ટ્રમ્પે સોશિયલ મીડિયામાં લખ્યું, શું કોઈ માની શકે છે કે કોકેનનો પાઉડર જો બિડેન અને તેમના પુત્ર હન્ટર સિવાય અન્ય કોઈના ઉપયોગ માટે હશે?
વોશિંગ્ટન
વ્હાઈટ હાઉસમાંથી કોકેન મળવાની ચકચારી ઘટનામાં હવે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઈડન પર નિશાન સાધ્યુ છે.
ટ્રમ્પે બુધવારે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે શું કોઈ માની શકે છે કે વ્હાઇટ હાઉસની વેસ્ટ વિંગમાં ઓવલ ઑફિસ પાસે મળી આવેલ કોકેનનો પાઉડર જો બિડેન અને તેમના પુત્ર હન્ટર સિવાય અન્ય કોઈના ઉપયોગ માટે હશે? પરંતુ ફેક ન્યૂઝ મીડિયા ટૂંક સમયમાં કહેવાનું શરૂ કરશે કે જપ્ત કરાયેલા કોકેનનો જથ્થો સાવ નજીવો હતો. મીડિયા કદાચ કહેશે કે તે કોકેન નથી, એસ્પિરિન ટેબલેટનો પાઉડર હતો. થોડા દિવસો પછી, આખી વાર્તા અદૃશ્ય થઈ જશે અને મારા વિશે ખોટી ગેરસમજ ફેલાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, વ્હાઇટ હાઉસમાંથી મળેલા સફેદ પાવડરનો તપાસ રિપોર્ટ આવી ગયો છે. યુએસ સિક્રેટ સર્વિસિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ટેસ્ટ રિપોર્ટમાં તે કોકેઈન હોવાનું બહાર આવ્યું હતું. આ પછી પાવડરને વધારાની તપાસ માટે મોકલવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ આવી ગયો છે અને આ કોકેન જ છે.
યુએસ મીડિયા અનુસાર, સફેદ પાઉડર વેસ્ટ વિંગના ગ્રાઉન્ડ ફ્લોરના પ્રવેશદ્વાર પાસે મળી આવ્યો હતો. જ્યાં સૌથી વધારે અવર જવર રહેતી હોય છે. આ એ જ જગ્યા છે જ્યાં વ્હાઇટ હાઉસમાં આવનારા મહેમાનોએ તેમના મોબાઇલ જમા કરાવવાના હોય છે. અહીંથી આ સફેદ પાઉડર નાની, ઝિપરવાળી બેગમાંથી મળી આવ્યો હતો.
વ્હાઈટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, પ્રેસ સેક્રેટરી કેરીન જીન-પિયરે જણાવ્યું હતું કે વ્હાઇટ હાઉસને વિશ્વાસ છે કે, સિક્રેટ સર્વિસ આ મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરશે. રાષ્ટ્રપતિ જો બિડેનને આ અંગે જાણ કરવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે તેઓ તપાસ કરી રહ્યા છે કે બિલ્ડિંગમાં કોકેઈન કોણ લાવ્યું.