ફરિયાદ મળ્યા બાદ કેનેડાની સરકારે પોસ્ટરો હટાવવાના આદેશ આપ્યા હતા, જોકે હજી સુધી ખાલિસ્તાનીઓએ આ પોસ્ટરો અને બેનરો હટાવ્યા નથી
ઓટાવા
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાનીઓને એટલા માથે ચઢાવ્યા છે કે હવે તેઓ બેલગામ થઈ ચુકયા છે. કેનેડાની સરકારનો આદેશ માનવા માટે પણ તૈયાર નથી.
ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યા બાદ કેનેડાના એક ગુરુદ્વારામાં ભારતીય ડિપ્લોમેટ્સની હત્યા કરવા માટે ઉશ્કેરણી કરતા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. આ અંગે ફરિયાદ મળ્યા બાદ કેનેડાની સરકારે પોસ્ટરો હટાવવાના આદેશ આપ્યા હતા. જોકે હજી સુધી ખાલિસ્તાનીઓએ આ પોસ્ટરો અને બેનરો હટાવ્યા નથી.
કેનેડાએ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીનો આરોપ મુક્યા બાદ બંને દેશના સબંધોમાં આવેલી કડવાશ વચ્ચે કેનેડાની સરકાર માટે ખાલિસ્તાનીઓ હવે નીચાજોણું કરી રહ્યા છે. મી઼ડિયા રિપોર્ટ પ્રમાણે ગુરુદ્વારાના એક તરફના ગેટ પરથી પોસ્ટરો હટાવાયા છે પણ બીજી તરફના મુખ્ય ગેટ પર ભારતના ડિપ્લોમેટ્સની હત્યા કરવાનો સંદેશ આપતા પોસ્ટર હજી લાગેલા છે.
આ પોસ્ટરોમાં ભારતીય ડિપ્લોમેટસને વોન્ટેડ બતાવવામાં આવ્યા છે. તેના પર તેમની તસવીરો પણ છે.
ખાલિસ્તાનીઓએ જે તે સમયે પોસ્ટરો લગાવીને તેની તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ કરી હતી અને આમ છતા તે સમયે કેનેડાની સરકારે ખાલિસ્તાનીઓ સામે કોઈ કાર્યવાહી કરી નથી.