અમદવાદ
અમદાવાદના નરેન્દ્ર મોદી મોટેરા સ્ટેડિયમ પર આઈપીએલની ક્વોલિફાયર-1માં કોલકાતા નાઈટ રાઈડર્સનો સનરાઈઝર્સ હૈદ્રાબાદ સામે આઠ વિકેટે વિજય મેળવ્યો હતો. આ સાથે શાહરૂખ ખાનની માલિકીની ટીમે સ્પર્ધાની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.
સનરાઈઝર્સના સુકાની પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. ટ્રેવિસ હેડને શૂન્ય રને મેચના બીજા જ બોલે સ્ટાર્કે બોલ્ડ કર્યો હતો. રાહુલ ત્રિપાઠી આ તબક્કે અભિષેક શર્મા સાથે જોડાયો હતો. રાહુલે સનરાઈઝર્સે શરૂઆતમાં જ જોરદાર આંચકો આપનારા સ્ટાર્કના બે બોલ પર બાઉન્ડ્રી ફટકારી ટીમના મોટા જુમલાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. જોકે ટીમનો કુલ સ્કોર 13 પર પહોંચતા અભિષેક શર્મા વૈભવ અરોરાના બોલમાં કવર પર આંદ્રે રસેલના હાથમાં ચાર બોલમાં ત્રણ રન બનાવીને ઝિલાઈ ગયો હતો. સનરાઈઝર્સને ત્રીજો આંચકો સ્ટાર્કે નિતિશ કુમાર રેડ્ડીને વિકેટકીપર રમાનુલ્લાહ ગુરબાઝના હાથમાં ઝિલાવી દીધો હતો. રેડ્ડી પુલ કરવાના પ્રયાસમાં બોલ ઊંચો જતા દસ બોલમાં નવ રન બનાવીને આઉટ થયો હતો. આ સમયે ટીમનો સ્કોર માત્ર 39 રન હતો. સ્ટાર્કે એ પછી તરત જ શાહબાઝ અહેમદને બોલ્ડ કરતા સનરાઈઝર્સની મુશ્કેલી વધી હતી. રાહુલ ત્રિપાઠીએ એક છેડો જાળવી રાખવા સાથે આક્રમક રમત પણ બતાવી હતી અને તેણે માત્ર 29 બોલમાં તેની અડધી સદી પૂરી કરી હતી. કોલકાતાને હેનરિચ કલાસનની વિકેટ સાથે વધુ એક સફળતા મળી હતી. કલાસન 21 બોલમાં સાત બાઉન્ડ્રી અને એક સિક્સર સાથે 32 રન બનાવીને વરુણ ચક્રવર્તીના બોલમાં રમનદીપ સિંહના હાથમાં ઝિલાઈ ગયો હતો. સનરાઈઝર્સે તેની પાંચમી વિકેટ 101 રનના કુલ જુમલે ગુમાવી હતી. રાહુલે કલાસન સાથેની પાંચમી વિકેટની ભાગીદારીમાં 62 રન ઉમેર્યા હતા. રાહુલ સાથે અબ્દુલ શમદ જોડાયો હતો. બન્ને ટીમને મજબૂત જુમલા તરફ લઈ જાય એ પહેલાં રાહુલ કમનસીબે રન આઉટ થયો હતો. તેણે 35 બોલમાં 55 રન બનાવ્યા હતા. સનવીર સિંહ ખાતું ખોલાવે એ પહેલાં જ સુનિલ નરેને તેને બોલ્ડ કરી દીધો હતો. અબ્દુલ શમદ 12 બોલમાં બે સિક્સર સાથે 16 રન બનાવીને હર્ષિત રાણાના બોલે શ્રેયસ ઐયરના હાથમાં આસાન કેચ આપી બેઠો હતો. ભૂવનેશ્વર કુમાર ચાર બોલમાં શૂન્ય રને વરૂણ ચક્રવર્તીના બોલે એલબીડબલ્યુ આઉટ થયો હતો. તેણે રિવ્યુ માગ્યો અને બોલ સીધો સ્ટંપમાં જતો હોઈ તેને આઉટ જાહેર કરાયો હતો. શરૂની ઓવર્સમાં ત્રણ વિકેટ ઝડપનારા સ્ટાર્ક ચોથી છેલ્લી ઓવર મોંઘી પુરવાર થઈ હતી જેમાં કમિન્સે 12 રન ઝૂડી કાઢ્યા હતા. ઈનિંગ્સની છેલ્લી 20મી રસેલની ઓવરના ત્રીજા બોલે કમિન્સ મોટો શૉટ રમવાના પ્રયાસમાં વિકેટકીપર ગુરબાઝના હાથમાં ઝિલાઈ ગયો હતો. તેણે બે બાઉન્ડ્રી, બે સિક્સર સાથે 30 રન બનાવ્યા હતા. ટીમનો દાવ 19.3 ઓવરમાં 159 રનમાં સમેટાઈ ગયો હતો. કોલકાતા માટે સુકાની કમિન્સે સૌથી વધુ ત્રણ વિકેટ 34 રન આપીને જ્યારે વરૂણ ચક્રવર્તીએ 26 રનમાં બે અને અરોરા, રાણા, નરૈન તથા રસેલે એક-એક વિકેટ લીધી હતી.
159 રનના સરળ કહી શકાય એવા લક્ષ્યાંકનો પીછો કરતા કોલકાતા માટે રમાનુલ્લાહ ગુરબાઝે સુનીલ નરેન સાથે શાનદાર શરૂઆત કરી હતી. ટીમને સલામત સ્થિતિમાં મુકે એ પહેલાં ગુરબાઝ 14 બોલમાં બે બાઉન્ડ્રી, બે સિક્સર સાથે 23 રન બનાવીને નટરાજનના બોલે વિયાસકાંથના કેચ આપી બેઠો હતો. કોલકાતાએ 4.2 ઓવરમાં 50 રન પૂરા કરી લીધા હતા. કોલકાતાનો કુલ જુમલો 67 રને પહોંચતા સુનિલ નરૈન 16 બોલમાં ચાર બાઉન્ડ્રી સાથે કમિન્સના બોલે વિયસકાંતના હાઝમાં ઝિલાઈ ગયો હતો. વેંકટેશ ઐયર અને સુકાની શ્રેયસ ઐયરે સારા તાલમેલ સાથે સ્કોરને આગળ વધાર્યો હતો. શ્રેયસે વેંકટેશ પાસે સ્ટ્રાઈક રહે એ રીતે ધૈર્ય પૂર્વકની રમત બતાવી હતી જ્યારે વેંકટેશે આક્રમક બેટિંગ કરતા ટીમના જુમલાને 9.4 ઓવરમાં 100 રને પહોંચાડી દીધો હતો. વેંકટેશ અને શ્રેયસે 28 બોલમાં 50 રનની ભાગીદારી કરી હતી. શ્રેયસ અને વેંકટેશે શાનદાર દેખાવ કરતા ટીમને 13.4 ઓવરમાં જ આસાનીથી આઠ વિકેટે કોલકાતાને વિજયની ભેટ ધરી હતી. વેંકટેશે 28 બોલમાં પાંચ બાઉન્ડ્રી ચાર સિક્સર સાથે અણનમ 51 જ્યારે સુકાની શ્રેયસ ઐયરે 24 બોલમાં પાંચ બાઉન્ડ્રી અને ચાર સિક્સર સાથે અણનમ 58 રન ઝૂડી કાઢ્યા હતા. શ્રેયસે ટ્રેવિસ હેડના બોલે સિક્સર ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો.
હાઈલાઈટ્સ
અમ્પાયર અનિલ ચૌધરી આઈપીએલમાં સૌથી વધુ વખત અમ્પાયરિંગનો રેકોર્ડ કર્યો હતો.
સ્પર્ધામાં અત્યંત મહત્વપૂર્ણ મેચને લઈને સ્ટેડિયમમાં ભારે ધસારો જોવા મળ્યો હતો. લગભગ આખું સ્ટેડિયમ મેચ શરૂ થતા પહેલાં જ ખીચોખીચ ભરાઈ ગયું હતું.
અમદાવાદમાં વર્લ્ડ કપની એક મેચમાં વિદેશી ઘૂસી ગયા બાદ આઈપીએલની ચેન્નાઈ સામેની મેચમાં પણ ધોનીનો એક ફેન મેદાનમાં ઘૂસી જતાં આવા બનાવો ટાળવા તંત્ર દ્વારા સિક્યુરિટી જવાનોને પ્રેક્ષકો તરફ મોઢું રાખીને મોટી સંખ્યામાં મેદાનના સંવેદનશીલ એરિયામાં ગોઠવી દેવાયા હતા.
યજમાન ગુજરાત ટાઈટન્સ સ્પર્ધામાંથી ફેંકાઈ ગઈ હોવા છતાં મેચને લઈને પ્રેક્ષકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
મેચમાં બન્ને બહારની ટીમોની ચિયર્સ ગર્લ્સ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ મેચમાં યજમાન ટીમની ચિયર્સ ગર્લ્સને બદલે બન્ને ટીમોની ચિયર્સ ગર્લ્સ હતી જેથી દર્શકોને નવા ચહેરા જોવા મળ્યા.
કોલકાતાએ જે રીતે બેટિંગ કરી એ જોતા નિરસ રીતે આગળ વધી રહેલી મેચમાં દર્શકોએ હૈદ્રાબાદની હાર નિશ્ચિત જણાતા 10 ઓવર બાદ ધીરે ધીરે સ્ટેડિયમમાંથી બહાર નિકળવાનું શરૂ કરી દીધું હતું.
મેચ બાદ કોલકાતાની ટીમનો માલિક અને અભિનેતા શાહરૂખ ખાન તેની પુત્રી અને બાળકો સાથે મેદાનનું ચક્કર મારીને દર્શકોનું અભિવાદન ઝિલવા આવતા સ્ટેડિયમ છોડીને જતા દર્શકોમાંના મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં આગળની તરફ ધસી આવ્યા હતા અને શાહરૂખે મેદાન છોડ્યું ત્યાં સુધી સ્ટેડિયમાં રહ્યા હતા.