રાજ્યમાં છેલ્લા 7 વર્ષોથી દારૂ પર પ્રતિબંધ છે અને આ કાયદાના કારણે માત્ર ગરીબ લોકોને દંડિત કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ
પટના
બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીએ મંગળવારે લોકોને અપીલ કરી હતી કે, તેઓ માત્ર તેમને જ મત આપો જે રાજ્યમાં દારૂ પરનો પ્રતિબંધ હટાવે. ગયા જિલ્લાના મંગરાવા મહાદલિત ટોલા ગામમાં લોકોને સંબોધિત કરતા હિન્દુસ્તાની અવામ મોર્ચા (હમ)ના પ્રમુખે કહ્યું કે, રાજ્યમાં છેલ્લા 7 વર્ષોથી દારૂ પર પ્રતિબંધ છે અને આ કાયદાના કારણે માત્ર ગરીબ લોકોને દંડિત કરવામાં આવી રહ્યા છે.
માંઝીએ કહ્યું કે, દરેક લોકો જાણે છે કે, મોટા ભાગના આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ, ડોક્ટર્સ, બિલેડર, કોન્ટ્રાક્ટર, મંત્રી અને રાજનેતાઓ રાત્રે 10 વાગ્યા બાદ દારૂનું સેવન કરે છે પરંતુ તેમને દંડિત કરવામાં નથી આવતા. બીજી તરફ ગરીબ મજૂર જે આખો દિવસ મહેનત કર્યા બાદ દારૂ પીવે તો તેઓ અપરાધી બની જાય છે. કારણ કે, તેઓ પોલીસ અને આબકારી વિભાગ માટે સરળ ટાર્ગેટ બની જાય છે.
માંઝીએ કહ્યું કે, પોલીસ અને આબકારી વિભાગના અધિકારીઓએ મંગરાવા મહાદલિત ટોલામાં ગરીબ લોકોને દોડી-દોડીને માર માર્યો. હું લોકોને અપીલ કરું છું કે, તમે માત્ર એમને જ મત આપો જેઓ તાડી અને દારૂ પર પ્રતિબંધ હટાવે. તેમણે કહ્યું કે, દારૂબંધી લાગુ થયા બાદથી 5 લાખથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી જેમાંથી 3.5 લાખ મજૂરો અને ગરીબ લોકો હતા. ગુજરાત અને ઝારખંડમાં પણ દારૂ પર પ્રતિબંધ છે પરંતુ ત્યાં ક્યારેય આવી સ્થિતિ ઉભી નથી થઈ.