નાટોના બોમ્બમારાથી સર્બિયામાં હજુ તોળાતો કેન્સરનો ખતરો

Spread the love

અહીંના લોકો કેન્સર જેવી બીમારીઓનો ભોગ બનતા હોઈ મૃત્યુદર વધી રહ્યાનો સર્બિયાના સ્વાસ્થ્યમંત્રીનો દાવો

બેલગ્રેડ

માનવજાતે યુધ્ધ લડવા માટે એટલા ખતરનાક હથિયારો બનાવ્યા છે કે, જંગ ખતમ થઈ ગયા પછી પણ દાયકાઓ સુધી તેની અસર વરતાતી હોય છે. 

યુરોપના ટચૂકડા દેશ સર્બિયાની જ વાત કરીએ તો 1999માં નાટો દેશોએ અહીંયા બોમ્બમારો કર્યો હતો. સર્બિયાની સરકારનુ કહેવુ છે કે, 25 વર્ષ પછી પણ તેમાંથી લોકો બહાર આવી શક્યા નથી. બોમ્બમારાના આફટરશોકસના ભાગરુપે આજે પણ હજારો લોકો કેન્સર જેવી બીમારીઓનો ભોગ બની રહ્યા છે. 

સર્બિયાના સ્વાસ્થ્ય મંત્રી ડેનિકા ગ્રુજિસિકે નાટોના હુમલાના 25 વર્ષ પૂરા થવા નિમિત્તે એક સમારોહમાં હાજરી આપી હતી અને એ પછી એક મીડિયા ઈન્ટરવ્યૂમાં તેમણે  કહ્યુ હતુ કે, 1999માં  થયેલા યુધ્ધમાં બોમ્બમારા બાદ અહીંની વ્યવસ્થા પડી ભાંગી હતી. આજે પણ તેની અસર દેખાઈ રહી છે અને લોકો કેન્સર જેવી બીમારીઓનો ભોગ બની રહ્યા હોવાથી મૃત્યુદર વધી રહ્યો છે. 

ડેનિકા ગ્રુજિસિકે આગળ કકહ્યુ હતુ કે, કેટલાક સર્બિયન ડોકટરો સાથે મેં એક પુસ્તક લખ્યુ છે અને તેમાં 1999માં થયેલા ભીષણ બોમ્બમારા બાદ જે પરિણામો આવ્યા હતા તેને લગતી હકીકત પ્રકાશિત કરવામાં આવી છે. આ પુસ્તકમાં અમારી પાસે જેટલા પણ તથ્યો અને આંકડા મોજૂદ હતા તેનો સહારો લઈને વિશ્લેષણ કરવામાં આવ્યુ છે. લોકોના કેન્સરના ઈલાજ માટે અમને રશિયામાં થયેલા સંશોધનના કારણે મદદ મળી છે. 

ડેનિકા ગ્રુજિસિક પોતે એક ન્યૂરોસર્જન છે અને આરોગ્ય મંત્રી બન્યા તે પહેલા સર્બિયાના ઈન્સ્ટિટ્યુટ ઓફ ઓન્કોલોજી એન્ડ રેડિયોલોજીના ડાયરેકટર તરીકે કામ કરી ચુકયા છે. તેમનુ કહેવુ છે કે, સર્બિયામાં દર વર્ષે 40000 લોકોને કેન્સર થાય છે અને આ આંકડો સર્બિયાની વસતીને જોતા ઘણો મોટો કહી  શકાય. હવે અમારી સરકાર એક એવુ સોફટવેર બનાવી રહી છે જેના પર નવા દર્દીઓ જાતે રજિસ્ટર થઈ શકશે. 

ડેનિકા ગ્રુજિસિકે જેનો ઉલ્લેખ ઈન્ટરવ્યૂમાં કર્યો હતો તે યુધ્ધ 1999માં થયુ હતુ. આ સમયગાળામાં યુગોસ્લાવિયામાં કોસોવો લિબરેશન આર્મી તેમજ સર્બિયાની સેના અ્ને અલ્બેનિયાના ભાગલાવાદીઓ વચ્ચે ભયંકર યુધ્ધ છેડાયુ હતુ અને એ પછી નાટો દેશો તેમાં કુદી પડયા હતા. 24 માર્ચથી શરૂ થયેલુ યુધ્ધ બે મહિના સુધી ચાલ્યુ હતુ અને તે વખતે બોમ્બ મારામાં 2500 લોકોના મોત થયા હતા. 

સર્બિયાનુ માનવુ છે કે, આ બોમ્બ મારામાં યુરેનિયમની ઓછી માત્રાવાળા બોમ્બનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેના કારણે દેશમાં યુધ્ધ બાદ કેન્સરના દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવ્યો હતો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *