વીડિયો વાયરલ થયા બાદ લોકોનો આક્રોશ ભભૂકી ઉઠ્યો, પોલીસ હરકતમાં આવી હતી અને આરોપી દુકાનદારની ધરપકડ કરવામાં આવી
ઈસ્લામાબાદ
પાકિસ્તાનમાં મોંઘવારીએ લોકોની કમર તોડી નાંખી છે. લોટ જેવી ખાવા પીવાની વસ્તુઓના ભાવ આસમાને છે.
આ પ્રકારના સંજોગોમાં લોકો લોટની પણ ચોરી કરવા મજબૂર છે. પંજાબ પ્રાંતના મિયાં ચન્નુ વિસ્તારમાં એક દુકાનમાંથી લોટની ચોરી કરતા પકડાયેલા કિશોરને દુકાનદારે થાંભલા સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. જેનો વિડિયો વાયરલ થયા બાદ લોકોનો આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. દુકાનદાર સામે કાર્યવાહી કરવાની માંગણી થવા માંડી હતી. એ પછી પોલીસ હરકતમાં આવી હતી અને આરોપી દુકાનદારની ધરપકડ કરવામાં આવી હતી.
થોડા સમય પહેલા પણ પાકિસ્તાનાં લોટની અછત સર્જાઈ હતી. જેના કારણે લોટ લેવા લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી હતી. એવી હાલત હતી કે, મફત લોટ માટે એક જગ્યાએ ભાગદોડ થઈ હતી અને તેમાં 20 લોકોના મોત થયા હતા.
પાકિસ્તાનમાં એમ પણ મોંઘવારી રેકોર્ડ સ્તરે છે. ખાવા પીવાની વસ્તુઓની સાથે સાથે વીજળી, પેટ્રોલ ડિઝલના ભાવ પણ આસમાને છે. જેની અસર અન્ય વસ્તુઓના ભાવ પર પણ પડી રહી છે. મોંઘવારીથી બેહાલ લોકો હવે લોટ જેવી વસ્તુઓની પણ ચોરી કરવા માટે મજબૂર બની રહ્યા છે.