ઈશાન સાથે આવો વ્યવહાર ન થવો જોઈએ, કારણ કે આનાથી તેના આત્મવિશ્વાસને અસર થઈ શકે છેઃ સલમાન બટ્ટ
કરાંચી
વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ મેચોની વનડે સિરીઝમાં વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશને સતત ત્રણ ફિફ્ટી ફટકારી હતી. તેને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો. કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં ઈશાને શુભમન ગિલ સાથે ઓપનિંગ કરી હતી. ઈશાને વર્ષ 2021માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું પરંતુ શાનદાર પ્રદર્શન કર્યા બાદ પણ ભારતીય ટીમમાં તેનું સ્થાન નિશ્ચિત નથી. તેના પર સતત પ્રયોગ કરવામાં આવે છે. પંતની ઈજા બાદ ઇશાનને ઘણી તકો મળી છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન સલમાન બટ્ટે ઈશાનને લઈને થઈ રહેલા પ્રયોગ પર પોતાનો અભિપ્રાય આપ્યો છે.
પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટને કહ્યું કે ઈશાન સાથે આવો વ્યવહાર ન થવો જોઈએ, કારણ કે આનાથી તેના આત્મવિશ્વાસને અસર થઈ શકે છે. તેણે એમ પણ કહ્યું કે ભારતીય ટીમ મેનેજમેન્ટે હવે ઈશાનને બીજા વિકલ્પ તરીકે ધ્યાનમાં લેવો જોઈએ નહીં. બટ્ટે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું, “હું સંપૂર્ણપણે સંમત છું કે ઈશાન સાથે ટીમ ઈન્ડિયાના પ્રયોગો મૂંઝવણભર્યા હતા. જો કોઈ વ્યક્તિ 200 રન બનાવીને આઉટ થઈ જાય તો તેનો અર્થ શું? કાં તો ટીમ મેનેજમેન્ટ એ હકીકત સ્વીકારે છે કે ઇશાન માત્ર બીજો વિકલ્પ છે, પછી ભલે તે એક ઇનિંગ્સમાં 1000 રન બનાવી લે. પછી તે ઠીક છે. આ વલણ તમને ક્યારેય શ્રેષ્ઠ હોવાની અનુભૂતિ કરાવતું નથી. આવી સ્થિતિમાં ખેલાડીને એવો અહેસાસ થતો નથી કે તે કંઈક કરશે તો રમશે. ખેલાડીને લાગે છે કે હું ગમે તે કરીશ તો પણ બીજો વિકલ્પ જ રહીશ અને બીજો વિકલ્પ બનીને બહાર જઈશ.
બટ્ટે વધુમાં કહ્યું, “બેન્ચ સ્ટ્રેન્થ બનાવવાનો પ્રયોગ કરવો ઠીક છે પરંતુ ઈશાન હવે બેન્ચ સ્ટ્રેન્થનો પ્લેયર નથી રહ્યો. તે તેના કરતા ઘણો વધારે છે. ઈશાન વનડેમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર બેટ્સમેન છે. તેણે ગયા વર્ષે ડિસેમ્બરમાં બાંગ્લાદેશ સામે આ કારનામું કર્યું હતું. જો કે જ્યારે ભારતીય ટીમ શ્રીલંકા સામેની તેની આગામી વનડે સિરીઝમાં ઉતરી ત્યારે ઈશાનને રમવાની તક મળી ન હતી. આ સાથે જ ઈશાનને ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાં મિડલ ઓર્ડરમાં તક આપવામાં આવી હતી. તેના એશિયા કપ અને વર્લ્ડ કપ 2023માં ઓપનર તરીકે રમવાની શક્યતા ઓછી છે. રોહિત અને શુભમન ગિલ પાસે આ બંને આગામી ટૂર્નામેન્ટમાં ઇનિંગ્સ શરુ કરવાની વધુ તક છે.