વીડિયોમાં રોશિબિના દેવી કહી રહી છે કે મે મહિના બાદથી પોતાના પરિવારને નથી જોયો, મારા કોચે મને મારા પરિવાર સાથે વાત કરવાની ના પાડી છે
હાંગઝોઉ
એશિયન ગેમ્સ 2023માં ભારતીય વૂશુ ખેલાડી રોશિબિના દેવીએ સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચી દીધો હતો. સોશ્યલ મીડિયા પર રોશિબિના દેવીનો સિલ્વર મેડલ જીત્યા પછીનો વીડિયો અને ફોટો વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે રોશિબિના દેવી મણીપુરની સ્થિતિ પર વાત કરતા પોતાના આંસુ રોકી શકી ન હતી.
સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયોમાં રોશિબિના દેવી રડી રહી છે. આ વીડિયોમાં રોશિબિના દેવી કહી રહી છે કે તેણે મે મહિના બાદથી પોતાના પરિવારને નથી જોયો. મારા કોચે મને મારા પરિવાર સાથે વાત કરવાની ના પાડી છે. મારા કોચનું માનવું છે કે જો હું આવી સ્થિતિમાં મારા પરિવાર સાથે વાત કરીશ તો હું પરેશાન થઈ જઈશ, જેની અસર મારી ટ્રેનિંગ પર પડશે. જેના કારણે હું છેલ્લા 5 મહિનાથી મારા પરિવાર સાથે વાત કરી શકી નથી.
રોશિબિના દેવીએ એશિયન ગેમ્સમાં સતત બીજી વખત મેડલ જીત્યો છે. આ પહેલા રોશિબિના દેવીએ એશિયન ગેમ્સ 2018માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે મણિપુરની રહેવાસી છે અને મણિપુરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી સ્થિતિ સામાન્ય નથી. ત્યાં સતત હિંસા ચાલુ છે. જો કે હવે એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનારી રોશિબિના દેવીનું દર્દ છલકાયું હતું. એશિયન ગેમ્સમાં મેડલ જીતવા છતાં રોશિબિના દેવી પોતાના આંસુ રોકી શકી નહીં.