતો.
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ) ના પ્રમુખ શ્રી પ્રમોદ ચૌધરીએ ગુજરાતના આ બે ખેલાડીની ઇન્ટરનેશનલ લેવલની આ સફળતા માટે આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે “માનુષ અને માનવની સિદ્ધિ માટે જીએસટીટીએને ગૌરવ છે. અમારા ખેલાડી વિવિધ કેટેગરીની ફાઇનલમાં પ્રવેશ્યા હતા જે તેમની ક્ષમતાનો પુરાવો છે.” તેમ તેમણે જણાવ્યું હતું.