ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે કે નહીં તે અંગે હજુ પણ વિવાદ
પાકિસ્તાને ટ્રોફીને સમગ્ર દેશમાં ફેરવવાની જાહેરાત કરી
આઈસીસીએ ટ્રોફીને પીઓકેના ત્રણ શહેરોમાં લઈ જવાનો ઈન્કાર કર્યો
નવી દિલ્હી
ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે કે નહીં તે અંગે હજુ પણ વિવાદ ચાલી રહ્યો છે તો બીજી તરફ પાકિસ્તાને ટ્રોફીને દેશભરમાં ફેરવવાની જાહેરાત કરી દીધી હતી. હવે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ આના પર કાર્યવાહી કરતા ટ્રોફીને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ત્રણ શહેરો એટલે કે પીઓકેમાં લઈ જવા દેવાની ના પાડી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે ટીમને પાકિસ્તાન મોકલવાનો ઈન્કાર કરી દીધો છે. આ પછી, એવું માનવામાં આવે છે કે જો પાકિસ્તાન તૈયાર થશે તો ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડલમાં રમાશે, એટલે કે, ભારતની તમામ મેચ પાકિસ્તાનની બહાર થશે, જ્યારે ફાઇનલ પણ પાકિસ્તાનમાં નહીં રમાય.
દરમિયાન, પાકિસ્તાને એક દિવસ પહેલા જ ટ્રોફીને તેના દેશમાં ફેરવવાની જાહેરાત કરી હતી. આને લીધે આઈસીસી હરકતમાં આવી ગઈ હતી. બીજી તરફ, આઈસીસી દ્વારા હજુ સુધી ચેમ્પિયન્સ ટ્રોફીના અંતિમ કાર્યક્રમની જાહેરાત કરવાની બાકી છે, પરંતુ તેણે ટ્રોફીને 16 નવેમ્બરથી શરૂ થનારા દેશના પ્રવાસ માટે પાકિસ્તાન મોકલી દીધી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના અધિકારીના જણાવ્યા અનુસાર, ટ્રોફી પ્રદર્શનની શરૂઆત સ્કાર્દુથી થશે.
અધિકારીએ કહ્યું કે, આ ટ્રોફી પાકિસ્તાનના મોટા શહેરોમાંથી પસાર થશે જ્યાં ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો રમાવાની છે. આ ટ્રોફી એવા સમયે આવી છે જ્યારે આઈસીસીએ ટૂર્નામેન્ટ માટે ભારતે દેશમાં જવાની ના પાડી દીધી છે ત્યારે પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટની હાઈબ્રિડ યજમાની પર પીસીબીનો જવાબ માગ્યો છે.
આ મહિનાની શરૂઆતમાં લાહોરમાં ટ્રોફીનું અનાવરણ થવાનું હતું. પરંતુ ભારતે તે તેની ટીમ પાકિસ્તાન નહીં મોકલે તેની આઈસીસીને જાણ કરતા અને શહેરમાં ધુમ્મસની સ્થિતિને કારણે સમારોહ મોકૂફ રાખવામાં આવ્યો હતો.
જોકે, આખરે ગુરુવારે આઈસીસી અધિકારીઓ દ્વારા ટ્રોફીને દુબઈથી ઈસ્લામાબાદ લાવવામાં આવી હતી. આ પ્રવાસ, જે 24 નવેમ્બરે સમાપ્ત થાય છે, જે આવતા વર્ષે 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે માહોલ ઊભો કરવાના આઈસીસીના પ્રયાસનો એક ભાગ છે. આઈસીસીએ હજુ સુધી ભારતે પાકિસ્તાનમાં રમવાના ઇનકાર અંગે કોઈ સત્તાવાર જાહેરાત કે ટિપ્પણી કરી નથી.