નીતિશને ‘ઈન્ડિયા’ ગઠબંધનમાં જાળવી રાખવાની જવાબદારી કોંગ્રેસની છે, તેમની નારાજગી સમજવાની જરૂર હતીઃ અખિલેશ
લખનૌ
બિહારમાં રાજકારણ ગરમાયુ છે. લોકસભાની ચૂંટણીમાં હવે વધુ સમય બાકી નથી રહ્યો પરંતુ ભાજપ વિરુદ્ધ રચાયેલા ‘ઈન્ડિયા’ ગઠબંધન (ઈન્ડિયા એલાયન્સ)માં તિરાડ પડી રહી છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર ફરી એક વખત એનડીએમાં સામેલ થઈ શકે છે તેવી અટકળોએ જોર પકડ્યું છે. ત્યારે આ વચ્ચે યુપીના પૂર્વ મુખ્યમંત્રી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, નીતીશ કુમારે બીજેપીનો સાથ નહોતો પકડવાનો. બીજેપીમાં તેમને શું મળશે? અખિલેશ યાદવે કહ્યું કે, જો નીતીશ કુમાર ‘ઈન્ડિયા ગઠબંધનમાં રહ્યા હોત તો તેઓ પીએમ પણ બની શક્યા હોત. અમારા બધામાંથી કોઈ એક તો પીએમ ઉમેદવાર છે જ. અહીં કોઈનો પણ નંબર લાગી શકે છે. અંતે ત્યાં તેમને શું મળશે?
એક ટીવી ચેનલ સાથે વાત કરતા અખિલેશ યાદવે કહ્યું કે નીતિશને ‘ઈન્ડિયા’ ગઠબંધનમાં જાળવી રાખવાની જવાબદારી કોંગ્રેસની છે. તેમની નારાજગી સમજવાની જરૂર હતી. કોંગ્રેસે જે તત્પરતા સાથે પરિસ્થિતિને સંભાળવી જોઈતી હતી તેવું તેમણે ન કર્યું. તેમણે કહ્યું કે ‘ઈન્ડિયા’ ગઠબંધનમાં સામેલ તમામ પક્ષો તેમનું સન્માન કરે છે. એવો કોઈ પક્ષ નથી જે તેમનું સન્માન નથી કરતો.
‘ઈન્ડિયા’ ગઠબંધનના અમલીકરણમાં નીતિશ કુમારની મોટી ભૂમિકા માનવામાં આવી રહી છે. જ્યારે એક સમયે મમતા, અખિલેશ અને અન્ય પ્રાદેશિક પક્ષોએ કોંગ્રેસ સાથે વાતચીત કરવાની બંધ કરી હતી તે સમયે નીતિશ કુમાર જ સંયોજક બનીને તમામ પક્ષોને મળ્યા હતા. પટનામાં ‘ઈન્ડિયા’ ગઠબંધનની એક મોટી બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.