‘પ્રોડક્શન ટીમ અમારા કપડા ધોતી નહોતી અને અમારે એ જ કપડા સતત 20 દિવસ સુધી પહેરવા પડતા હતાઃ અભિનેત્રીના આક્ષેપ

મુંબઈ
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં આશરે 15 વર્ષ સુધી ‘રોશનભાભી’નો રોલ પ્લે કરનારી જેનિફર મિસ્ત્રી બંસીવાલ પોતાની સાથે ઘણા વર્ષ સુધી મેકર્સ તરફથી થયેલા અન્યાય સામેની લડત જીતવા માટે મે મહિનામાં એકલી નીકળી પડી હતી. તેને આ લડતમાં કોઈનો સાથ મળશે તેવી જરાય આશા નહોતી. પરંતુ પૂર્વ કો-એક્ટર્સ પ્રિયા આહુજા અને મોનિકા ભદોરિયાએ તેને સપોર્ટ આપ્યો અને મીડિયા સામે આવીને તેમની સાથે પણ ખરાબ વર્તન થયું હોવાનું કહ્યું હતું. જે બાદથી જેનિફર વધુ નિડર બની ગઈ. પહેલા તેણે પ્રોડ્યૂસર આસિત કુમાર મોદી પર શારીરિક શોષણ તો પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યૂસર જતિન બજાજ સામે માનસિક શોષણનો આરોપ લગાવ્યો હતો. જે બાદ તેણે શો સાથે જોડાયેલા વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. હવે તેણે લેટેસ્ટ ઈન્ટરવ્યૂમાં સેટ પર કેવી રીતે બધા સાથે ભેદભાવ કરવામાં આવતો હતો તેના વિશે વાત કરી છે.
જેનિફર મિસ્ત્રી બંસીવાલે કહ્યું હતું કે, સેટ પર એવુ વાતાવરણ હતું કે કલાકારો માટે ત્યાં રહેવું પણ મુશ્કેલ હતું. આ સાથે ઉમેર્યું હતું કે ‘પ્રોડક્શન ટીમ અમારા કપડા ધોતી નહોતી અને અમારે એ જ કપડા સતત 20 દિવસ સુધી પહેરવા પડતા હતા. કેટલાક દિવસો તો એવા પણ હતા જ્યારે સેટ પર આવીને અમે જાતે અમારા કપડા ધોતા હતા. જેને પહેલા ડ્રાયરથી સાફ કરતા હતા અને પહેરતા હતતા. કેટલાક સિલેક્ટેડ લોકો હતા જેમના કપડા ટીમ ધોતી હતી, બાકી અમારે તો આમ જ કામ ચલાવવું પડતું હતું’. તેણે કહ્યું હતું કે, આ અંગે બધાએ ઘણીવાર ફરિયાદ કરી હતી પરંતુ તેનો કોઈ ઉકેલ આવ્યો નહોતો અને ઉપરથી સમસ્યા વધી જતી હતી.
સેટ પર અન્ય કલાકારો અને તેણે કેવી સમસ્યાનો સામનો કરવો પડતો હતો તે વિશે વાત કરતાં જેનિફરે જણાવ્યું હતું કે ‘હવે હું તમને શું કહું? કાસ્ટના સભ્યોને તો પાણી જેવી સામાન્ય બાબત માટે પણ વલખા મારવા પડતા હતા. સેટ પર પાણીની માત્ર થોડી જ બોટલ રહેતી હતી. જો કોઈ વધારે માગે તો તેને સાંભળવું પડતું હતું. બિસ્કિટનું એક પેકેટ માગતા પણ ડર લાગતો હતો, તેથી ડિનર તો તમે ભૂલી જ જાઓ. રાતે 9 વાગ્યાની શિફ્ટમાં જો બિસ્કિટ માગી લીધા તો તમારું આવી બન્યું’.
જેનિફરે તેવો પણ ખુલાસો કર્યો હતો કે, કપડા-જ્વેલરી હોય કે જૂતા કલાકારો ઘણા સમય સુધી પોતાના જ વાત વાપરવા પડતાં હતા. તેણે કહ્યું હતું કે ‘શો દરમિયાન શૂટ પર હું મારી પોતાની જ્વેલરી પહેરતી હતી. જૂતા પણ 2-3 વર્ષ પહેલા આપવાના શરૂ કર્યા હતા. આ પહેલા તેઓ જૂના અને ફાટેલા જૂતા આપતા હતા, જે પહેરી શકાય તેવી સ્થિતિમાં નહોતા હોત. બાળકોને પણ પ્રોડક્શન તરફથી કપડા અપાતા નહોતા. તેઓ પોતાની રીતે વ્યસ્થા કરતાં હતા’.
જેનિફરના કહેવા પ્રમાણે, કેટલાક કલાકારો સાથે તો મેકઅપ અને ટિશ્યૂ જેવી નાની બાબતમાં પણ ભેદભાવ કરવામાં આવતો હતો. ‘અમે અમારી હેલ્થને જોખમમાં મૂકતા હતા. પરંતુ પ્રોડક્શન ટીમને પડી નહોતી. કોવિડ 19 દરમિયાન પણ સુરક્ષાના કોઈ પગલા લેવતા નહોતા. જ્યારે કોરોના પીક પર હતો ત્યારે માત્ર એક જ વાર સેટ સેનિટાઈઝ કરાયો હતો. મેકઅપ આર્ટિસ્ટ પણ એટલા માટે પ્રોડક્શન સૂટ પહેરતા હતા, કારણ કે નિયમોનું પાલન થઈ રહ્યું હોવાનું દેખાડવા માટે વીડિયોને સીન્ટાને મોકલવા પડતા હતા. સ્થિતિ ખૂબ ખરાબ હતી. અમને જે વેનિટી વેન આપવામાં આવતી હતી, તેમાં વંદા રહેતા હતા. અમે આ વિશે ફરિયાદ કરી હતી, પણ સાંભળે કોણ? કોઈને કોઈ ફરક પડતો નથી’. જણાવી દઈએ કે, જેનિફર મિસ્ત્રીએ આ વર્ષના માર્ચ મહિનામાં શો છોડ્યો હતો.