ભારત અને અમેરિકા વચ્ચેના સબંધોમાં ચીનનો મુદ્દો મહત્વનો છે પણ આ એક માત્ર મુદ્દો નથી કે જેના આધારે બંને દેશના સબંધોની દિશા નક્કી થઈ છે
વોશિંગ્ટન
ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત થઈ રહેલા સબંધોની વચ્ચે અમેરિકાની રાષ્ટ્રિય સુરક્ષા પરિષદમાં ઈન્ડો-પેસિફિક રિજનના કો ઓર્ડિનેટર કર્ટ કેમ્પબેલે ભારતના સમર્થનમાં એક મહત્વનુ નિવેદન આપ્યુ છે.
કેમ્પબેલને જ્યારે ભારતમાં માનવાધિકારોના મુદ્દા પર સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યુ હતુ કે, ભારતની જેમ અમેરિકા સમક્ષ પોતાના પડકારો અને સમસ્યાઓ છે. બધા દેશ આદર્શ નથી. દરેકમાં કોઈને કોઈ ખામી હોય છે. મને નથી લાગતુ કે અમેરિકા બીજા કોઈ દેશને લેક્ચર આપી શકે તેવી સ્થિતિમાં છે.
ભારતે રશિયા અ્ને યુક્રેન વચ્ચેના યુધ્ધમાં અપનાવેલા તટસ્થ વલણ અંગે કેમ્પબેલે કહ્યુ હતુ કે, આપણે જોયુ છે કે, ભારતે આ યુધ્ધમાં સૈધ્ધાંતિક વલણ લીધુ છે. પીએમ મોદીએ યુક્રેનના લોકોને જે પરેશાની ભોગવવી પડી રહી છે તે અંગે ચિંતા વ્યક્ત કરી છે. ભારત આ યુધ્ધને લઈને ચિંતિત છે અને તેમનુ માનવુ પણ છે કે, યુધ્ધમાં કેટલીક બાબતોમાં રશિયાનુ વલણ નિંદનીય રહ્યુ છે.
તેમણે કહ્યુ હતુ કે, ભારત અને અમેરિકા વચ્ચેના સબંધોમાં ચીનનો મુદ્દો મહત્વનો છે પણ આ એક માત્ર મુદ્દો નથી કે જેના આધારે બંને દેશના સબંધોની દિશા નક્કી થઈ છે. એવી ઘણી વાતો છે કે જે બંને દેશના સબંધોને વધારે મજબૂતી પ્રદાન કરી રહી છે અને પીએમ મોદીએ તાજેતરના પ્રવાસ દરમિયાન આ બાબત જોવા પણ મળી હતી.