ન્યાયિક ચુકાદાને પ્રભાવિત કરવા દબાણની નીતિ અપનાવાય છેઃ વકીલો

Spread the love

આ બાબત રાજનીતિક હસ્તીઓ અને ભ્રષ્ટાચારો સાથે સબંધિત મામલે વધુ જોવા મળી રહી હોઈ આ કાર્યવાહીઓ ન્યાયિક પ્રક્રિયા પરના ભરોસા માટે ખતરો ઊભો કરે છે

નવી દિલ્હી

વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે સહિત દેશભરના 600થી વધુ વકીલોએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડને પત્ર લખીને ન્યાયપાલિકા પર સવાલ ઉઠાવવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. વકીલોએ આ પત્રમાં લખ્યું છે કે, એક ગ્રુપ ન્યાયિક ચુકાદાને પ્રભાવિત કરવા માટે દબાણની રણનીતિ અપનાવી રહ્યું છે. તે ખાસ કરીને રાજનીતિક હસ્તીઓ અને ભ્રષ્ટાચારો સાથે સબંધિત મામલે વધુ જોવા મળી રહ્યું છે. તેમનો તર્ક છે કે, આ કાર્યવાહીઓ લોકતાંત્રિક માળખા અને ન્યાયિક પ્રક્રિયામાં રાખવામાં આવેલા ભરોસા માટે ખતરો ઊભો કરે છે.

પત્રમાં આગળ લખવામાં આવ્યું છે કે, આ ચોક્કસ ગ્રુપ અલગ-અલગ રીતે પ્રપંચ કરી રહ્યું છે. તેનાથી ન્યાયપાલિકાની ગરિમાને ઠેસ પહોંચે છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, આ ગ્રુપ એવા નિવેદનો આપે છે જે યોગ્ય નથી હોતા અને તેઓ રાજકીય લાભ લેવા માટે આવું કરે છે. રાજનીતિક હસ્તીઓ અને ભ્રષ્ટાચારના મામલે દબાણ બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. જે વકીલોએ સીજેઆઈને પત્ર લખ્યો છે તેમાં હરીશ સાલ્વે, મનન કુમાર મિશ્રા, આદિશ અગ્રવાલ, ચેતન મિત્તલ, પિંકી આનંદ, હિતેશ જૈન, ઉજ્જવલા પવાર, ઉદય હોલ્લા, સ્વરૂપમા ચતુર્વેદી અને દેશભરના 600થી વધુ વકીલો સામેલ છે.

વકીલોનું કહેવું છે કે, આ ચોક્કસ ગ્રુપ અનેક રીતે ન્યાયપાલિકાની કામગીરીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે. તેમાં ન્યાયપાલિકાના કહેવાતા સુવર્ણ યુગ વિશે ખોટું વર્ણન રજૂ કરવાથી લઈને અદાલતોની વર્તમાન કાર્યવાહી પર સવાલો ઉઠાવવા અને અદાલતોમાં જનતાના વિશ્વાસને ઘટાડવો વગેરે સામેલ છે. પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ગ્રુપ પોતાના રાજકીય એજન્ડાના આધારે કોર્ટના નિર્ણયોની પ્રશંસા અથવા ટીકા કરે છે. આ ગ્રુપ ‘માય વે અથવા હાઈવે’ વાળી થિયરીમાં વિશ્વાસ કરે છે. આ સાથે જ બેન્ચ ફિક્સિંગની થિયરી પણ આ જ લોકો દ્વારા બનાવવામાં આવી છે.

વકીલોએ કહ્યું કે, આ ખૂબ જ અજીબ વાત છે કે, નેતા કોઈ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવે છે અને પછી બાદમાં કોર્ટમાં તે તેમનો બચાવ કરે છે. જો કોર્ટનો નિર્ણય તેમની ઈચ્છા મુજબ ન આવે તો તેઓ કોર્ટની અંદર અથવા તો મીડિયા દ્વારા કોર્ટ વિશે ખરાબ બોલવાનું શરૂ કરી દે છે. આ પત્રમાં આગળ કહેવામાં આવ્યું કે, કેટલાક તત્વ જજોને પ્રભાવિત કરવા અને કેટલાક કેસોમાં પોતાના પક્ષમાં ચુકાદો આપવા માટે જજો પર દબાણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આવું કામ સોશિયલ મીડિયા પર જૂઠાણું ફેલાવીને કરવામાં આવી રહ્યું છે. અમે સીજેઆઈ અને સુપ્રીમ કોર્ટને આગ્રહ કરીએ છીએ કે, તેઓ આ પ્રકારના હુમલાથી આપણી અદાલતોને બચાવવા માટે નક્કર પગલા ભરે. 

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *