લક્ષ્ય 2036 ઓલિમ્પિકની યજમાની, રાજ્યમાં તડામાર તૈયારી

ગાંધીનગર
એક તરફ પેરિસમાં ઓલિમ્પિક રમતોમાં ભારતીય ખેલાડીઓ એક-પછી એક મેડલ જીતી રહ્યા છે ત્યારે દેશની નજર 2036માં ઓલિમ્પિકની યજમાની પર છે. આ પડકારને પાર પાડવા કેન્દ્ર સરકારની સાથે સાથે કદમ મિલાવીને રાજ્યમાં સ્પોટર્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ અને ખેલાડીઓ માટે મજબૂત માળખાકીય અને તાલીમ માટેની સુવિધાઓનો વ્યાપ વધારવાની જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઓલિમ્પિક રમતોને રાજ્યમાં પ્રોત્સાહન આપી શકાય એ માટે સ્પોટર્સ ઓથોરિટી દ્વારા પાયાની સુવિધાઓના વિકાસના હેતુથી રાજ્યમાં જિલ્લા કક્ષાના 13 અને તાલુકા કક્ષાના 22 સહિત કુલ 35 નવા અદ્યતન સ્પોટર્સ કોમ્પલેક્સ બનાવવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
રાજ્યમાં 27 સ્પોટર્સ કોમ્પલેક્સ
મળતી માહિતી મુજબ રાજ્યમાં રમતના માળખાના મજબૂત બનાવી આ પ્રવૃત્તીને વેગ આપવામાં ઉદ્દેશ્ય સાથે રાજ્યમાં હાલમાં જિલ્લા કક્ષાના 24 અને તાલુકા કક્ષાના 3 મળીને કુલ 27 સ્પોર્ટ્સ કોમ્પલેક્સ કાર્યરત છે. રાજ્યમાં 20 સ્પોર્ટ્સ હોસ્ટેલમાં 4000 જેટલાં ખેલાડીઓને નિવાસ સાથે તાલીમની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.

ક્યાં બનશે નવા સ્પોટર્સ કોમ્પલેક્સ
અમરેલી, આણંદ ભરૂચ, બોટાદ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, મહીસાગર, મોરબી, નવસારી, સુરેન્દ્રનગર અને વલસાડ સહિતના કુલ 13 જિલ્લાઓમાં નવા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ શરૂ થશે.
વિવિધ રમતોની તાલીમ માટે હાઈ પરફોર્મન્સ સેન્ટર
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ અને હાઈ પરફોર્મન્સ સેન્ટરમાં અનુભવી કોચિંગ સ્ટાફ દ્વારા વોલિબોલ, એથ્લેટિક્સ, સ્વિમિંગ, આર્ચરી, રેસલિંગ, કબડ્ડી, જૂડો, બાસ્કેટબોલ, ટેબલટેનિસ, બેડમિન્ટન, ફૂટબોલ, હોકી, ખો ખો સહિતની રમતોની તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.
પેરિસ ઓલિમ્પિકમાં રાજ્યના પાંચ ખેલાડી
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં પેરિસ ખાતે ચાલી રહેલી ઓલિમ્પિક 2024માં દેશના ખેલાડીઓ સાતત્યપૂર્ણ પ્રદર્શન થકી દેશને વધુ ને વધુ મેડલ અપાવવા પ્રયત્નશીલ છે. ઓલિમ્પિક અને પેરાલિમ્પિક 2024માં ગુજરાતના કુલ 5 ખેલાડીઓ આંતરાષ્ટ્રીય સ્તરે રાજ્યનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.