મૃત દર્શાવેલી માતા સાથે શખ્સનું ત્રણ દાયકા બાદ મિલન

Spread the love

જગજીતના પિતાના અવસાન બાદ માતાના મા-બાપે તેના બીજા લગ્ન કરાવી દેતાં જગજીતના દાદા-દાદી તેને પોતાની સાથે લઈ ગયા હતા


પટિયાલા
પૂરમાં રેસ્ક્યૂનું કામ કરી રહેલા જગજીત સિંહ પોતાના મિશનમાં વ્યસ્ત હતા. પૂરમાં ફસાયેલા લોકોને તેઓ મદદ કરતા હતા અને બહાર કાઢતા હતા ત્યારે એમને અંદાજો પણ નહોતો કે નિઃસ્વાર્થ ભાવે કરેલા આ કામનું સુખદ ફળ મળશે. બચાવ કાર્ય દરમિયાન જગજીતને જિંદગીની સૌથી મોટી ભેટ મળી છે. ગત અઠવાડિયે કરેલા બચાવ કાર્ય દરમિયાન જગજીતને તેની મમ્મી મળી ગઈ. બાળપણમાં જગજીતને કહેવામાં આવ્યું હતું કે, તેના માતાપિતાનું રોડ અકસ્માતમાં મોત થયું છે. જોકે, 20 જુલાઈએ જ્યારે તે પોતાના નાના-નાનીના ગામમાં પહોંચ્યો અને માતાને જોઈ ત્યારે તેના આંખમાંથી અવિરત આંસુ વહેવા લાગ્યા. મા-દીકરાનું આ મિલન જોનાર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ.
જગજીત સિંહે ત્રણ દશકાથી વધુ સમય બાદ માનો ચહેરો જોયો હતો. તેમણે પોતાની આ મુલાકાતને ફેસબુક પર રેકોર્ડ કરી હતી અને જણાવ્યું હતું કે, તેઓ પોતાની લાગણીઓ પર કાબૂ ના રાખી શક્યા. મા-દીકરાએ એકબીજાને આલિંગન આપતા લાગણીઓનો ધોધ વહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, જગજીતની છ માસનો હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. હરજીતના મા-બાપે તેના બીજા લગ્ન કરાવી દેતાં જગજીતના દાદા-દાદી તેને પોતાની સાથે લઈ ગયા હતા. એ વખતે જગજીતની ઉંમર બે વર્ષ હતી. જગજીત મોટો થયો ત્યારે તેને કહેવામાં આવ્યું કે એક્સિડન્ટમાં તેના માતાપિતાનું મોત થયું છે. આ જ સત્ય સાથે તે અત્યાર સુધી જીવતો હતો.
જોકે, જગજીત અને તેની માતાની જિંદગીમાં વિરહ બાદ મુલાકાત લખેલી હશે. એટલે જ પટિયાલાના બોહરપુર ગામમાં તેની માતા સાથે મુલાકાત થઈ. કાદિયાનના મુખ્ય ગુરુદ્વારામાં ભજન ગાયક જગજીત સિહે જણાવ્યું કે, પૂરના લીધે ચારેબાજુ તબાહી સર્જાઈ હતી. ભાઈ ઘનૈયાજી નામે એક એનજીઓ તે ચલાવે છે અને તેની ટીમ સાથે પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા જગજીત પહોંચ્યો હતો. જગજીતની ફોઈના કારણે તેનું બોલિવુડ સ્ટાઈલ રિયૂનિયન શક્ય બન્યું હતું. તેણે કહ્યું, પટિયાલામાં હું બચાવ કાર્યમાં વ્યસ્ત હતો ત્યારે મારા એક ફોઈએ મને જણાવ્યું કે, મારા નાના-નાનીનું ઘર પણ પટિયાલામાં છે. તેમણે બોહરપુર ગામનું નામ આપ્યું હતું અને નાના-નાની કદાચ અહીં જ રહેતા હશે તેમ કહ્યું હતું.
જગજીત સત્વરે બોહરપુર પહોંચ્યો અને તેના નાની પ્રીતમ કૌર સાથે મુલાકાત કરી. “મેં તેમને સવાલો પૂછવાના શરૂ કરી દીધા. જેથી શરૂઆતમાં તેમને થોડી શંકા ગઈ પરંતુ બાદમાં તેમણે જણાવ્યું કે, મારી મમ્મી હરજીતને પહેલા લગ્ન થકી એક દીકરો હતો. આ સાંભળીને હું ભાંગી પડ્યો. મેં કહ્યું કે, એ કમનસીબ દીકરો હું જ છું જે ત્રણ દશકા સુધી પોતાની માનો ચહેરો ના જોઈ શક્યો”, તેમ જગજીતે ઉમેર્યું.
પગમાં તકલીફ હોવાથી યોગ્ય રીતે ચાલી ના શકતાં હરજીત કૌર માટે દીકરાને મળવાનો અનુભવ અતિશય સુખદ નીવડ્યો કારણકે દીકરાની સાથે આખો પરિવાર તેમને મળી ગયો. 37 વર્ષીય જગજીત સાથે તેની પત્ની, 14 વર્ષની દીકરી અને 8 વર્ષના દીકરા સાથે પણ મુલાકાત કરી. જગજીતને પાંચ વર્ષ પહેલા ખબર પડી હતી કે તેના મમ્મી જીવતા છે. જગજીતે કહ્યું, “મારા દાદા-દાદી, કાકા-કાકી સહિત બધા સંબંધીઓ મને એવું જ કહેતા હતા કે મારા માતાપિતા ગુજરી ગયા છે. જેથી મારી પાસે વધુ માહિતી નહોતી.”
જગજીતના કહેવા પ્રમાણે, તેના દાદા-દાદી અને નાના-નાની વચ્ચે સંબંધો સારા નહોતા. બંને પરિવારોએ એકબીજા સાથે સંબંધો કાપી નાખ્યા હતા. જગજીતે મેટ્રિક પાસ કર્યું એ પછી તરત જ 2014માં તેના દાદાનું અવસાન થયું હતું. તેણે કહ્યું, મારી બાળપણની તસવીરોમાં મેં એક મહિલાને જોઈ હતી પણ મને નહોતી ખબર કે એ મારી મમ્મી છે. હું મારા દાદા-દાદીને સવાલ કરતો હતો પરંતુ તેઓ મને એટલું જ કહેતા મારા મમ્મી-પપ્પાનું કાર એક્સિડન્ટમાં મોત થયું છે. મારા દાદા નિવૃત્ત પોલીસકર્મી હતા અને તેઓ હરિયાણાથી 20 વર્ષ પહેલા પંજાબના કૈદાનમાં રહેવા આવી ગયા હતા.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *