ગત લોકસભા ચૂંટણીમાં નકુલ મધ્ય પ્રદેશથી કોંગ્રેસના એકમાત્ર વિજેતા ઉમેદવાર હતા, કોંગ્રેસે તેમને આ બેઠક પરથી ફરીથી ઉમેદવાર જાહેર કર્યા છે
નવી દિલ્હી
કોંગ્રેસ સાંસદ નકુલનાથે ગુરુવારે ભાજપ પર ધર્મને રાજકીય મંચ પર લાવવા અને એવુ સાબિત કરવાનો આરોપ લગાવ્યો જેમ કે તેમની પાસે ભગવાન રામની એજન્સી અને રામ મંદિરને ભાડે પટ્ટે લીધુ હોય. ગત લોકસભા ચૂંટણીમાં નકુલ મધ્ય પ્રદેશથી કોંગ્રેસના એકમાત્ર વિજેતા ઉમેદવાર હતા. વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકુલ છિંદવાડા લોકસભા બેઠકથી જીતવામાં સફળ રહ્યા હતા અને દરમિયાન કોંગ્રેસે તેમને આ બેઠક પરથી ફરીથી ઉમેદવાર જાહેર કર્યા છે.
નકુલનાથે વંશવાદના રાજકારણ વિશે ભાજપના વારંવારના આરોપો પર પણ કટાક્ષ કરતા કહ્યુ, ભાજપ પાસે કોઈ મુદ્દો બાકી નથી. બેરોજગારી, મોંઘવારી વગેરે વિશે નહીં પરંતુ વંશવાદના રાજકારણ વિશે વાત કરી રહ્યા છે. તે પોતાની પાર્ટીમાં વંશવાદી રાજકારણ જોતા નથી. અયોધ્યા સ્થિત રામ મંદિર નિર્માણ વિશે નાથે કહ્યુ કે ભાજપ આ મુદ્દાનું રાજનીતિકરણ કરી રહ્યુ છે અને એવુ વર્તન કરી રહી છે કે તેમની પાર્ટી પાસે ભગવાન રામની એજન્સી અને રામ મંદિર ભાડે પટ્ટે છે.
કોંગ્રેસ સાંસદે કહ્યુ કે ભાજપ લોકોનું ધ્યાન ભટકાવવા માટે લોકસભા ચૂંટણી પહેલા એનઆરસી, સીએએ અને કલમ 370 જેવા મુદ્દા ઉઠાવી રહી છે. તેમણે કહ્યુ, આ લોકોનું ધ્યાન ભટકાવવાનું રાજકારણ છે. ભાજપ જનતાને ગેરમાર્ગે દોરી રહ્યુ છે. તે લોકો સાથે જોડાયેલા મુદ્દાઓ પર નહીં પરંતુ ધ્યાન ભટકાવવા માટે એનઆરસી, સીએએ, કલમ 370 વિશે વાત કરી રહ્યુ છે. બેરોજગારી, મોંઘવારી અને ખેડૂતોની સ્થિતિ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓને સાઈડમાં કરીને ધ્યાન ભટકાવવામાં આવી રહ્યુ છે.
તેમણે દાવો કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દર વર્ષે બે કરોડ નોકરીઓ ઊભી કરવા, નાગરિકોના ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરવા અને 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાની વાત કહી હતી. સાંસદે કહ્યુ, આ વચન પૂરા થયા નથી જ્યારે વડાપ્રધાન ‘મોદી ની ગેરંટી’ની વાત કરતા રહે છે. ખેડૂતોની આવક બમણી કરવી તો દૂર, તેઓ મુશ્કેલથી જ પોતાનું ગુજરાન ચલાવી શકે છે.