ભાજપ અને ક્ષત્રિય સમાજ વચ્ચેની બેઠક નિષ્ફળ રહી

Spread the love

રૂપાલની ટિકિટ રદ્દ કરવાની માગ પર ક્ષત્રિય સમાજ અડગ,રૂપાલાને માફ કરવા ક્ષત્રિય સમાજ તૈયાર નથી

ગાંધીનગર

રાજકોટ બેઠક પરના લોકસભા ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન બાદથી સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિયો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિવાદ વકરતા જ પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બે વખત માફી માંગી હતી. જોકે, ક્ષત્રિય સમાજ ભાજપ પાસે રૂપાલાની બેઠક રદ્દ કરવાની માગ પર અડગ છે. ક્ષત્રિય સમાજની મહિલાઓ, યુવાનો, રાજવી પરિવારો પણ રૂપાલાના વિરોધમાં નિવેદનો અને પ્રદર્શન કરી રહ્યા છે. જ્યારબાદથી ભાજપ ડેમેજ કંટ્રોલ કરવા માટે મથામણ કરી રહ્યું છે. ગઈકાલે (2 એપ્રિલ) ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના નિવાસ સ્થાને ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં તેમણે ક્ષત્રિય સમાજને વિનંતી કરી હતી કે તેઓ રૂપાલાને માફ કરે. ત્યારબાદ તેમણે ક્ષત્રિય સમાજ સાથે 3 એપ્રિલે બેઠક કરાશે તેવી જાહેરાત કરી હતી. જેને લઈને આજે અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત સમાજના ભવન ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાજપ નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી.

ભાજપ અને ક્ષત્રિય સમાજ વચ્ચેની બેઠક નિષ્ફળ રહી છે. રૂપાલની ટિકિટ રદ્દ કરવાની માગ પર ક્ષત્રિય સમાજ અડગ છે. રૂપાલાને માફ કરવા ક્ષત્રિય સમાજ તૈયાર નહીં. ક્ષત્રિય સંકલન સમિતિના નેતાઓએ ભાજપ નેતાઓ સમક્ષ પોતાની વાત મૂકી હતી. ક્ષત્રિય સમાજે કહ્યું કે, પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવી જ પડશે. સર્વાનુમતે માફી આપવાનું મંજુર નહીં. જોકે આજની આ બેઠક નિષ્ફળ રહી છે. ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે, હવે બીજી કોઈ બેઠક નહીં થાય.

આજે અઢી વાગ્યે ગોતામાં રાજપૂત ભવન ખાતે રાજપૂત સમાજની મુખ્ય કોર કમિટી અને ભાજપના ક્ષત્રિય આગેવાનો વચ્ચે બેઠક યોજાઈ હતી. પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મંત્રી બળવંતસિંહ રાજપૂત, પ્રદિપસિંહ જાડેજા, કેસરીદેવસિંહ ઝાલા, કિરીટસિંહ રાણા અને આઈ.કે.જાડેજા સહિતના ભાજપના આગેવાનીમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જયરાજસિંહ પરમાર, હકુભા જાડેજા, પી.ટી. જાડેજા, તૃપ્તીબા રાઓલ, નરેન્દ્રસિંહ સિસોદિયા, કરણસિંહ રાજપૂત, વિજયસિંહ, અશ્વિનસિંહ સરવૈયા અને સુખદેવસિંહ વાઘેલા સહિતના ક્ષત્રિય આગેવાનો હાજર છે. બેઠકમાં ચાર ક્ષત્રિય મહિલા આગેવાન પણ ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ મામલે અમદાવાદમાં ક્ષત્રિય સમાજની બેઠકમાં આમંત્રણ ન મળતા પદ્મિનીબાએ અન્નનો ત્યાગ કર્યો હતો. ત્યારબાદ તાત્કાલિક તેમને બેઠકમાં બોલાવાયા હતા. મહત્વનું છે કે, ક્ષત્રિય સમાજની કોર કમિટિની બેઠકથી મીડિયાને પણ દૂર રખાયું હતું.

રૂપાલાના નિવેદન બાદથી રાજ્યભરમાં ક્ષત્રિયોમાં રોષ જોવા મળ્યો છે. ક્ષત્રિયો પરષોત્તમ રૂપાલાની બેઠક રદ કરવાની માંગણી કરી રહ્યા છે. આ વચ્ચે આજે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપના ક્ષત્રિય આગેવાનોની બેઠક મળી છે. આ અગાઉ આજે ક્ષત્રિય આગેવાનોની 15 સભ્યોની કોર કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં 92 ક્ષત્રિય આગેવાનો હાજર રહ્યા હતા. 

ક્ષત્રિય સમાજ અંગેની ટિપ્પણી મામલે રાજ્યના ચૂંટણી પંચે રાજકોટના ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલાને ક્લિનચીટ આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે, રૂપાલા સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ દાખલ થઇ હતી. જેના પર તપાસ હાથ ધરવા માટે નોડલ ઓફિસર અને એક પ્રાંત અધિકારીને જવાબદારી સોંપવામાં આવી હતી. માહિતી મુજબ તમામ વીડિયો અને પુરાવાઓની તપાસ બાદ ગઇકાલે સાંજે જિલ્લા કલેક્ટરને આ મામલે તપાસનો રિપોર્ટ મોકલાયો હતો અને ત્યાંથી આ રિપોર્ટ ચૂંટણી પંચને સુપરત કરાયો હતો. તપાસ રિપોર્ટના આધારે જ રૂપાલાને ચૂંટણી પંચે ક્લિનચીટ આપી દેતાં ભાજપે રાહતના શ્વાસ લીધા હતા.

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર શરૂ કરી દેવાયો છે. ત્યારે હવે રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડનારા પરશોત્તમ રૂપાલા વિવાદમાં આવ્યા છે. પરશોત્તમ રૂપાલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અનુસૂચિત જાતિ સમુદાયના એક કાર્યક્રમમાં રજવાડાઓ અંગે બોલતા સમયે તેમની જીભ લપસી હતી. જેમાં તેમણે ક્ષત્રિય સમાજ અંગે બફાટ કર્યો હતો. પરશોત્તમ રુપાલાના એક નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે, વિવાદ વકરતા પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી પણ માંગી હતી.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *