નવી દિલ્હી
રેસલિંગ એસોસિએશનના પ્રમુખ અને બીજેપી સાંસદ બૃજભૂષણ શરણ સિંહનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ પોતાના મેડલ ગંગામાં વહેવડાવવાની જાહેરાત કરી છે. કુસ્તીબાજ બજરંગ પુનિયા, વિનેશ ફોગટ અને સાક્ષી મલિકે સોશિયલ મીડિયા પર એક નિવેદન જારી કરીને કહ્યું કે, “અમે આ મેડલ ગંગામાં વહેવડાવવા જઈ રહ્યા છીએ. આ માટે કુસ્તીબાજો હરિદ્વાર જવા રવાના થયા છે.
વિનેશ ફોગટ, બજરંગ પુનિયા, સંગીતા ફોગાટ, સાક્ષી મલિક સહિત ઘણા ટોચના કુસ્તીબાજો ગંગામાં તેમના મેડલ નાખી દેવા માટે જઈ રહ્યા છે. તમામ કુસ્તીબાજો હરિદ્વાર જવા રવાના થઈ ગયા છે. ટોચના કુસ્તીબાજોએ 23 એપ્રિલના રોજ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વડા બૃજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ સાથે આંદોલન શરૂ કર્યું હતું. બૃજભૂષણ શરણ સિંહ પર એક સગીર સહિત અનેક મહિલા કુસ્તીબાજોની કથિત જાતીય સતામણીનો આરોપ છે.
જે દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા સંસદનું ઉદ્ઘાટન કરવાના હતા તે દિવસે નવી સંસદ ભવન પાસે મહિલા મહાપંચાયત બોલાવી હતી. કુસ્તીબાજોએ રવિવારે બેરિકેડ તોડીને જંતર-મંતરથી નવા સંસદ ભવન તરફ જવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેમની અને પોલીસકર્મીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી અને બાદમાં કુસ્તીબાજોની અટકાયત કરીને દિલ્હીના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા.