પાકિસ્તાન અને બાંગ્લાદેશ મેચ બાદ એશિયા કપની બાકીની તમામ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં જ રમાશે
નવી દિલ્હી
એશિયા કપ 2023માં સુપર-4માં પહોંચનાર ચાર ટીમો નક્કી થઇ ગઈ છે. ગ્રુપ-એમાંથી પાકિસ્તાન અને ભારતની ટીમે સુપર-4માં સ્થાન મેળવ્યું છે. જયારે ગ્રુપ-બીમાંથી શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમ સુપર-4 રાઉન્ડમાં પહોંચવામાં સફળ રહી છે. સુપર-4 રાઉન્ડની પ્રથમ મેચ આજે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે લાહૌરમાં રમાશે. જયારે ભારત તેની પ્રથમ સુપર-4 મેચ પાકિસ્તાન વિરુદ્ધ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમશે. આજની મેચ બાદ એશિયા કપની બાકીની તમામ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં જ રમાશે.
એશિયા કપ 2023માં લીગ સ્ટેજમાં ભારતીય ટીમની પ્રથમ મેચ પાકિસ્તાન વિરુદ્ધ હતી, જે વરસાદના કારણે રદ્દ થઇ હતી. જયારે બીજી મેચમાં ભારતે નેપાળ વિરુદ્ધ ડકવર્થ લુઇસ નિયમ અનુસાર 10 વિકેટથી જીત મેળવી હતી. આ જીત સાથે જ ભારત સુપર-4 રાઉન્ડમાં પહોંચી ગયું હતું. ભારતીય ટીમની ટક્કર 10 સેપ્ટેમ્બરે ફરી પાકિસ્તાન સાથે થશે. ત્યારબાદ 12 સેપ્ટેમ્બરના રોજે ભારત-શ્રીલંકા સામસામે હશે. ભારતીય ટીમ સુપર-4ની અંતિમ મેચ 15 સેપ્ટેમ્બરે બાંગ્લાદેશ વિરુદ્ધ રમશે.
એશિયા કપ 2023માં ભારત સિવાય પાકિસ્તાનની ટીમનો સુપર-4માં શેડ્યુલ જોવા જઈએ તો તે આજે બાંગ્લાદેશ સાથે ટકરાશે. ત્યારબાદ 10 સેપ્ટેમ્બરના રોજે પાકિસ્તાન અને ભારતનો મહામુકાબલો જોવા મળશે. ત્યાર પછી 14 સેપ્ટેમ્બરે પાકિસ્તાનની ટીમ શ્રીલંકા વિરુદ્ધ મેચ રમશે. આ ઉપરાંત શ્રીલંકાની ટીમ 9 સેપ્ટેમ્બરના રોજ બાંગ્લાદેશની સામે સુપર-4માં પોતાની પ્રથમ મેચ રમશે. ત્યારબાદ તે 12 સેપ્ટેમ્બરે ભારત અને 14 સેપ્ટેમ્બરે પાકિસ્તાન વિરુદ્ધ મેચ રમશે. જયારે બાંગ્લાદેશની ટીમ સુપર-4માં પ્રથમ પાકિસ્તાન સાથે મેચ રમશે ત્યારબાદ 9 અને 15 સેપ્ટેમ્બરે શ્રીલંકા અને ભારત વિરુદ્ધ મેચ રમશે.