મોદી સરકાર સામે નિશાન તાક્તા રાહુલ ગાંધીએ કહ્યું, તમે લોકોએ મણિપુરમાં હિન્દુસ્તાન, ભારત માતાની હત્યા કરી છે, તમે ભારતની સુરક્ષા કરનારા નથી પણ તમે તેમના હત્યારા છો
નવી દિલ્હી
સંસદમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે ત્યારે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે બીજા દિવસે ચર્ચા થઈ રહી છે જેમા સાંસદ પદ પરત મળ્યાં બાદ રાહુલ ગાંધી પહેલીવાર લોકસભામાં બોલી રહ્યાં હતા.
મણિપુર મામલે મોદી સરકાર વિરુદ્ધ લવાયેલા અવિશ્વાસ પ્રસ્તાવ મામલે રાહુલ ગાંધીની સ્પીચનો જવાબ આપતાં સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે મણિપુર ભારતનો અભિન્ન અંગ છે. તેમણે આ દરમિયાન કાશ્મીરી પંડિતો, 1984ના શીખવિરોધી રમખાણો, મહિલાઓ પર સામૂહિક દુષ્કર્મના વિવિધ મામલાઓ ઊઠાવીને તેમને જવાબ આપ્યો હતો.
રાહુલ ગાંધીએ આક્રમક વલણ અપનાવતા મોદી સરકાર સામે નિશાન તાક્તા કહ્યું કે તમે લોકોએ મણિપુરમાં હિન્દુસ્તાન, ભારત માતાની હત્યા કરી છે. તમે ભારતની સુરક્ષા કરનારા નથી પણ તમે તેમના હત્યારા છો. ભારતીય સૈન્ય એક જ દિવસમાં મણિપુરમાં શાંતિ લાવી શકે છે પરંતુ તમે તેનો ઉપયોગ કરતાં નથી. હું મોદીજીને એટલું કહીશ કે તેઓ હિન્દુસ્તાનની અવાજ નથી સાંભળતા તો કોનો અવાજ સાંભળે છે. તેમણે રાવણનું ઉદાહરણ આપતાં કહ્યું કે રાવણ ફક્ત બે લોકોની સાંભળતો હતો. એ જ રીતે મોદીજી પણ બે જ લોકોનું જ સાંભળે છે.
રાહુલ ગાંધીએ આક્રમક વલણ અપનાવતા સત્તાપક્ષ સામે આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે આ લોકોની રાજનીતિએ જ મણિપુરમાં હિન્દુસ્તાનની હત્યા કરી છે. રાહુલ ગાંધીએ આ દરમિયાન બે ઉદાહરણો પણ આપ્યા હતા જેમાં બે મહિલાઓએ તેમની આપવીતી વર્ણવી હતી.
ભારત એ એક અવાજ છે. જો આપણે તેને સાંભળવું હોય તો આપણે અહંકારને ભૂલવું પડશે. તેમણે કહ્યું કે હું થોડા દિવસ પહેલા મણિપુર ગયો હતો પણ આપણા વડાપ્રધાન ન ગયા. કેમ કે તેમના માટે તે હિન્દુસ્તાનનો ભાગ નથી.
રાહુલ ગાંધીએ આ દરમિયાન એક ખેડૂતનો કિસ્સો શેર કર્યો. જેમાં કહ્યું કે એક ખેડૂત મને મળ્યો હતો. તેણે મને રુ નો બંડલ આપ્યો. તેણે કહ્યું કે મારી પાસે આ જ રહી ગયું છે. મેં તેને પૂછ્યું કે વીમાના પૈસા મળ્યાં? તો તેણે કહ્યું કે મને વીમાના પૈસા નથી મળ્યાં. આ પૈસા ભારતના મોટા ઉદ્યોગપતિઓ ખાઈ ગયા.
રાહુલ ગાંધીએ તેમની સ્પીચમાં એક આઠ વર્ષની છોકરીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે છોકરીએ મને પત્ર આપ્યો. તેમાં લખ્યું હતું કે રાહુલ હું તમારી સાથે ચાલીશ. મને તેનાથી ઘણી શક્તિ મળી. મને ખેડૂતો, યાત્રામાં ચાલનારા લાખો લોકોથી શક્તિ મળી.
રાહુલ ગાંધીએ લોકસભામાં ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કર્યો હતો. જેના પર ફરી હોબાળો થયો હતો. તેમને બેસી જવા માટે કહી દેવાયું હતું. તેમણે કહ્યું કે હું સમુદ્ર કિનારેથી કાશ્મીરના બરફના પર્વતો સુધી ચાલીને ગયો. મારી યાત્રા હજુ પૂરી થઇ નથી. ભલે હું લદાખ ગયો નથી. હું જરૂર આવીશ. ઘણા લોકોએ મને પૂછ્યું કે યાત્રા દરમિયાન કે યાત્રા બાદ પણ કે રાહુલ તમે કેમ ચાલી રહ્યા છો? તમારું લક્ષ્ય શું છે? ત્યારે મને શરૂઆત કર્યા બાદ ધીમે ધીમે વાત સમજાવા લાગી. જે વસ્તુથી મને પ્રેમ હતો, હું જે વસ્તુ માટે હું મરવા તૈયાર છું. જે વસ્તુ માટે હું મોદીજીની જેલમાં જવા તૈયાર છું. જેના માટે મેં ગાળો ખાધી. તેને હું સમજવા માગતો હતો.
પોતાના સંબોધનની શરૂઆત કરતાં રાહુલ ગાંધીએ સાંસદ પદ પરત મળવા બદલ લોકસભા સ્પીકરનો આભાર માન્યો હતો. તેમણે આ દરમિયાન અદાણીનો મામલો ઊઠાવતાં સત્તાપક્ષના સાંસદો ભડક્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે હું આજે ગૃહમાં અદાણી મુદ્દે નથી બોલવાનો. તેમની આ ટિપ્પણી સાથે જ સત્તાપક્ષના સભ્યો ભડક્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે તમારે ડરવાની જરૂર નથી.