ઝિમ્બાબ્વેના પૂર્વ ક્રિકેટર હીથ સ્ટ્રીકના નિધનની અફવા

Spread the love

સ્ટ્રીકે ઝિમ્બાબ્વે માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 65 ટેસ્ટ અને 189 વનડે રમી છે


કેપ ટાઉન (દ. આફ્રિકા)
આજે વહેલી સવારે ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને અનુભવી ઓલરાઉન્ડર હીથ સ્ટ્રીકનું 49 વર્ષની વયે અવસાન થયું હોવાના બિનસત્તાવાર સમાચાર ફેલાયા હતા, જેને કારણે ક્રિકેટ જગતમાં સોંપો પડી ગયો હતો. હીથ સ્ટ્રીક લાંબા સમયથી કોલોન અને લીવર કેન્સરથી પીડિત અને સારવાર હેઠળ હોવાથી લોકોને આ વાત સાચી પણ લાગી હતી. હીથ સ્ટ્રીકનું કેન્સર ચોથા સ્ટેજ પર પહોંચી ગયું હતું.
જેના કારણે તેમની હાલત ઘણા સમયથી નાજુક હતી. ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ઝડપી બોલર, હેનરી ઓલોંગાએ જ અગાઉ ટ્વિટર પર સ્ટ્રીકના નિધનના સમાચાર શેર કર્યા હતા. દેશવિદેશના અનેક ક્રિકેટરોએ સોશિયલ મીડિયા માધ્યમથી તેમને શ્રદ્ધાંજલિ આપવા માંડ્યા હતા. જોકે, હવે એવા સત્તાવાર સમાચાર આવ્યા છે કે હીથ સ્ટ્રીકની સારવાર હેઠળ જ છે. તેમનું નિધન નથી થયું. હેનરી ઓલોંગાએ પણ તેમના નિધનની કરેલી ટ્વિટ ડિલીટ કરી દીધી છે અને નવી ટ્વિટ કરીને હીથ સ્ટ્રીક જીવિત હોવાના સમાચાર આપ્યા છે.
નોંધનીય છે કે મે મહિનામાં હીથ સ્ટ્રીકની તબિયત બગડી હતી અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હીથ સ્ટ્રીકની સારવાર દક્ષિણ આફ્રિકાની એક હોસ્પિટલમાં ચાલી રહી હતી. આ માહિતી ઝિમ્બાબ્વેના સ્વાસ્થ્ય પ્રધાને આપી હતી. આ દરમિયાન સ્વાસ્થ્ય પ્રધાને એમ પણ કહ્યું હતું કે તેમની તબિયત સારી નથી.
હીથ સ્ટ્રીકે વર્ષ 1993માં પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેણે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામે તેની પ્રથમ વનડે રમી હતી. ડિસેમ્બર 1993માં હીથ સ્ટ્રીકે પાકિસ્તાન સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. હીથ સ્ટ્રીકે તેમની છેલ્લી વનડે ઓગસ્ટ 2005માં ન્યુઝીલેન્ડ સામે રમી હતી. તેમણે છેલ્લી ટેસ્ટ મેચ પણ વર્ષ 2005માં જ ભારત સામે જ રમી હતી. હીથ સ્ટ્રીકે કુલ 65 ટેસ્ટ અને 189 વનડેમાં ઝિમ્બાબ્વેનું નેતૃત્વ કર્યું છે. સ્ટ્રીકે ટેસ્ટ ક્રિકેટમાં 1990 અને વનડેમાં 2943 રન બનાવ્યા છે. તેમણે ટેસ્ટ મેચોમાં એક સદી અને 11 અડધી સદી ફટકારી છે. હીથ સ્ટ્રીકના નામે વનડેમાં 13 અડધી સદી છે. હીથ સ્ટ્રીકે ટેસ્ટ ક્રિકેટમાં 216 અને વનડે ક્રિકેટમાં 239 વિકેટ લીધી છે. હીથ સ્ટ્રીક ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઈટ રાઈડર્સના કોચ પણ રહી ચૂક્યા છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *