અમદાવાદ
યોગ ભગાડે રોગ, આ કહેવતનું આધુનિક યુગમાં ખૂબજ મહત્વ જોવા મળી રહ્યું છે. વર્ષોથી થાઈરોઈડ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ કે પછી ઘૂંટણના દુખાવાથી પીડાતા અનેક લોકો ભારતીય સંસ્કૃતી સાથે વણાયેલા યોગ દ્વારા તેમની બિમારીઓમાંથી સ્વસ્થ થઈ રહ્યા છે અથવા તો જટિલ રોગોમાં રાહત મેળવી રહ્યા છે. 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. વિશ્વના અનેક દેશોમાં યોગ દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે. 2015માં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માન્યતા મળ્યા બાદથી વિશ્વભરમાં યોગનો ભારે ક્રેઝ જોવા મળે છે. જટિલ બિમારીઓના સામના અને તેમાંથી સ્વસ્થ થવા માટે દવાઓની સાથે જ યોગ હિલિંગનું કામ કરે છે. વિશ્વભરમાં યોગને લઈને હવે ખૂબજ જાગૃતી જોવા મળી રહી છે અને લોકો તેમની બિમારીઓમાંથી ઝડપથી સ્વસ્થ થવા યોગની મદદ લઈ રહ્યા છે. બિમારીઓમાં યોગના આશ્ચર્યજનક પરિણામો સામે આવ્યા છે. યોગના લાભ સંદર્ભે કેટલાક લોકોના અનુભવો વાગોળવા વાચકોને જરૂર ગમશે.
જીવવા માટે ભોજન જેટલું જ યોગા જરૂરી છેઃ અર્ચના પંચોલી
અમદાવાદની પત્રકાર કોલોનીમાં છેલ્લા દસ વર્ષથી યોગની ટ્રેઈનિંગ આપતા અર્ચના પંચોલીએ ઈન્ટરનેશનલ યોગ ટ્રેઈનરનો કોર્ષ આયુષ ડિપાર્ટમેન્ટમાંથી કરવા ઉપરાંત અન્ય કેટલિક સંસ્થાઓમાંથી પણ યોગ ટ્રેઈનરની તાલીમ મેળવી. તેમનું કહેવું છે કે, હું તો વજન વધી ગયું હતું તે ઘટાડવા માટે યોગ શીખવા ગઈ હતી પરંતુ આનંદથી જીવવા માટે યોગ જ એક રસ્તો હોવાનું સમજાતા યોગ તરફ વળી ગઈ. મને માનસિક અને શારીરિક રાહત થઈ. ફિટનેસ માટે ગઈ હતી અને યોગનો ખરો અર્થ સમજાતા યોગને સ્વિકાર્યું. યોગ શિખવા મોટા ભાગના લોકો શારીરિક અને માનસિક સ્વસ્થતા મેળવવા આવતા હોય છે. કોરોનાના સમયે ઘણા બધા લોકોએ યોગનો લાભ લીધો. અનેકને હોસ્પિટલમાં હોવા છતાં કોરોનામાંથી ઝડપી રિકવરી આવી હતી. હાલમાં હું ચાર બેચમાં યોગાની તાલીમ આપી રહી છું. મારી યોગ તાલીમમાં અમેરિકા, કેનેડાથી પણ લોકો ઓનલાઈન જોડાય છે. આજના સમયમાં જેટલું ભોજન જરૂરી છે એટલું જ યોગ જરુરી છે. બાળકથી લઈને વૃધ્ધોએ પણ નિયમિત યોગ કરવો જોઈએ. અર્ચના બહેને 18 મે 2024એ ઉત્તરાખંડના ધનોલ્ટી ખાતેની એક સરકારી શાળાના બાળકોને યોગની માહિતી આપી હતી. આ પ્રસંગે તેમનું શાળા તરફથી સન્માન કરવામાં આવ્યું હતું.
અઢી વર્ષમાં એલર્જીક શરદી ગાયબ થઈ ગઈ
અમદાવાદમાં ફાર્મા કંપની ચલાવતા અને એલોપેથિક દવાઓનું ઉત્પાદન કરતા કિંજલ પટેલના જીવનમાં પણ યોગથી મોટું પરિવર્તન આવ્યું છે. અર્ચના પંચોલી પાસેથી યોગનું પ્રારંભિક જ્ઞાન મેળવ્યા બાદ આદર્શ અમદાવાદમાંથી યોગનું શિક્ષણ મેળવીને કિંજલબહેને ગુજરાત યોગ બોર્ડમાંથી યોગની તાલીમ લઈને અઢીવર્ષ નિયમિત યોગ-પ્રાણાયામ અને મેડિટેશનથી એલર્જીક સાયનસ જેવી જટિલ માંદગીને માત આપી છે. કિંજલ બહેનની ફાર્મા કંપની ગાયનેક સમસ્યાઓ માટેની દવાઓ ઉપરાંત એલર્જીક શરદીની પણ દવા બનાવે છે છતાં તેમણે પોતાની એલર્જીક શરદી યોગ-પ્રાણાયામ અને મેડિટેશનની મદદથી દૂર કરી છે. પાંચેક વર્ષ પહેલાં કિંજલ બહેન એલર્જીક શરદીથી ખૂબજ પરેશાન હતા અને તેમને સવારથી જ છીક આવતી અને નાકમાંથી પાણી વહેતું હતું. દવાઓ લેવા છતાં ખાસ ફેર પડતો ન હોઈ તેમણે યોગ કરવાનું શરુ કર્યું એ પછી નિયમિત યોગની સાથે પ્રાણાયામ અને મેડિટેશન પણ શરૂ કર્યા અને અઢી વર્ષના સતત પ્રયાસ બાદ તેમને આ એલર્જી શરદી હતી કે કેમ એ હવે ખબર જ નથી પડતી. કિંજલ બહેન કહે છે કે, સામાન્ય વ્યક્તિ માટે પણ યોગ અને પ્રાણાયામ મહત્વના છે. આનાથી શરીર સ્વસ્થ રહેવાની સાથે શરીરમાં સ્ફૂર્તિ પણ રહે છે. પતિ પણ ફાર્મા કંપનીમાં જ છે અને પુત્ર અભ્યાસ કરે છે છતાં અમે બધા નિયમિત યોગ-પ્રાણાયામ અને મેડિટેશન માટે બે કલાકનો સમય ફાળવીએ છીએ. અમારી કંપનીમાં એલોપેથી દવાઓ બને છે પણ અમે ઘરનાં બધા હોમિયોપેથિ, આયુર્વેદિક દવાઓ લેવાનું વધુ પસંદ કરીએ છીએ. ખરેખર તો અમારા પરિવારના સારા સ્વાસ્થ્યની પાછળ યોગની મહત્વની ભૂમિકા છે.
એન્જિયોપ્લાસ્ટીની સર્જરી ટળી ગઈ
નારણપુરામાં રહેતાં શોહિની રશ્મિકાંત શાહ કહે છે કે, 2019-20માં શ્વાસ લેવામાં તકલીફ થતાં હું ડૉક્ટર પાસે ગઈ તો મને એન્જોપ્લાસ્ટ કરવા કહેવાયું હતું. હું એકદમ ડરી ગઈ અને પરિવાર પણ ચિંતામાં મુકાઈ ગયો. અર્ચનાબહેન પાસેથી હું યોગા તો 2016થી કરતી હતી અને વળી એમાં મને ઓમકાર કરવાની સલાહ અપાઈ. રોજ 108 ઓમકાર કરવાના શરૂ કર્યા. થોડા દિવસ બાદ ફરી ડૉક્ટરને બતાવા ગઈ અને એન્જ્યોગ્રાફી કરી તો તેમાં કંઈ જ ન આવ્યું અને મારી સર્જરી ટલી ગઈ. આ જોઈને તો ડૉક્ટર પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. આ ઉપરાંત 2015માં મેં બ્રેસ્ટ કેન્સરની સર્જરી કરાવી હતી અને એ દવાઓ પણ ચાલુ હતી. સતત પાંચ વર્ષ દવા લીધી પણ હવે યોગાને લીધે એ દવા પણ બંધ કરી દીધી છે. 57 વર્ષની વયે વર્ષોથી હું નિયમિત 15-17 મિનિટ ઓમકાર કરવા ઉપરાંત કલાક યોગા કરું છું જેનો મને ખુબજ લાભ થયો છે. શાળાની નોકરી છોડ્યા બાદ પણ હું 1-7 ધોરણના ટ્યુશન લઉં છું.
કોરોનામાં હોસ્પિટલમાં જ યોગા કરી રિકવરી મેળવી
મુંબઈમાં રહેતા ટપરવેર કન્સ્ટન્ટ તરીકે કાર્યરત કેતકી ગાંધીને કોરોનાકાળમાં યોગ મદદે આવ્યું. તેઓ આ અંગે કહે છે કે, કોરોના થયો અને ન્યૂમોનિયાની સાથે 10 કિલો વજન પણ ઊતરી ગયું. હોસ્પિટલમાં દાખલ કરવી પડી ત્યારે અર્ચના બહેનના યોગાની માહિતી મળી અને મેં હોસ્પિટલમાં જ પ્રાણાયામ કરવાનું શરૂ કરી દીધું અને કોરોનામાંથી ઊભી થઈ ગઈ. હજુ પણ હું ઓનલાઈન યોગા કરું છું જેનાથી મારું વજન પણ ત્રણ-ચાર મહિનામાં જ પાછું વધી ગયું છે અને હવે ખૂબજ સારું લાગી રહ્યું છે.
બ્લડ પ્રેશરની દવા કાયમ ચાલુ રાખવાનો ડૉક્ટરનો દાવો ખોટો પડ્યો
51 વર્ષનાં વિજયનગર નારણપુરામાં રહેતા દીશા બહેન એમ તો લગ્ન પહેલાંથી કાકીને યોગ કરતા જોઈને યોગ તરફ વળ્યા હતા. જોકે પછી થોડા સમયના બ્રેક બાદ છેલ્લા 15 વર્ષથી તેઓ યોગ કરી રહ્યા છે. તેમને હવે યોગની ટેવ પડી ગઈ છે. તેઓ કહે છે, મને થાઈરોઈડ, બ્લડ પ્રેશર અને માઈગ્રેન જેવી સમસ્યાઓ હતી. યોગ અંગે માહિતી તો હતી જ અને પછી અર્ચનાબહેને ત્યાં ફરી યોગ શરૂ કર્યું. મારી તમામ બિમારીઓની દવાઓ ચાલુ હતી. ડૉક્ટરે તો દાવો કર્યો હતો કે તમારે હાઈ બ્લડ પ્રેશરની દવા તો કાયમ માટે ચાલુ જ રાખવી પડશે પણ હવે દવા છોડ્યે પણ ઘણો સમય થઈ ગયો છે એટલું જ નહીં માઈગ્રેન તો સાવ ગાયબ જ થઈ ગયું છે. થાઈરોઈડ પણ જવાના તબક્કે છે.
યોગથી હાઈપો થાઈરોઈડમાં પણ રાહત મળી
નવાવાડજમાં યોગ શિખવાડતા સુનિતા મિરચંદાનીએ આદર્શ અમદાવાદ સંસ્થામાંથી યોગની તાલીમ લીધા બાદ યોગ શિક્ષક તરીકે સેવા શરૂ કરી હતી. યોગથી લોકોને અનેક બિમારીમાં રાહત આપવામાં માર્ગદર્શન આપતા સુનિતા બહેન છેલ્લા 25 વર્ષથી હાઈપો થાઈરોઈડથી પીડાતા હતા અને દસ વર્ષ પહેલાં જ યોગ તરફ વળ્યા. તેમણે કહ્યું કે યોગ શિખવા પાછળનો મારો મુખ્ય હેતુ તો મારી વર્ષો જૂની હાઈપો થાઈરોઈડ, માઈગ્રેન, કોલેસ્ટ્રોલ જેવી બિમારીઓથી રાહત મેળવવાનો હતો. યોગ શરૂ કર્યાનો થોડા સમયમાં જ મારી મોટા ભાગની બિમારીઓ દૂર થઈ તો કેટલાકમાં મોટી રાહત મળી. યોગ પહેલાં મેં અનેક દવાઓ લીધી. માઈગ્રેન માટે તો ઈન્જેક્શન પણ લેવું પડતું હતુ. મેં યોગની મદદથી તમામ બિમારીઓ પર નિયંત્રણ મેળવ્યું અને હાલમાં મોટા ભાગની દવાઓ બંધ છે.સુનિતા બહેનને તાજેતરમાં યોગ ટ્રેઈનર તરીકે એવોર્ડ મળ્યો હતો.
ઘૂંટણની સર્જરી ટળી ગઈ
સુનિતાબહેન પાસે યોગ કરતા વાડજમાં રહેતા દીક્ષા હરવાનીનું કહેવું છે કે, મને ઘૂંટણમાં ખૂબજ દુઃખાવો થયો હતો. ડૉક્ટરે તો ઓપરેશન કરવાની સલાહ આપી હતી અને કહ્યું હતું કે પાંચ વર્ષની અંદર જ તમારે ઘૂંટણનું ઓપરેશન કરાવવું પડશે. આ ઉપરાંત મને 200થી વધુ ડાયાબિટિશ રહેતું હતું. સાત-આઠ વર્ષથી મેં યોગા કરવાનું શરૂ કર્યુ અને ઘૂંટણનું ઓપરેશન તો ટળી ગયું વળી ડાયાબિટિસની દવા પણ બંધ થઈ ગઈ છે. ખાસ કરીને કોરોના બાદ તો મને યોગથી બહુ લાભ થયો. પહેલાં તો મારે દુઃખાવા માટે દવાઓ લેવી પડતી, પાટા બાંધવા પડતા જે તમામ બંધ થઈ ગયા અને હવે ઘણી રાહત છે.
રોજ કલાક યોગાથી જન્મથી બેલેન્સની સમસ્યામાંથી બહાર આવ્યા
સુનિતા બહેનને ત્યાં યોગા માટે આવતા તૃપ્તી દરજી એક વર્ષથી જ યોગા કરે છે, તેમના પતિ પણ યોગ કરે છે. તેમનું કહેવું છે કે મને જન્મથી જ બેલેન્સ ઈશ્યુ હતો, નાનું મગજ થોડું નીચે હોઈ સમસ્યા હતી જેની જાણ થોડા સમય પહેલાં થઈ. જોકે રોજ એક કલાક યોગ કર્યો બાદ ખૂબજ સારું છે. મારા પતિને બીપી, થાઈરોઈડ, કોલેસ્ટ્રોલ હતું જે ઓછું થઈ ગયું. હાલમાં રિપોર્ટ પણ નોર્મલ આવ્યો છે.
અસ્થમાનો પંપ યોગે છોડાવ્યો
નવા વાડજના વૈશાલી મનીષકુમાર શાહને અસ્થમા હતો. તેઓ કહે છે કે, મને પંપથી જ અસ્થમામાં રાહત મળતી હતી. પંપ છૂટે એ માટે વર્ષથી યોગા શરૂ કર્યા અને હવે મારે પંપ લેવાની જરાયે જરૂર પડતી નથી. સુનિતા બહેનના માર્ગદર્શનમાં મને છ મહિનામાં જ અસ્થમામાં રાહત મળી.
થાઈરોઈડ, ડાબિટીસ,સોરાયસીસમાં યોગથી લાભ થયો
સુનિતા બહેનના ત્યાં યોગા માટે આવતા 45 વર્ષીય પ્રતિક્ષા શેઠને પણ યોગથી ખૂબજ લાભ થયો છે. આ અંગે તેઓ કહે છે કે, મને ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર હાઈ, થાઈરોઈડ- ટીએસએચ, કોલેસ્ટ્રોલ અને સ્કીનમાં સોરાયસીસ પણ હતું. મારા શરીરનું વજન પણ 74 કિલો હતું, ડાયાબિટીસ તો 350થી વધુ હતું. બે વર્ષ પહેલાં યોગા શરૂ કર્યુ અને હવે મારું વજન ઘટીને 65 કિલો થયું છે. બ્લડ પ્રેશર નિયંત્રણમાં છે , ડાયાબિટીસપણ દવાની સાથે યોગ કરવાથી 150-130 પર પહોંચ્યું છે અને દવાઓ પણ ઘટી છે. યોગ અને મેડિટેશનથી શરીરમાં એનર્જી તો જોવા મળે જ છે વળી મહિલાઓને થતી 40 વર્ષ બાદની સમસ્યાઓમાં પણ મને રાહત થઈ છે.
મોનોપોઝમાં ઊંઘની સમસ્યામાં યોગથી રાહત થઈ
અમદાવાદના શિલજમાં યોગા ટીચર-રેઈકી હિલર-ટેરો રિડર તરીકે કાર્યરત તૃપ્તી પ્રજાપતિ 2017થી યોગા શિખવાડે છે. યોગ અંગે પોતાના અનુભવને વાગોળતા તૃપ્તી બહેન કહે છે કે, હું યોગ ન કરું તો શરીર શુસ્ક લાગે, યોગાથી ફ્રેશનેસ અનુભવાય છે જો યોગા ના કરીએ તો જીવન ન ચાલે. પ્રાણાયામથી શરદી ખાંસી પર ઝડપથી નિયંત્રણ મેળવી શકાય છે. મને એમ તો કોઈ બિમારી નહતી પણ મોનોપોઝમાં ઊંઘ નહતી આવતી જોકે મેં આના માટે કોઈ જ દવા લેવાને બદલે યોગનો સહારો લીધો અને મને તેનું સારું પરિણામ મળ્યું. તૃપ્તી બહેનને 16 જૂન 2024એ અમેઝિંગ બિઝનેસ વુમન્સ એન્ટરપ્યોનર કલબમાં યોગા ટ્રેઈનર તરીકે યોગદાન બદલ એવોર્ડ મળ્યો હતો.
72ની વયે પણ પગને દરેક પોઝિશનમાં વાળી શકાય છે
શિલજના મલ્હાર બંગ્લોઝમાં રહેતા રાજ સુરેન્દ્ર શાહને એમ તો કોઈ શારીરિક સમસ્યા નહતી પરંતુ વધતી વયે 72 વર્ષની ઉંમરે તેઓ અમુક પોઝિશનમાં બેસી શકતા નહતા. તૃપ્તી પ્રજાપતિ પાસેથી યોગ કરવાનું શરૂ કર્યુ અને તેમને ઘણી રાહત થઈ હતી .આ અંગે તેઓ કહે છે કે, હું એક બિઝનેસમેન છું. બે વર્ષથી યોગા કરૂં છું. તૃપ્તી બહેન યોગાની સાથે પ્રાણાયામ, સ્ટ્રેચિંગ વગેરેને સમજ આપે છે. કઈ ક્રિયા કરવાથી શું લાભ થાય તેની માહિતી આપે છે. કલર થેરેપીની પણ જાણકારી આપે છે. એમ તો કોઈ ખાસ શારીરિક સમસ્યા નહતી પણ એક્ટીવ રહેવા યોગ કરવાનું શરૂ કર્યું. હું અમુક પોઝિશનમાં બેસી નહતો શકાતો હવે બેસી શકાય છે. યોગથી થાક સહિતની સમસ્યામાં રાહત થઈ અને નાની મોટી બિમારી આવતી નથી.