ભારતના 18 વર્ષીય ગ્રાન્ડમાસ્ટરે તેનાથી વધુ અનુભવી અને ઉચ્ચ ક્રમાંકિત ખેલાડી સામે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું
નવી દિલ્હી
ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર રમેશબાબુ પ્રજ્ઞાનાનંદાએ ફિડે વર્લ્ડ કપ ચેસ ટુર્નામેન્ટની ફાઇનલમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. ફાઈનલની પ્રથમ ક્લાસિકલ મેચ ગઈકાલે રમાઈ હતી, જેમાં પ્રજ્ઞાનાનંદાએ વિશ્વના નંબર વન મેગ્નસ કાર્લસનને ડ્રો પર રોક્યો હતો. ભારતના 18 વર્ષીય ગ્રાન્ડમાસ્ટરે તેનાથી વધુ અનુભવી અને ઉચ્ચ ક્રમાંકિત ખેલાડી સામે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું અને કાર્લસનને 35 ચાલ પછી મેચને ડ્રો તરફ દોરવા માટે રાજી કર્યા હતા.
આજે બે ક્લાસિકલ મેચોની બીજી રમતમાં, કાર્લસન વ્હાઈટ પીસ સાથે પ્રારંભ કરશે અને ફાયદાકારક સ્થિતિમાં હશે. પ્રજ્ઞાનાનંદાએ સેમિફાઇનલમાં વિશ્વના ત્રીજા નંબરના ફેબિયાનો કારુઆનાને 3.5-2.5થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. વિશ્વ કપની ફાઇનલમાં જગ્યા બનાવનાર દિગ્ગજ વિશ્વનાથન આનંદ પછી પ્રજ્ઞાનાનંદા બીજો ભારતીય ખેલાડી છે. તે વર્ષ 2024માં યોજાનારી કેન્ડીડેટ્સ ટુર્નામેન્ટ માટે પણ ક્વોલિફાય થઈ ગયો છે. પ્રજ્ઞાનાનંદાએ સેમીફાઈનલમાં પણ ઐતિહાસિક જીત મેળવી હતી. બે મેચની ક્લાસિકલ સિરીઝ 1-1થી ડ્રોમાં સમાપ્ત થયા પછી, 18 વર્ષીય ભારતીય પ્રજ્ઞાનાનંદાએ યુએસ ગ્રાન્ડમાસ્ટરને રોમાંચક ટાઈબ્રેકરમાં હરાવ્યો હતો. હવે ફાઇનલમાં નોર્વેના મેગ્નસ કાર્લસનને હરાવીને પ્રજ્ઞાનાનંદાની નજર ખિતાબ પર છે.
પ્રજ્ઞાનાનંદા ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર છે. તેને ભારતનો સૌથી પ્રતિભાશાળી ચેસ ખેલાડી માનવામાં આવે છે. તે માત્ર 10 વર્ષની ઉંમરે ઈન્ટરનેશનલ માસ્ટર બન્યો હતો. તે સમયે આવું કરનાર તે સૌથી યુવા ખેલાડી હતો. આ ઉપરાંત 12 વર્ષની ઉંમરે પ્રજ્ઞાનાનંદા ગ્રાન્ડમાસ્ટર બન્યો. તે સમયે તે આવું કરનાર બીજો સૌથી યુવા ખેલાડી હતો. હવે ભારતના ચેસ ચાહકોને આશા હશે કે તે આજે બીજી ગેમમાં મેગ્નસ કાર્લસનને હરાવી ભારતનું નામ રોશન કરશે.