ભારત અને કેનેડા વિવાદની ચર્ચા થઈ હતી કે નહીં તે અંગે કોઈ ટિપ્પણી કરાઈ નથી
વોશિંગ્ટન
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર ભારત-કેનેડા વચ્ચે વકરેલા વિવાદ દરમિયાન વિદેશમંત્રી એસ જયશંકરે અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકન સાથે મુલાકાત કરી છે. બંને નેતાઓએ વોશિંગ્ટનમાં બેઠક યોજી હતી. જોકે, તેમાં ભારત અને કેનેડા વિવાદની ચર્ચા થઈ હતી કે નહીં તે અંગે કોઈ ટિપ્પણી કરાઈ નથી.
બંને દેશોના ટોચના મંત્રીઓની આ બેઠકને વૈશ્વિક પરિદ્રશ્યમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હાલમાં જયશંકર પાંચ દિવસ માટે અમેરિકાના પ્રવાસે છે. સૂત્રોએ જણાવ્યું કે બંને નેતાઓ ગુરુવારે મળ્યા હતા. બ્લિંકન સાથેની મુલાકાત અંગે જયશંકરે માઇક્રો બ્લોગિંગ સાઇટ પર લખ્યું કે વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી. બહુ જલ્દી અમારી 2+2 મીટિંગ થશે.
એસ. જયશંકર સાથેની તેમની મુલાકાત વિશે માહિતી આપતાં અમેરિકી વિદેશમંત્રી બ્લિંકને પણ ટ્વિટર પર કહ્યું કે તેઓ ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરનું અમેરિકી વિદેશ મંત્રાલયમાં સ્વાગત કરીને ખુશ છે. ગયા અઠવાડિયે અમે ખૂબ જ સારી ચર્ચા કરી હતી. ચોક્કસપણે જી-20 સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. જયશંકરે અમેરિકાના વેપાર પ્રતિનિધિ કેથરિન ટાય સાથે ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર અને આર્થિક સહયોગ સહિતના વિવિધ મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. તેઓએ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના માર્ગો પર પણ ઊંડાણપૂર્વક વાતચીત કરી હતી.
જયશંકર ગુરુવારે અમેરિકાની રાજધાની વોશિંગ્ટન પહોંચ્યા હતા. અહીં તેમણે થિંક-ટેન્ક પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેઓ અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનને મળ્યા હતા. જો કે આ બેઠકમાં કયા મુદ્દા પર ચર્ચા થઈ તે અંગેની માહિતી હજુ સામે આવી નથી. અહેવાલ મુજબ બ્લિંકને મીટિંગ પહેલા કેનેડા મુદ્દે પત્રકારોના સવાલોના જવાબ આપવાનો ઈન્કાર કરી દીધો હતો.