ગાઝિયાબાદ પોલીસે ઈન્ટેલિજન્સ બ્યુરોની માહિતીના આધારે નવીન પાલ નામના વ્યક્તિની જાસૂસીના આરોપમાં ધરપકડ કરી
નવી દિલ્હી
વિદેશ મંત્રાલયના એક કામચલાઉ કર્મચારીને પાકિસ્તાનમાં એક અજાણી વ્યક્તિ સાથે જી-20 બેઠકોની વિગતો તથા અન્ય ગુપ્ત માહિતી શેર કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. ગાઝિયાબાદ પોલીસે ઈન્ટેલિજન્સ બ્યુરો (આઈબી)ની માહિતીના આધારે નવીન પાલ નામના વ્યક્તિની જાસૂસીના આરોપમાં ધરપકડ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર નવીન પાલે કથિત રીતે સોશિયલ મીડિયા પર મળેલી મહિલા સાથે વ્હોટ્સએપ દ્વારા ગોપનીય માહિતી શેર કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે મહિલાના વોટ્સએપ એકાઉન્ટ સાથે જોડાયેલ વર્ચ્યુઅલ ફોન નંબર યુપીના બરેલીનો હોવાનું જણાય છે. જોકે, આઈપી એડ્રેસ કરાચી, પાકિસ્તાનનું ટ્રેસ થયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપીઓએ કથિત રીતે કરાચીમાં એક વ્યક્તિ સાથે વોટ્સએપ દ્વારા ભારત વિશે વિવિધ ગુપ્ત માહિતી, વિદેશ મંત્રાલયના દસ્તાવેજો અને જી-20 મીટિંગ્સની વિગતો શેર કરી હતી. તેમણે કહ્યું કે નવીન પાલના ફોનમાંથી મળી આવેલા દસ્તાવેજો ગુપ્ત તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા હતા.
રાજસ્થાનના અલવરની એક મહિલા યુપીઆઈ પ્લેટફોર્મ પર પાલ સાથેના નાણાકીય વ્યવહારો માટે તપાસ એજન્સીના રડાર પર છે. નવીન પાલની ગાઝિયાબાદ પોલીસ અને આઈબી અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.