વિશ્વના ગરીબ દેશોમાંના એક વિયેતનામમાં શિસ્તની અમીરી

Spread the love

નરેન્દ્ર આઇ. પંચોલી

વિશ્વના ગરીબ દેશોમાં જેની ગણતરી થાય છે તે વિયેતનામમાં શિસ્તને લઈને અમીરી જોવા મલે છે

.ભારતથી વીએટ જેટ વિમાન દ્વારા 5:30 થી 6 કલાકમાં પહોંચી શકાતા નાનકડા દેશ વિયેતનામ લોકોનું અત્યંત શિસ્તભર્યું વર્તન જોવા મળે છે. એક તરફ ભારત વિકસિત દેશો તરફ આગળ વધી રહ્યો છે ત્યારે હજુ પણ દેશમાં સ્વચ્છતાને લઈને યોગ્ય જાગૃતિ જોવા મળતી નથી એટલું જ નહીં જ્યાં ટ્રાફિક સહિતની બાબતોમાં શિસ્તની વાત આવે તો દેશમાં અત્યંત દયનીય સ્થિતિ છે. નાના શહેરથી લઈને મેગાસિટીઓમાં પણ સ્વચ્છતા અને શિસ્તને લઈને ભારે અભાવ વર્તાય છે. ભારતમાં રસ્તાઓ તો ઠીક ગલીઓ પણ ખૂબ જ ગંદી જોવા મળે છે બીજી તરફ વાહનો ચલાવવા સહિતની બાબતે શિસ્તને લઈને લોકોમાં ભારે ઉદાસીનતા જોવા મળે છે. બીજી તરફ વિશ્વમાં ગરીબ દેશોમાં જેની ગણના થાય છે તે વિયેતનામમાં સફાઈ આંખે ઉડીને વળગે એવી છે. એટલું જ નહીં અહીંના નાગરિકોની શિસ્ત ખરેખર પ્રશંસનીય છે.
મુખ્ય બજારમાં જ કન્સ્ટ્રક્શનની સાઇટ પણ કચરાનું નામ નિશાન નહીં
ભારતના કોઈપણ રાજ્ય હોય કે શહેર ગમે ત્યાં કોઈપણ કન્સ્ટ્રક્શનની સાઈટ ચાલતી હોય કે પછી કોઈપણ બાબતે કચરો ઠેર ઠેર જોવા મળતો હોય છે. ખાસ કરીને જે સ્થળે કન્સ્ટ્રક્શનની નવી સાઇટ ચાલતી હોય ત્યાં તો રેતી, કપચી, ઈંટો, સહિતના પુષ્કળ સામાન રસ્તા પર પણ જાહેરમાં જોવા મળતો હોય છે. બીજી તરફ
વિયેતનામના હોચી મીનહ શહેરમાં આશ્ચર્યજનક રીતે જોવા મળતી એક બાબત એવી છે કે અહીં એક નામાંકિત હોટલની આગળ જ એક વિશાળ કન્સ્ટ્રક્શનની સાઇટ ચાલી રહી હતી છતાં સાઇટ ઉપર કોઈ જગ્યાએ ક્યાંય પણ સહેજ પણ કચરો રેતી, કપચી કે બીજી કોઈ પણ પ્રકારની વસ્તુ જોવા મળતી ન હતી. કામ ચાલુ હતું પણ તેમાં કોઈ જ પ્રકારનાનો કચરો જોવા મળતો ન હતો. આ સ્થિતિ માત્ર એક જ સ્થળની નહોતી સમગ્ર શહેરના કોઈપણ જગ્યાએ આવી સાઈટો ઉપર ક્યાંય પણ કચરો જોવા મળતો ન હતો. ભારતમાં એક તરફ સ્વચ્છ ભારતની ઝુંબેશ ચાલી રહી છે છતાં કચરાનું પ્રમાણ ઘટવાનું નામ લઈ રહ્યો નથી. આ સ્થિતિમાં નાના અને અત્યંત ગરીબ એવા દેશમાં લોકોની શિસ્ત અને સરકારની કડકાઇને લીધે કોઈ પણ જગ્યાએ કચરો જોવા મળતો નથી. કન્સ્ટ્રક્શનની સાઈટ તો વાત જુદી જ છે પણ સામાન્ય રીતે શહેર ભરના કોઈપણ રસ્તા પર કોઈ પણ જગ્યાએ કચરો જોવા મળતો નથી. રસ્તા પર એક કાગળનો ટુકડો પણ પડેલો ભાગ્યે જોવા મલે છે.
વરસાદ છતાં રસ્તા પર બહુ પાણી નથી ભરતા અને ટ્રાફિક સાફ
હોચી મીન શહેરમાં બપોરના સમયે અચાનક ભારે વરસાદ પડવા છતાં પાણી ભરાયા ખરા પણ એ પાણી પણ તરત ઓસરી ગયા અને રસ્તા એકદમ સ્વચ્છ થઈ ગયા એટલું જ નહીં અહીં ટ્રાફિક ખૂબ જ હોવા છતાં વાહન ચાલકો આસાનીથી અને ખોટી રીતે ફસાયા વગર ટ્રાફિકમાં આગળ વધતા જોવા મળ્યા હતા. શહેરમાં રસ્તાઓ પર કેટલાક ઠેકાણે પાણી જરૂર ભરાયા પણ એ પાણી પણ એટલા નહોતા કે જે ટ્રાફિકને અવરોધી શકે કે લોકોને પરેશાની ભોગવી પડે.
તંત્રની કડકાઇ અને લોકોની સ્વયં શિસ્ત
હોચી મીન સિટીમાં એક વસ્તુ બહુ સ્પષ્ટ જોવા મળે છે કે તંત્ર તો કડક છે જ પણ એની સામે લોકોમાં શિસ્ત પણ ખૂબ જ સારી જોવા મળે છે. લોકો જ્યાંત્યાં થુંકવાની વાત તો દૂર રહી પણ સામાન્ય એક કાગળનો ટુકડો પણ રસ્તા કે રસ્તાની બાજુ પર નાખતા નથી. અહીં જરા પણ કચરો જોવા મળે તો તરત જ કર્મચારીઓ આવીને તે કચરો ખસેડી દે છે.
હેલ્મેટ ના કાયદાનો કડક અમલ
શહેરમાં મોટા પ્રમાણમાં દ્વિ ચક્રી વાહનો જોવા મળતા હોય છે. જોકે આ વાહનોમાં એક પણ વાહન ચાલક કે તેની પાછળ બેસનાર ક્યારેય પણ હેલ્મેટ વગર જોવા મળતો નથી. તાજેતરમાં ગુજરાતની જ વાત કરીએ તો હાઇકોર્ટની કડક ટકોર છતાં અમદાવાદ સહિતના મોટા શહેરોમાં હેલ્મેટના કાયદાનો કડક અમલ હજુ પણ થઈ શક્યો નથી. એ દ્રષ્ટિએ જોઈએ તો વિયેતનામના શહેરમાં લોકોની સ્વયંશિસ્ત અને તંત્રની કાયદાની કડક અમલવારી ખરેખર દર્શનીય કહી શકાય.
શહેરમાં ટ્રાફિક પોલીસ ક્યાંય નહીં
વિયેતનામના આ અત્યંત મહત્વપૂર્ણ શહેરમાં ટ્રાફિકને જોતા એમ લાગે કે અહીં પોલીસનો કડક દાબ હસે, જોકે ખાસ વાત એ છે કે મોટાભાગના ચાર રસ્તા ઉપર સિગ્નલો જરૂર જોવા મળે છે પરંતુ તેની આસપાસ ક્યાંય ટ્રાફિક પોલીસ જોવા મલતી નથી છતાં લોકોની શિસ્ત જબરજસ્ત હોઈ કોઈપણ વાહન ચાલક હેલ્મેટ વગર જોવા મળતો નથી એટલું જ નહીં ટ્રાફિકના નિયમોનું અત્યંત કડક પાલન કરવામાં આવે છે. અહીં પોલીસની ગેરહાજરીમાં પણ લોકો ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરતા જોવા મળે છે.

Total Visiters :15 Total: 1498962

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *