ભારતીય મોબાઈલ નંબરોથી સુંદર મહિલાઓની તસવીરો પર સોશિયલ મીડિયા દ્વારા ઓફિસર અને તેમના પરિવારને ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોવાનો ઘટસ્ફોટ
લખનૌ
પાકિસ્તાનના ઈન્ટેલિજન્સ ઓપરેટિવ યુપી પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારોને હની ટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર દ્વારા તમામ પોલીસ કમિશનરો, જિલ્લાઓના એસપી, આઈજી રેન્જ, એડીજી ઝોન તેમજ પોલીસ વિંગના તમામ વડાઓને આ સંદર્ભે એલર્ટ મોકલવામાં આવ્યું છે.
તેમાં જણાવવામાં આવ્યુ છે કે, ભારતીય મોબાઈલ નંબરોથી સુંદર મહિલાઓની તસવીરો પર સોશિયલ મીડિયા દ્વારા ઓફિસર અને તેમના પરિવારને ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ દેશની સુરક્ષા સાથે જોડાયેલી ગુપ્ત માહિતી એકત્ર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તમામ અધિકારીઓને તેમના યુનિટના કર્મચારીઓને હનીટ્રેપ અંગે એલર્ટ કરવા જણાવ્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સ્પાયવેર લિંક દ્વારા ઈન્ફેક્ટેડ ફાઈલો મોકલીને ડેટા હેકિંગ કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓને સોશિયલ મીડિયા પર ઓળખ વગરના લોકો સાથે સંપર્ક કરવા અંગે સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
યુપીના બરેલીમાં જૂન મહીનામાં હનીટ્રેપનો મામલો સામે આવ્યો હતો. આ મામલે આરોપી મહિલા અશ્લીલ વીડિયો કોલિંગ કરીને અનેક નેતાઓ અને પોલીસકર્મીઓને બ્લેકમેઈલ કરતી હતી.