હેલ્મેટનો નવો કાયદો 2020થી રાજ્યના ચાર શહેરો માટે છે છતાં અમલ થતો નથી

Spread the love

રાજ્યના શહેરોમાં હેલમેટને લઈને નવો કાયદો ડિસેમ્બર 2020માં અમલમાં મૂકવાની જાહેરાત કરાઈ હતી જોકે, એ પછી પણ હાઈકોર્ટની વારંવાર ટકોર છતાં તેનો કડક અમલ થતો નથી

ગુજરાત હાઈકોર્ટે આજે નવરાત્રી પહેલાં હેલમેટના કાયદાના કડક અંગે સરકારને નિર્દેશ આપ્યો

અમદાવાદ

પાંજરાપોળથી આઇઆઇએમ સુધી ફલાયઓવરના સૂચિત પ્રોજેકટ, ટ્રાફિક અને વધતા જતાં અકસ્માતો મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીમાં આજે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે ફરી એકવાર નવરાત્રિ પહેલાં ટુ વ્હીલર વાહનચાલકો માટે હેલ્મેટ ફરજિયાતપણે પહેરવાના નિયમોનું પાલન કરાવવા રાજય સરકારને કડક નિર્દેશ કર્યો છે. હાઇકોર્ટે એમ પણ જણાવ્યું કે, દ્વિચક્રી વાહનચાલકો ત્રણ વખત હેલ્મેટના નિયમોનો ભંગ કરતાં પકડાય તો પછી આવા વાહનચાલકોનું લાઇસન્સ રદ્દ કે સસ્પેન્ડ થવા જોઈએ. હાઈકોર્ટે નવરાત્રિ પહેલાં અમદાવાદ શહેરના રોડ-રસ્તાઓ રીસરફેસ કરવા અને હેલ્મેટના નિયમોનું પાલન કરાવવા સ્પષ્ટ શબ્દોમાં સરકાર અને એએમસીને જણાવ્યું હતું.

નવરાત્રીના નામે ફરી નિયમ પાલનમાં રાહત મગાશે, જે નહીં મળે

હાઈકોર્ટે કેસની વધુ સુનાવણી 4 ઓકટોબરે રાખી છે. જેથી નવરાત્રિ પહેલાં કેટલું કામ થયુ તેનું વિશ્લેષણ કરી શકાય. ગઈ કાલે કેસની સુનાવણીની શરૂઆતમાં જ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે સરકાર પક્ષને માર્મિક ટકોર કરી હતી કે, અગાઉ હાઇકોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યા હોવા છતાં હેલ્મેટના નિયમોનું કડકાઈથી પાલન કરાયું નથી. હવે નવરાત્રિ આવશે એટલે એવી માંગણી આવશે કે, નવરાત્રિ દરમિયાન હેલ્મેટ પહેરવાના નિયમો હળવા કરો. પરંતુ, નવરાત્રિના સમયગાળામાં જ સૌથી વધારે અકસ્માત નોંધાતા હોય છે. ગત વર્ષે પણ જોવા મળ્યું હતું કે, નવરાત્રિના સમય દરમિયાન જ  અકસ્માત અને મેડિકલ ઈમરજન્સીની ઘટનાઓ નોંધપાત્ર રીતે બની હતી.

…તો વાહન ચાલકનું લાયસન્સ રદ કરો

હાઈકોર્ટે સરકારને સૂચન કર્યું હતું કે, કોઈપણ વાહનચાલક ટ્રાફિકના નિયમોનું ત્રણ વખત ઉલ્લંઘન કરે એટલે તેનું લાઈસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે, ત્યારબાદ ઉલ્લંઘન બદલ છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે. એ પછી પણ જો વાહનચાલક ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે તો કાયમ માટે તેનું લાઈસન્સ સસ્પેન્ડ કે રદ્દ કરવામાં આવે. દિલ્હીમાં પણ આ રીતે કામકાજ થઈ રહ્યું છે. અમદાવાદ સાથે સુરતની ટ્રાફિક સમસ્યા ઉપર પણ કામ કરવામાં આવે. 

નીચલા લેવેલે શિસ્ત જરૂરી છે

આ દરમિયાન ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે રાજય સરકારને માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, તેઓ જયારે હાઈકોર્ટ આવવા નીકળે છે અને જંકશન પર પાંચ પોલીસ કર્મચારીઓ દેખાય એટલે તેઓ સમજી જાય છે કે, આજે ટ્રાફિક સમસ્યા અંગેની જાહેરહિતની અરજી પર સુનાવણી છે. કોઈ મોનિટરિંગ ન હોય તો કામ થતું નથી. આ સમસ્યાના નિવારણ માટે ટેક્નોલોજીની જરૂર છે. જે કર્મચારીઓને સ્પોટ પર ડયુટી સોંપાઈ છે, તેઓ ત્યાં છે કે નહી તે ખાસ જોવામાં આવે. નીચલા લેવલે અનુશાસન બહુ જરૂરી છે. હાઇકોર્ટે મોનિટરીંગ, સુપરવિઝન ઉપરાંત ટ્રાફિક નિયમન-નિવારણ માટે વોર રૂમ (ટ્રાફિક મોનિટરિંગ રૂમ) ઉભો કરવા પણ તાકીદ કરી હતી.

ચોક્કસ માર્કાવાળું હેલમેટ ફરજિયાત કરાયું હતુ

રાજ્યના ચાર મોટા શહેરો અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં હેલ્મેટનો નવો કાયદો અંગે જાહેરાત કરાઈ હતી.. નવો કાયદો 01-06-2021અમલી બનશે એમ જણાવાયું હતું. આ માટે વાહન વ્યવહાર કમિશ્નરની કચેરી દ્વારા પોલીસ મહાનિર્દેશક અને ચારેય શહેરોના પોલીસ કમિશ્નરને ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝના  S.0. 4252 (E) તા.. 26-11-2020ની નકલ મોકલી આપવામાં આવ્યો હતો. જે મુજબ આ હુકમથી ટુ વ્હીલર વાહન ચાલકો માટે હેલ્મેટન સ્ટાન્ડર્ડ માર્ક IS 4151 : 2015 ધરાવતા હોવાની જોગવાઈ કરવામાં આવી હતી. આ હુકમનો અમલ 01-06-2021થી કરાવવાનો હતો. આ તારીખથી IS 4151 વગરનું હેલ્મેટ માન્ય નહીં ગણાય એમ કહેવાયું હતું.

2020માં જાહેર કરાયેલી ગાઈડલાઈનમાં શું હતું

બાઈક સવાર માટે જાહેર કરવામાં આવેલી નવી ગાઈડલાઈન્સ અનુસાર બાઈકની પાછળ બેસનારાએ સીટની બંને તરફ પકડવાનું રહેશે.પાછળ બેસનારાની સેફ્ટી માટે આ ફરજિયાત બનાવાયું હતું. એટલે કે, પાછળ બેસનારાએ બંને તરફથી પકડીને બેસવાનું રહેશે. – બાઈકમાં પાછળ બેસનારા માટે બંને તરફ પગ રાખવા માટેના પેડલ બાઈકમાં હોવા જરૂરી છે. આ સિવાય બાઈકના પાછળના વ્હીલની જમણી બાજુનો ભાગ પૂરી રીતે કવર થયેલો હોવો જોઈએ. જેથી પાછળ બેસનારી વ્યક્તિના કોઈ કપડાં વ્હીલમાં અટવાઈ ન જાય. એટલે કે, બાઈકની પાછળ જમણી તરફ વ્હીલની ઉપર કવરિંગ જરૂરી છે – આ સિવાય બાઈકમાં કન્ટેનર લગાવવાને લઈને પણ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે. જે અંતર્ગત કન્ટેનરની લંબાઈ 550mm અને પહોળાઈ 510 mm તેમજ ઊંચાઈ 500mmથી વધારે ન હોવી જોઈએ. જો કન્ટેનર પાછળની સીટ પર લગાવેલુ હશે તો બાઈક પર માત્ર ચાલકને જ બેસવા માટેની મંજૂરી મળશે. -મંત્રાલય તરફથી બાઈકના ટાયરને લઈને પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.જે અંતર્ગત વધુમાં વધુ 3.5 ટન વજન સુધીના વાહન માટે ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમની સલાહ આપવામાં આવી છે.- -આ સિસ્ટમમાં સેન્સરની મદદથી ડ્રાઈવરને એ જાણકારી મળશે કે, બાઈકના ટાયરમાં હવાની સ્થિતિ શું છે. શહેર તેમજ હાઈવે પર થતા બાઈકના અકસ્માતને અટકાવવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. આ ગાઈડલાઈન્સ 2020માં જાહેર કરી દેવામાં આવી હતી.

ટૂવ્હીલરની પાછળ બેસનારા માટે પણ હેલમેટ ફરજિયા કરાયું હતું

દેશમાં અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરવા માટે સડક પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલય દ્વારા ડિસેમ્બર 2020મા  જ બાઈક ચલાવવાના નિયમોમાં ઘણા મહત્ત્વના ફેરફારો કરવામાં આવ્યા હતા. જેમાં નિયમ બનાવવામાં આવ્યો હતો કે, બાઈક ચલાકની સાથે બાઈકમાં પાછળ બેસનાર વ્યક્તિએ પણ હેલમેટ ફરજીયાત પહેરવું પડશે. લોકોની સુરક્ષાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જો બાઈકમાં પાછળ બેસેલા વ્યક્તિએ હેલમેટ નહીં પહેર્યું હોય તો તેની સામે પણ દંડની કાર્યવાહી કરવામાં આવશે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *