બજારમાં ભારે વેચવાલીને કારણે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી છેલ્લા સત્રમાં રૂ. 319.69 લાખ કરોડ હતી જે ઘટીને રૂ. 316.92 લાખ કરોડ થઈ
મુંબઈ
આજનું ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે ખૂબ જ નિરાશાજનક હતું. એફએમસીજી, આઈટી, બેન્કિંગ શેરોમાં પ્રોફિટ બુકિંગના કારણે બજાર ધડામ દઈને પટકાયું. આજના સેશનમાં મિડ કેપ શેરોમાં પણ વેચવાલી જોવા મળી હતી. બજાર બંધ થયા બાદ બીએસઈ સેન્સેક્સ 610 પોઈન્ટ ઘટીને 66,000ની નીચે 65,508 પોઈન્ટ પર બંધ થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 165 પોઈન્ટના ઘટાડા સાથે 19,551 પોઈન્ટ પર બંધ થયો હતો.
આજના કારોબારમાં બજારમાં એફએમસીજી સેક્ટરના શેરમાં વેચવાલી જોવા મળી હતી. એફએમસીજી ઈન્ડેક્સ 1000 પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી આઈટી ઈન્ડેક્સમાં 715 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ 287 પોઈન્ટ ઘટીને બંધ થયો છે. આ સિવાય ઓટો, ફાર્મા, મેટલ્સ, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ અને હેલ્થકેર સેક્ટરના શેર પણ ઘટાડા સાથે બંધ થયા છે. મિડ કેપ શેરો માટે આજનું ટ્રેડિંગ સત્ર નિરાશાજનક રહ્યું છે. મિડ કેપ ઈન્ડેક્સ 536 પોઈન્ટ અને સ્મોલ કેપ ઈન્ડેક્સ 52 પોઈન્ટ ઘટીને બંધ થયા છે. સેન્સેક્સના 30 શૅર્સમાંથી માત્ર 6 જ વધ્યા હતા જ્યારે 24 ઘટ્યા હતા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 6 શેર ઉછાળા સાથે અને 44 ઘટાડાની સાથે બંધ થયા હતા. આઈટી અને એફએમસીજી સેક્ટર બજારના ઘટાડા પાછળ મોખરે હતા. નિફ્ટીમાં ટેક મહિન્દ્રાનો શેર 4.25 ટકા ઘટ્યો હતો. જ્યારે એલએન્ડટીના શેર 2 ટકાના વધારા સાથે ટોપ ગેનર રહ્યા હતા. આ પહેલા બુધવારે બીએસઈ સેન્સેક્સ 173 પોઈન્ટના વધારા સાથે 66,118 પર બંધ થયો હતો.
બજારના ઘટાડાના મુખ્ય કારણો
યુએસ બોન્ડ યીલ્ડમાં વધારો
ડોલર ઇન્ડેક્સમાં વધારો
કાચા તેલમાં સતત વધારો થઈ રહ્યો છે
વૈશ્વિક બજારમાં નરમાઈ
સ્થાનિક હેવીવેઇટ શેરોમાં વેચવાલી
આજના કારોબારમાં લાર્સનના શેર 1.51 ટકા, પાવર ગ્રીડ 1.20 ટકા, એક્સિસ બેન્ક 0.61 ટકા, ભારતી એરટેલ 0.52 ટકાના વધારા સાથે બંધ થયા છે.
બજારમાં ભારે વેચવાલીને કારણે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ઘટીને રૂ. 316.92 લાખ કરોડ થઈ છે, જ્યારે છેલ્લા સત્રમાં માર્કેટ કેપ રૂ. 319.69 લાખ કરોડ હતી. આજના વેપારમાં રોકાણકારોને રૂ.2.77 લાખ કરોડનું નુકસાન થયું છે.