ઈઝરાયલના પીએમ નેતન્યાહૂ બંધકોના પરિજનોને મળી રહ્યા હતા, આ દરમિયાન તેમને ટોકતાં ઘણા લોકોએ નારેબાજી કરી અને હોબાળો મચાવ્યો
જેરૂસલેમ
ગાઝામાં ઈઝરાયલી સૈન્ય આઈડીએફ અને હમાસના આતંકીઓ વચ્ચે ભીષણ યુદ્ધની સ્થિતિ વચ્ચે બેન્જામિન નેતન્યાહૂ હવે ઘરમાં ઘેરાતા જઈ રહ્યા છે. હમાસની કેદમાં રહેલા બંધકોના પરિજનોએ સંસદમાં જ ભાષણ આપી રહેલા ઈઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂને અધવચ્ચે અટકાવીને હોબાળો મચાવતા એવો સવાલ કરી લીધો કે તેઓ એક ચુપ થઈ ગયા હતા અને પછી સુરક્ષાદળોએ દરમિયાનગીરી કરવી પડી હતી.
ઈઝરાયલના પીએમ નેતન્યાહૂ બંધકોના પરિજનોને મળી રહ્યા હતા. આ દરમિયાન તેમને ટોકતાં ઘણા લોકોએ નારેબાજી કરી અને હોબાળો મચાવ્યો હતો. નેતન્યાહૂએ કહ્યું હતું કે જ્યાં સુધી હમાસ સામે જીત નહીં મળે ત્યાં સુધી તે રોકાવાના નથી અને તેના માટે તેમને હજુ સમયની જરૂર છે. તેમની આ વાત સાંભળતાં જ લોકો ભડક્યા હતા. ભીડમાંથી એક વ્યક્તિ બોલ્યો કે અમારી પાસે સમય નથી. ત્યારબાદ આખી ભીડે બૂમબરાડા કરવાની શરૂઆત કરી દીધી. આ દૃશ્ય જોઈને નેતન્યાહૂ અને તેમના સાથીદારો ગભરાઈ ગયા હતા. લોકોએ કહ્યું કે અમને અમારા પરિજનો હમણાં જ જોઈએ.
બંધકોના પરિજનોમાંથી એક વ્યક્તિએ નેતન્યાહૂને સવાલ કર્યો કે મારી દીકરી 80 દિવસથી હમાસના કબજામાં છે. મારા માટે દરેક મિનિટ નર્ક સમાન લાગી રહી છે. જો તમારો દીકરો તેમના કબજામાં હોત તો? જવાબમાં વડાપ્રધાન એકાએક ચુપ થઈ ગયા અને પછી થોડા રોકાઈને તેમણે કહ્યું કે અમે કોઈ કસર બાકી રાખી નથી.
નેતન્યાહૂએ કહ્યું કે તેમણે બંધકોને મુક્ત કરાવવા અને હસ્તક્ષેપ કરવા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન સાથે સંપર્ક કર્યો છે અને તેમની પત્ની સારાએ પોપને પણ અપીલ કરી છે. નેતન્યાહૂની ચીન અને રશિયા પાસે મદદ માગવાથી ત્રીજા વિશ્વયુદ્ધના સંકેત મળી રહ્યા છે.