બ્રિટનના પીએમએ નાથન લિયોન માટે બેટિંગ સમયે એમસીસી સભ્યો દ્વારા મળેલા સ્ટેન્ડિંગ ઓવેશનને પણ ખેલદિલીનું ઉદાહરણ ગણાવ્યું
લોર્ડસ
ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી લોર્ડ્સ ટેસ્ટ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. અંતે ઓસ્ટ્રેલિયન ટીમે આ ટેસ્ટ મેચ 43 રને જીતી લીધી હતી. જો કે મેચના 5માં દિવસે જોની બેયરસ્ટોની વિકેટને લઈને ઘણો વિવાદ થયો હતો. મેચ બાદ ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે તેને સંપૂર્ણ રીતે યોગ્ય ઠેરવ્યું હતું, જ્યારે ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે તેને રમતની ભાવના વિરુદ્ધ ગણાવ્યું હતું. હવે આ મામલે બ્રિટેનના પીએમ ઋષિ સુનકે પણ એન્ટ્રી કરી છે, તેમણે પોતાની ટીમના પક્ષમાં નિવેદન જાહેર કર્યું છે.
મીડિયા સાથે પોતાનું નિવેદન શેર કરતા બ્રિટેનના પ્રધાનમંત્રી ઋષિ સુનકના પ્રવક્તાએ કહ્યું કે બેયરસ્ટોની વિવાદાસ્પદ રીતે આઉટ થવું રમતની ભાવના વિરુદ્ધ છે. ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી તેમની ટીમના કેપ્ટન બેન સ્ટોક્સના નિવેદન સાથે સંપૂર્ણ રીતે સહમત છે, જેણે કહ્યું હતું કે તેઓ ઓસ્ટ્રેલિયન ટીમની જેમ આ રીતે કોઈ મેચ જીતવા માંગતા નથી. મને ખાતરી છે કે અમે હેડિંગ્લે ટેસ્ટમાં વાપસી કરીશું.
જોની બેયરસ્ટોના આઉટ થયા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમને સ્ટેડિયમની અંદર ઈંગ્લેન્ડ ટીમના પ્રશંસકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ લંચ પર લોર્ડ્સના મેદાનના લોંગ રૂમમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે એમસીસી સભ્યોની ટિપ્પણીના કારણે તેમની સાથે ચર્ચા થઈ હતી. આ ઘટના પર બ્રિટેનના પીએમ ઋષિ સુનકે કહ્યું કે, એમસીસીએ આ ઘટનામાં ઝડપી કાર્યવાહી કરીને ખૂબ જ યોગ્ય પગલું ભર્યું છે. તેમણે નાથન લિયોન માટે બેટિંગ સમયે એમસીસી સભ્યો દ્વારા મળેલા સ્ટેન્ડિંગ ઓવેશનને પણ ખેલદિલીનું ઉદાહરણ ગણાવ્યું હતું. આ મેચમાં બેન સ્ટોક્સની 155 રનની ઈનિંગને લઈને પીએમે કહ્યું કે તેમને સ્ટોક્સની શ્રેષ્ઠ ઈનિંગ્સમાંથી એક જોવાનો મોકો મળ્યો.