નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટે 100 મનોદિવ્યાંગ યુવાનોને આત્મનિર્ભર બનાવવા “નવજીવન હાટ” પ્રોજેક્ટ શરૂ કર્યો

Spread the love

આ નવતર રોજગારીલક્ષી કામગીરી માટે લોકો અમારી સંસ્થાને મદદરૂપ થશે એવી અમને આશા છે – સુભાષ આપ્ટે

અમદાવાદ

અમદાવાદ શહેરના મેમનગર ખાતે આવેલા નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા 32 વર્ષથી મનોદિવ્યાંગ બાળકોને શિક્ષણ, તાલીમ અને તેઓને પુનઃવર્સન આપવાનું કાર્ય કરે છે. હાલ 50થી વધુ લાભાર્થીઓ તેનો લાભ લઈ રહ્યા છે. ત્રણ વર્ષ પહેલા તરૂણવસ્થાએ પહોંચેલા મનોદિવ્યાંગજનોને આત્મનિર્ભર બનાવવા સંસ્થામાં ચાલતા વોકેશનલ સેન્ટર કે જ્યાં મનોદિવ્યાંગ બાળકોને હેન્ડીક્રાફ્ટ–ડેકોરેશનની વિવિધ વસ્તુઓ બનાવતા શીખવવામાં  આવે છે અને સંસ્થા દ્વારા એનું વેચાણ કરવામાં આવે છે, તે પ્રવૃત્તિને નવું સ્વરૂપ આપી મનોદિવ્યાંગજનોને આત્મનિર્ભર બનાવવા સંસ્થા દ્વારા “નવજીવનહાટ” પ્રોજેક્ટ શરૂ કરવામા આવ્યો હતો.

નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તરૂણવસ્થાએ પહોંચેલા મનોદિવ્યાંગજનોને આત્મનિર્ભર બનાવવા શરૂ કરાયેલા “નવજીવનહાટ” પ્રોજેક્ટ અંગે માહિતી આપતા સંસ્થાના સંસ્થાપક ટ્રસ્ટી શ્રી સુભાષ આપ્ટેએ જણાવ્યું હતું કે ત્રણ વર્ષ અગાઉ ત્રણ ગૃપ પાડી મનોદિવ્યાંગ લાભાર્થીઓને અલગ અલગ કાર્ય વહેંચી દેવાયા. જેમાં એક ગૃપ હેન્ડીક્રાફ્ટ–ડેકોરેશનની વિવિધ વસ્તુઓનું ઉત્પાદન કરે, જ્યારે બીજું ગ્રુપ ઉત્પાદિત થયેલી વસ્તુઓનું પેકિંગ કરે અને ત્રીજું ગૃપવાલીઓની મદદથી વેચાણ કરે. મનોદિવ્યાંગ તરૂણો દ્વારા ઉત્પાદિત થયેલી રાખડી, પગલૂછણીયા, કવર, દીવા, મીણબત્તી, અગરબત્તી, ડેકાવટી,આરતી થાળી, કીચેન, રંગોલી, ફ્લોટિંગ દીવા, વેક્સ દીવા, જેવી વસ્તુઓના વેચાણના નફામાંથી આ મનોદિવ્યાંગજનોને વળતર ચૂકવવામાં આવે છે. આ રીતે “નવજીવન હાટ” પ્રોજેક્ટ હેઠળ 35 મનોદિવ્યાંગજનો કમાતા થયા, અને સંસ્થાનું પ્રોડક્શન અને વેચાણ પણ વધ્યું. શરૂઆતના સમયમાં મનોદિવ્યાંગ તરૂણો દ્વારા ઉત્પાદિત થયેલી વસ્તુઓનું વેચાણ 1 લાખ રૂપિયા જેટલું હતું જે આજે સંસ્થા દ્વારા કરાયેલાનવા પ્રયાસોને કારણે રૂપિયા 5 લાખે પહોંચ્યુ  છે.

સંસ્થાના સંસ્થાપક ટ્રસ્ટી શ્રી સુભાષ આપ્ટેએ વધુમાં જણાવ્યું હતું કે હવે અમે વિવિધ સેવાભાવી સંસ્થા/વ્યક્તિને જોડાવવા અપીલ કરી “નવજીવન હાટ” પ્રોજેક્ટને મોટું સ્વરૂપ આપવા જઈ રહ્યા છીએ. જેના ભાગરૂપે શહેરમાં એક અલગ જગ્યાએ આખું સેટઅપ ઊભું કરવામાં આવશે. જ્યાં 100 જેટલા મનોદિવ્યાંગજનો વિવિધ પ્રોડક્ટ્સ બનાવી અને તેનું વેચાણ કરી આત્મનિર્ભર બને અને વધુ સારી આવક કમાતા થાય.

નવજીવન ચેરીટેબલટ્રસ્ટના ફાઉન્ડર સંચાલક શ્રી નીલેશ પંચાલે જણાવ્યું હતું કે,વધુ ને વધુ દિવ્યાંગજનો “નવજીવન હાટ” પ્રોજેક્ટમાં અમારી સાથે જોડાઈને એનો લાભ લે અને અમારા મનોરથને સહકાર આપે. કારણકે સંસ્થા સ્પષ્ટપણે માને છે કે, અત્યારનો સમાજ દિવ્યાંગજનોને કદાચ લીફટમેન, ઓફિસબોય, સિક્યુરિટી મેન, કાઉન્ટર બોય તરીકે નોકરી આપતા ખચકાશે પણ એમની બનાવેલ પ્રોડક્ટને ખરીદીને એમને આત્મનિર્ભર બનાવવામાં પાછો નહીં પડે એની ખાતરી છે. “નવજીવન હાટ” પ્રોડક્શન સેન્ટરમાં દિવ્યાંગજનોને વસ્તુઓ તૈયાર કરવા માટે જરૂરી કાચા માલની વ્યવસ્થા નવજીવન ટ્રસ્ટ તરફથી કરી આપવામાં આવશે.

ટીવી/મોબાઈલની લતથી મુક્તિ: જે દિવ્યાંગજનો પ્રોડકશન કરી રહ્યા છે તેઓ ઘરે પણ કામ લઈ જાય તેવી વ્યવસ્થા સંસ્થા દ્વારા કરી આપવામાં આવશે. જેનાથી તેઓ ટીવી મોબાઈલની લતથી દૂર રહેશે અને રજાના દિવસોમાં પણ એમનું પ્રોડક્શન ચાલુ રાખી શકશે.

શ્રી નીલેશ પંચાલે વધુમાં જણાવ્યું હતું કે જે દિવ્યાંગજનો સંસ્થામાં અને ઘરે એમનું પ્રોડકશન ચાલુ રાખી શકે તે હેતુથી કાચા માલની ખરીદી તે લોકો જાતે કરવા ઈચ્છતા હશે તો તે હેતુસર અમે ગુજરાત સ્ટેટ હેન્ડીકેપ ડેવલોપમેન્ટ(GHSFDC) કંપનીમાંથી ધિરાણ અપાવવા માટે સંસ્થા મદદ કરશે. તેમણે કરેલા ઉત્પાદનના વેચાણની જવાબદારી સંસ્થા કરશે. જેથી આ નવા સેન્ટરનો લાભ લેતા મનોદિવ્યાંગજનો નોકરી કરતાં વધુ આવક કરી શકે તે જ અમારી સંસ્થાનો મુખ્ય હેતુ છે. આ નવતર રોજગારીલક્ષી કામગીરી માટે લોકો મદદરૂપ થશે એવી સંસ્થા દ્વારા આશા વ્યક્ત કરવામાં આવે છે.

Total Visiters :110 Total: 1502202

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *