લેફ્ટ આર્મ સ્પિનર કુલદીપ યાદવે શ્રીલંકા સામે 9.3 ઓવરમાં 43 રન આપીને 4 વિકેટ ઝડપી
નવી દિલ્હી
એશિયા કપ 2023ના સુપર-4માં ભારતીય ટીમ શ્રીલંકાને 41 રનથી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કરનાર પ્રથમ ટીમ બની ગઈ છે. હવે ભારતીય ટીમ 15 સેપ્ટેમ્બરના રોજ સુપર-4માં તેની અંતિમ મેચ બાંગ્લાદેશ સામે રમશે. બીજી તરફ ફાઈનલમાં પહોંચવા માટે હવે શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે આવતીકાલે ટક્કર થશે. ગઈકાલે રમાયેલી મેચમાં કુલદીપ યાદવે શાનદાર બોલિંગ કરી હતી. આ સાથે તેણે વનડેમાં મોટી સિદ્ધિ પણ પ્રાપ્ત કરી લીધી છે.
ભારતીય ટીમના લેફ્ટ આર્મ સ્પિનર કુલદીપ યાદવે ગઈકાલે શ્રીલંકા સામે 9.3 ઓવરમાં 43 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા કુલદીપે પાકિસ્તાન સામે પણ જબરદસ્ત બોલિંગ કરી હતી અને તે મેચમાં 5 વિકેટ લીધી હતી. શ્રીલંકા સામે 4 ચાર વિકેટ લેતાની સાથે જ કુલદીપે વનડેમાં 150 વિકેટ પણ પૂરી કરી હતી. તેણે આ સિદ્ધિ 88 મેચોમાં પ્રાપ્ત કરી હતી. અ સાથે જ તે વનડેમાં સૌહતી ઝડપી 150 વિકેટ લેનાર લેફ્ટઆર્મ સ્પિનર પણ બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ બાંગ્લાદેશના ખેલાડી અબ્દુર રઝાકના નામે હતો.રઝાકે 108 વનડેમાં આ કારનામું કર્યું હતું.
વનડેમાં સૌથી ઝડપી 150 વિકેટ લેનાર લેફ્ટ આર્મ સ્પિનર
કુલદીપ યાદવ – 88 મેચમાં
અબ્દુર રઝાક – 108 મેચમાં
બ્રેડ હોગ – 118 મેચમાં
શાકિબ અલ હસન – 119 મેચમાં
રવિન્દ્ર જાડેજા – 129 મેચમાં
ઓવર ઓલ સ્પિનર્સના કુલદીપ ચોથા નંબરે છે. તે વનડેમાં સૌથી ઝડપી 150 વિકેટ પૂરી કરનાર ચોથો સ્પિનર છે. આ લિસ્ટમાં પહેલા નંબરે પાકિસ્તાની ખેલાડી સકલેન મુશ્તાક છે. મુશ્તાકે 78 મેચોમાં 150 વિકેટ લીધી હતી. અફઘાનિસ્તાનના રાશિદ ખાન 80 મેચો સાથે બીજા નંબરે, શ્રીલંકાના અજંતા મેંડિસ 84 મેચો સાથે ત્રીજા નંબરે છે. કુલદીપ યાદવ ભારત તરફથી વનડેમાં બીજો સૌથી ઝડપી 150 વિકેટ લેનાર બોલર છે. આ લિસ્ટમાં ટોપ પર મોહમ્મદ શમી છે. શમીએ 80 મેચોમાં અ સિદ્ધિ હાંસલ કરી હતી.
વનડેમાં સૌથી ઝડપી 150 વિકેટ લેનાર સ્પિનર
સકલેન મુશ્તાક – 78 મેચમાં
રાશિદ ખાન – 80 મેચમાં
અજંતા મેન્ડિસ – 84 મેચમાં
કુલદીપ યાદવ – 88 મેચમાં
ઈમરાન તાહિર – 89 મેચમાં