બેડફોર્ડ શાયર ફાયર એન્ડ રેસ્ક્યૂ સર્વિસના કર્મચારીઓ આગને ઓલવવા પ્રયાસો કરી રહ્યા છે
લંડન
લંડનમાં આવેલા લ્યુટન એરપોર્ટ પર ભયંકર આગ લાગી હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ આગની ઘટના કારપાર્કિંગમાં બની હોવાની જાણકારી મળી છે. જેમાં મોટી સંખ્યામાં માલહાનિના અહેવાલ છે. અનેક કારો આગની લપેટમાં આવી હતી. જોકે હજુ સુધી જાનહાનિને લગતાં અહેવાલ સામે આવ્યા નથી.
માહિતી અનુસાર લ્યુટન એરપોર્ટ ઓથોરિટીએ તાબડતોબ નિર્ણય લેતાં એરપોર્ટનું સંચાલન બંધ કરી દીધું હતું. ઈમરજન્સીમાં લેવાયેલા નિર્ણયની યાત્રીઓને જાણકારી અપાઈ હતી અને તેમને એરપોર્ટ પર ન આવવા સૂચના અપાઈ હતી.
માહિતી અનુસાર એવો દાવો કરવામાં આવ્યો છે કે કારપાર્કિંગની બિલ્ડિંગનો અમુક સ્ટ્રક્ચર તૂટી પડતાં આગ લાગી હતી. એરપોર્ટ ઓથોરિટીએ કહ્યું કે યાત્રીઓની સુરક્ષા જ અમારી પ્રાથમિકતા છે. હવે બુધવારના બપોરના 12 વાગ્યા સુધી તમામ ફ્લાઈટોનું સંચાલન રદ કરવાનો નિર્ણય લેવાયો છે. બેડફોર્ડ શાયર ફાયર એન્ડ રેસ્ક્યૂ સર્વિસના કર્મચારીઓ આગને ઓલવવા પ્રયાસો કરી રહ્યા છે.