AITA ટેનિસમાં ડિમિટ્રી બાસ્કોવ અને રણજિથ સેમિફાઈનલમાં
અમદાવાદ
એસ ટેનિસ એકેડમી, પલોડિયા ખાતે રમાતી એસ મોલકેમ આઈટા મેન્સ અને ટેનિસ ટૂર્નામેન્ટ રોમાંચક તબક્કામાં પહોંચી ગઇ છે. મેન્સ સિંગલ્સમાં પ્રથમ ક્રમાંકિત તામિલનાડુના વીએમ રણજિથે કર્ણાટકના નિશિથ નવીનને કોઇ પણ મુશ્કેલી વિના ૬-૦, ૬-૧થી હરાવ્યો હતો. એસ ટેનિસ એકેડમીના હેડ કોચ ડિમિટ્રી બાસ્કોવે મહારાષ્ટ્રના સંદીપ કુરાલે સામે પ્રથમ સેટ હાર્યા બાદ વળતો પ્રહાર કરીને ૪-૬, ૭-૫, ૬-૨થી હરાવીને અંતિમ-૪માં સ્થાન મેળવ્યું હતું. સંદીપે મેચમાં ૧૬ એસ ફટકાર્યા હતા પરંતુ બાસ્કોવે નેટ અને બેઝલાઈન ઉપર શાનદાર રમતનું પ્રદર્શન કરીને હરીફ ખેલાડીને સતત દબાણ હેઠળ રાખ્યો હતો. બીજા ક્રમાંકિત ગુજરાતના માધવિન કામથે મહારાષ્ટ્રના પાર્થ દેઓરુખકરને ૬-૩, ૬-૧થી, ગુજરાતના ધર્મિલ શાહે રાજસ્થાનના આયુષ શર્માને ૬-૩, ૬-૩થી હરાવીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું.
વિમેન્સ સિંગલ્સમાં દિલ્હીની યુવા ખેલાડી તેજસ્વી ડાબાસે તેલંગાનાની ટોચની ક્રમાંકિત ચેવિકા સામાને હરાવીને મેજર અપસેટ સર્જ્યો હતો.તેજસ્વીએ ૭-૬ (૫), ૬-૨થી હરાવીને સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું હતું. તેજસ્વીએ બુધવારે રાત્રે રમાયેલી એક મેચમાં ચાર કલાક ૧૮ મિનિટના સંઘર્ષ કર્યા બાદ ખુશાલી મોદીને હરાવી હતી. મહારાષ્ટ્રની ઐશ્વર્યા જાધવે ગુજરાતની શૈલી ઠક્કરને ૬-૨, ૬-૪થી તથા અસ્મી અડકરેએ ગુજરાતની આરુષી રાવલને ૬-૦, ૬-૦થી હરાવી હતી. આરુષીએ પણ બુધવારે સાંજે ચાર કલાકનો સંઘર્ષ કર્યા બાદ ક્વાર્ટર ફાઇનલ જીતી હતી.