હાઇ જમ્પર કુશારેનું લક્ષ્ય પેરિસમાં અંતિમ રાઉન્ડમાં પ્રવેશવાનું છે, નીરજની સલાહે તેનો આત્મવિશ્વાસ વધાર્યો

Spread the love

ભારતીય હાઈજમ્પર કુશારે ઓલિમ્પિક માટે સજ્જ

નવી દિલ્હી  

‘ફક્ત તાલીમ પર ધ્યાન કેન્દ્રીત કરો અને વિરોધીઓની પ્રસિદ્ધિથી ગભરાશો નહીં’ એ મંત્ર પેરિસ ગેમ્સમાં ભાગ લેનારા હાઈ જમ્પર સર્વેશ કુશારેએ ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયન ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપરા પાસેથી શીખ્યો હતો. .

કુશારેએ જણાવ્યું હતું કે ચોપરાની સલાહથી તેનો આત્મવિશ્વાસ વધ્યો છે કારણ કે આ વર્ષે એક સમયે તેને પેરિસ ગેમ્સમાં પ્રવેશવાની આશા પણ નહોતી. તેણે વર્લ્ડ રેન્કિંગ ક્વોટા દ્વારા ઓલિમ્પિકમાં સ્થાન મેળવ્યું હતું. પેરિસ ગેમ્સ ઓટોમેટિક ક્વોલિફિકેશન માર્ક 2.33 મીટર હતો.

મકાઈની છાલ-રેસામાંથી (જે ગાયના ચારા માટે ઉપયોગમાં લેવાય છે) બનાવેલી કામચલાઉ મેટ પર પ્રેક્ટિસ કરવાથી લઈને ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનારા પ્રથમ ભારતીય હાઈ જમ્પર બનવા સુધી, કુશારેએ ઘણો લાંબો માર્ગ પાર કર્યો છે.

“હું ઘણા સમયથી નીરજ ભાઈને મળ્યો નથી, પરંતુ જ્યારે અમે છેલ્લી વખત મળ્યા ત્યારે તેમણે મને તાલીમ પર ધ્યાન કેન્દ્રીત કરવા અને વિરોધીઓની પ્રસિદ્ધિથી ડરવાની જરૂર નથી એમ કહ્યું. તેઓ મને હંમેશા મહત્વપૂર્ણ ટીપ્સ આપતા રહે છે,”એમ કુશરેએ પીટીઆઈ ભાષાને પોલેન્ડમાં એક ઇન્ટરવ્યુ જણાવ્યું કે જ્યાં તે પેરિસ ગયેલા અન્ય ભારતીય ખેલાડીઓ સાથે તાલીમ લઈ રહ્યો છે.

“તેઓ (ચોપરા) મારા આદર્શ છે અને તેમણે એથ્લેટિક્સમાં પ્રથમ ઓલિમ્પિક મેડલ જીતીને અમારો આત્મવિશ્વાસ વધાર્યો છે. અમે પણ તેમના જેવા બનવા માગીએ છીએ અને દેશને ગૌરવ અપાવવા માંગીએ છીએ,” એમ હાઇ જમ્પરે કહ્યું હતું. તે મહારાષ્ટ્રના નાસિકથી થોડાક કિલોમીટર દૂર આવેલા દેવગાંવ ગામનો છે.

2.27 મીટરના વ્યક્તિગત શ્રેષ્ઠ અને 2.25 મીટરના સિઝનના શ્રેષ્ઠ સાથે, પેરિસ ગેમ્સમાં અંતિમ રાઉન્ડમાં સ્થાન મેળવવાનું તેનું વાસ્તવિક લક્ષ્ય હોઈ શકે છે. ઓલિમ્પિક પદાર્પણ કરી રહેલા 29 વર્ષીય ખેલાડીએ દાવો કર્યો હતો કે તે પ્રેક્ટિસ દરમિયાન વારંવાર 2.30 મીટર માર્કથી વધુ જંપ લગાવે છે.

“મારી ઊંચાઈ જરૂર નાની છે પણ હું અંદરથી ખૂબ જ મજબૂત છું. મારા પ્રતિસ્પર્ધીના વ્યક્તિત્વને જોઈને કોઈ ડર નથી લાગતો. યોગ્ય સમયે ટોચના ફોર્મમાં રહેવું અને તમારી તૈયારીમાં વિશ્વાસ રાખવો મહત્વપૂર્ણ છે,”એમ 5 ફૂટ 9 ઇંચ ઊંચાઈ ધરાવનારા કુશરે જણાવ્યું હતું.

હાલમાં પોલેન્ડમાં પેરિસ ઓલિમ્પિક માટે તાલીમ લઈ રહેલા અન્ય ભારતીય ખેલાડીઓ સાથે રહેલા કુશારે કહ્યું હતું કે “અત્યારે મારું ધ્યાન ક્વોલિફિકેશન રાઉન્ડ પર છે જે 7 ઓગસ્ટે સવારે 10 વાગ્યે યોજાશે. પહેલું લક્ષ્ય ફાઇનલમાં પહોંચવાનું છે. બાકીના માટે હું પછીથી આયોજન કરીશ.”

Total Visiters :948 Total: 1499292

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *