પતિના શરીરના ટૂકડા ગામની નજીકની કેનાલમાં નાંકી દેતાં લોકોએ પોલીસને જાણ કરતા મહિલાએ ગુનો કબૂલી લીધો
પીલીભીત
ઉત્તર પ્રદેશના પીલીભીતમાં પત્નીએ તેના પતિને દોરડાથી ખાટલે બાંધ્યો હતો. પછી તેના શરીર પર કુહાડીથી હુમલો કરીને લાશના ટુકડાં કર્યા હતા. એ પછી પત્નીએ આ ટુકડાં ગામની નજીક આવેલી એક કેનાલમાં ફેંકી દીધા હતા. બનાવની જાણ થયા બાદ લોકોનાં ટોળા પહોંચ્યા હતા. જાણ થતા પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી હતી. પોલીસે લાશના ટુકડા શોધવા માટે ગોતાખોરોની પણ મદદ લીધી હતી. જો કે, મોડી રાત સુધી લાશના ટુકડા મળી આવ્યા નહોતા. પોલીસનું કહેવું છે કે, મહિલાએ તેનો ગુનો કબૂલ કરી લીધો છે અને ઘટના બાદ આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત જાણકારી મુજબ, ગજરૌલા પોલીસ સ્ટેશન હેઠળ આવતા શિવનગરમાં 55 વર્ષીય રામપાર મંગળવારની સવારથી લાપત્તા હતા. રામપાલના પુત્ર સોમપાલ પત્ની અને બાળકો સાથે ગામના બીજા મકાનમાં રહે છે. રામપાલ અને તેની પત્ની દુલારો દેવી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. દુલારો દેવીની દોસ્તી તેના પતિ રામપાલના દોસ્ત સાથે થઈ ગઈ હતી. થોડા દિવસો પહેલાં મહિલા તેના પ્રેમી સાથે રહેવા લાગી હતી. તે એક મહિના પહેલાં જ ગામમાં આવી હતી.
ગયા બુધવારે દુલારો દેવીના દીકરાએ જણાવ્યું કે, તેમના પિતા ઘર પર નહોતા. એટલે બુધવારના રોજ જ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ મામલે જાણ કરવામાં આવી હતી. દીકરાએ પોલીસને એવું પણ જણાવ્યું કે, તેની મા થોડા દિવસો પહેલાં જ આવી હતી. એટલે પછી પોલીસને દુલારો દેવી પર શંકા ગઈ હતી. પોલીસે શંકાના આધારે દુલારો દેવીની અટકાયત કરી અને પછી કડક પૂછપરછ કરી હતી. પોલીસની કડક પૂછપરછમાં દુલારો દેવીએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો.
દુલારો દેવીએ પોલીસને જણાવ્યું કે, રવિવારની રાત્રે પતિ સૂઈ ગયો હતો ત્યારે તેને ખાટલા સાથે જ બાંધી દીધો હતો. પછી કુહાડીની મદદથી લાશના ટુકડા કર્યા હતા. એ પછી લાશના ટુકડાઓને ગામની નજીક આવેલી એક કેનાલમાં ફેંકી દીધા હતા. દુલારો દેવીના જણાવ્યા મુજબ, પોલીસે કેનાલમાં શોધખોળ હાથ ધરી હતી. બાદમાં બિસ્તર પોલીસ રામપાલના લોહીથી લથપથ કપડાં કબજે કર્યા હતા.
સીઓ અંશુ જૈને જણાવ્યું કે, લાશના ટુકડાં હજુ સુધી મળી આવ્યા નથી. નહેરના પાણીને હાલ બંધ કરવામાં આવ્યું છે. ગોતાખોરો લાશના ટુકડા શોધી રહ્યા છે. આરોપી મહિલાએ જણાવ્યું કે, તેનો પતિ વારંવાર તેની સાથે મારપીટ કરતો હતો. જમીન પણ ગિરવે મૂકેલી છે અને દીકરીના લગ્ન કરવાના છે. તેણે એકલા હાથે જ રવિવારના રોજ પતિની હત્યા કરી નાખી હતી. પોલીસ તમામ એન્ગલ પર તપાસ કરી રહી છે. હત્યામાં બીજુ કોઈ સામેલ છે કે નહીં, હત્યાનું સાચુ કારણ શું છે વગેરે જાણવા માટે પોલીસ તપાસ કરી રહી છે.