કર્ણાટકમાં એક જનસભાને સંબોધિત કરતી વખતે ભાજપના ધારાસભ્યએ આ નિવેદન આપ્યું
બેંગલુરૂ
ભાજપના ધારાસભ્યના નિવેદન બાદ કર્ણાટકમાં રાજકારણ ગરમાયું છે. રેલ્વે અને ટેક્સટાઈલના પૂર્વ રાજ્ય મંત્રી અને ભાજપના ધારાસભ્ય બાસનગૌડા પાટીલ યતનાલે કહ્યું કે જવાહરલાલ નેહરુ ભારતના પહેલા વડાપ્રધાન ન હતા પરંતુ સુભાષ ચંદ્ર બોઝ દેશના પ્રથમ વડાપ્રધાન હતા. કર્ણાટકમાં એક જનસભાને સંબોધિત કરતી વખતે ભાજપના ધારાસભ્યએ આ નિવેદન આપ્યું હતું.
અહેવાલ મુજબ કર્ણાટકમાં એક જાહેર સભાને સંબોધતા બાસનગૌડા પાટીલ યતનાલે કહ્યું કે બાબા સાહેબે તેમના પુસ્તકમાં લખ્યું છે કે અમને ભૂખ હડતાળના કારણે આઝાદી મળી નથી પરંતુ એટલા માટે મળી હતી કેમ કે આપણે કહ્યું હતું કે એક ગાલ પર લાફો મારશો તો બીજો આગળ કરીશું. આપણને સુભાષચંદ્ર બોઝના ડરથી આઝાદી મળી હતી.
બાસનગૌડા પાટીલ યતનાલે વધુમાં કહ્યું કે અંગ્રેજો દ્વારા ભારત છોડવાનું કારણ સુભાષ ચંદ્ર બોઝ હતા. તેમણે કહ્યું કે અંગ્રેજોએ બીજા વિશ્વ યુદ્ધ પછી ભારત છોડી દીધું હતું, તે સમયે દેશના કેટલાક ભાગોમાં આઝાદીની ઘોષણા કરવામાં આવી હતી, તે જ સમયે સુભાષ ચંદ્ર બોઝ દેશના પ્રથમ વડાપ્રધાન હતા. તેમની પાસે પોતાનું ચલણ, ધ્વજ અને રાષ્ટ્રગીત હતું. આ જ કારણ છે કે પીએમ મોદીએ પણ કહ્યું છે કે દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુ નહીં પરંતુ સુભાષ ચંદ્ર બોઝ હતા. આ પહેલીવાર નથી જ્યારે બાસનગૌડા પાટીલ યતનાલે આ પ્રકારનું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હોય. અગાઉ ઓગસ્ટ મહિનામાં તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ સરકાર છ-સાત મહિનામાં પડી જશે. એટલું જ નહીં, આ પાછળ તેમણે કોંગ્રેસમાં આંતરિક વિવાદને કારણ ગણાવ્યું હતું.