કન્હૈયા કુમાર-પપ્પુ યાદવની પત્નીને ટિકિટનો વિવાદ
પટના
લોકસભા ચૂંટણીને લઈને બિહાર મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણી થઈ ગઈ છે. આરજેડી, કોંગ્રેસ અને લેફ્ટ વચ્ચે સીટ શેરિંગ પર સહમતિ બની છે. સૌથી વધુ બેઠકો પર લાલુ યાદવની પાર્ટી આરજેડી ચૂંટણી લડશે. જોકે, પપ્પુ યાદવનો મોટો ઝટકો લાગ્યો છે. આરજેડીના ભાગમાં પૂર્ણિયા બેઠક આવી છે. આરજેડીએ પહેલા જ બીમા ભારતીને પોતાની ઉમેદવાર જાહેર કરી દીધી હતી. કન્હૈયા કુમારને પણ ઝટકો લાગ્યો છે. બેગૂસરાય બેઠક સીપીઆઈના હિસ્સામાં આવી છે.
બિહારમાં કુલ 40 બેઠકો છે. સીટ વહેંચણીમાં આરજેડીને 26, કોંગ્રેસ 9 અને લેફ્ટને 5 બેઠકો મળી છે.
એટલું જ નહીં આરજેડીના ખાતામાં એ ત્રણ બેઠકો પણ આવી છે જ્યાંથી પહેલા એક સમયે પપ્પુ યાદવ અથવા તેમની પત્ની ચૂંટણી લડ્યા હતા. આ બેઠકોમાં સુપૌલ, મધેપુરા અને પૂર્ણિયાના નામ સામેલ છે. આ ત્રણેય સીટો આરજેડીના પાસે ગઈ છે. પપ્પુ યાદવ એક વખત ધારાસભ્ય અને પાંચ વખત સાંસદ રહી ચૂક્યા છે. જેમાં તેઓ ત્રણ વખત પૂર્ણિયા અને બે વખત મધેપુરા સીટનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે. જ્યારે પપ્પુ યાદવની પત્ની રંજીતા રંજન સુપૌલથી સાંસદ રહી ચુક્યા છે. હાલમાં તેઓ કોંગ્રેસથી રાજ્યસભાના સાંસદ છે.
આરજેડી જે 26 બેઠકો પર લોકસભા ચૂંટણી લડશે તેમાં ગયા, નવાદા, જહાનાબાદ, ઔરંગાબાદ, બક્સર, પાટલિપુત્ર, મુંગેર, જમુઈ, બાંકા, વાલ્મીકી નગર, પૂર્વી ચંપારણ, શિવહર, સીતામઢી, વૈશાલી, સારણ, સિવાન, ગોપાલગંજ, ઉજિયારપુર, દરભંગા, મધુબની, ઝંઝારપુર, સુપૌલ, મધેપુર, પૂર્ણિયા, અરરિયા, હાજીપુરનું નામ સામેલ છે.
કોંગ્રેસને કટિહાર, બેતિયા, કિશનગંજ, મુઝફ્ફરપુર, ભાગલપુર, સમસ્તીપુર, વેસ્ટ ચંપારણ, પટના સાહિબ, સાસારામ, મહારાજગંજ બેઠકો મળી છે.
સીપીઆઈ-એમએલને આરા, કારાકટ, નાલંદા, સીપીઆઈને બેગુસરાય, સીપીએમને ખાગરિયા બેઠક મળી છે.
2019ની ચૂંટણી કન્હૈયા કુમાર સીપીઆઈની ટિકીટ પર લડ્યા હતા. બેગુસરાયમાં તેમની સામે બીજેપીથી ગિરિરાજ સિંહ હતા. જો કે આ ચૂંટણીમાં કન્હૈયાએ કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા હતા. સીટ વહેંચણીમાં ફરી એક વખત આ સીટ સીપીઆઈના ફાળે ગઈ છે.
બીજી તરફ પૂર્ણિયા બેઠક પરથી દાવેદારી કરી રહેલા પપ્પુ યાદવ પીછેહઠ કરવા તૈયાર નથી. તેમણે સીટ શેરિંગના એલાન પહેલા જ એક્સ પર પોસ્ટ કરી હતી અને લખ્યું કે, સીમાંચલ કોસી જીતીને દેશમાં કોંગ્રેસની સરકાર બનાવશે. પૂર્ણિયામાં કોંગ્રેસનો ઝંડો લહેરાશે. રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવીશું.