ભારતનું કોન્સોલિડેટેડ ફંડ મારું અંગત ફંડ નથી, મારો પગાર, મારી કમાણી અને મારી બચત મારી છેઃ સિતારમણ
નવી દિલ્હી
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ભાજપના લોકસભા ચૂંટણી લડવાના પ્રસ્તાવને ફગાવી દીધો છે. તેની પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું કે તેમની પાસે લોકસભાની ચૂંટણી લડવા માટે ‘જરૂરી ફંડ’ નથી. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમને આંધ્રપ્રદેશ અથવા તમિલનાડુમાંથી ચૂંટણી લડવાનો વિકલ્પ આપ્યો હતો.
નિર્મલા સીતારમણે કહ્યું કે, “હું ખૂબ આભારી છું કે ભાજપના નેતૃત્વએ મારી અરજી સ્વીકારી… તેથી જ હું ચૂંટણી લડી રહી નથી.” જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે દેશના નાણામંત્રી પાસે ચૂંટણી લડવા માટે પૂરતું ભંડોળ કેમ નથી? તો તેમણે કહ્યું કે ભારતનું કોન્સોલિડેટેડ ફંડ તેમનું અંગત ફંડ નથી. મારો પગાર, મારી કમાણી અને મારી બચત મારી છે, ભારતનો કોન્સોલિડેટેડ ફંડ મારું નથી.
નિર્મલા સીતારમણે ચૂંટણી ન લડવાનું કારણ ‘જરૂરી ફંડ’ નથી એવું આપ્યું હતું. હવે એ જાણવું અગત્યનું બની જશે કે દેશના નાણામંત્રીની સંપત્તિ કેટલી છે. માયનેતા વેબસાઇટ અનુસાર, નિર્મલા સીતારમણની કુલ સંપત્તિ 2 કરોડ 50 લાખ 99 હજાર રૂપિયા અને 396 રૂપિયા છે. તેની પાસે જંગમ અને સ્થાવર બંને મિલકત છે. નિર્મલા સીતારમણ પાસે 315 ગ્રામ સોનું છે અને પાસે 2 કિલો ચાંદી પણ છે. આ ઉપરાંત તેમના પર 30 લાખ રૂપિયાની લોન પણ છે.
નાણામંત્રી પાસે કોઈ કાર નથી. જોકે તેના નામે બજાજ ચેતક સ્કૂટર છે. જેની કિંમત રૂ. 28,200 છે. આ ઉપરાંત તેમની પાસે હૈદરાબાદ નજીક લગભગ 16 લાખ રૂપિયાની બિનખેતી જમીન પણ છે.
તેમની સ્થાવર મિલકતની કિંમત રૂ. 1,87,60,200 છે. સીતારમણના નામે 30 લાખ રૂપિયાની લોન પણ છે. રાજ્યસભા માટેના તેમના ચૂંટણી એફિડેવિટમાં તેમણે કહ્યું હતું કે તેમની પાસે 17,200 રૂપિયા રોકડા છે. આ સિવાય બેંક એફડી તરીકે 45,04,479 રૂપિયાની માહિતી આપવામાં આવી હતી.
ચૂંટણી પંચના મતે લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોના ખર્ચનો અલગ-અલગ હોય છે. લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર રૂ. 95 લાખ સુધીનો ખર્ચ કરી શકે છે. પહેલા તે રૂ. 70 લાખ હતી. જે વર્ષ 2022માં વધારવામાં આવી હતી. તેમજ રાજ્યની વિધાનસભા ચૂંટણી માટે ખર્ચની મર્યાદા રૂ. 28 લાખથી વધારીને રૂ. 40 લાખ કરવામાં આવી હતી.