ડબલ્યુએમઓએ ક્લાઈમેટ ચેન્જ અને અલ નીનોની અસરને કારણે આ સમસ્યા ઊભી થવાની શક્યતા જણાવી
નવી દિલ્હી
2023ની સરખામણીમાં 2024માં ઉનાળો વધુ આકરો થવાની સંભાવનાઓ છે. એપ્રિલ 2024 સુધીમાં અલ નીનો શક્તિશાળી રહેશે, જેના કારણે હીટ વેવથી જનજીવન પ્રભાવિત થશે.
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તાપમાનમાં ફેરફાર થતા કૃષિ પણ પ્રભાવિત થશે. જેના કારણે ખોરાકની અછતની સમસ્યા પણ સર્જાઈ શકે છે. ડબલ્યુએમઓએ ક્લાઈમેટ ચેન્જ અને અલ નીનોની અસરને કારણે આ સમસ્યા ઊભી થવાની શક્યતા જણાવી હતી. જેના કારણે અમુક વિસ્તારમાં અતિવર્ષા પણ થઇ શકે છે. આ સિવાય હીટ વેવનો સૌથી વધુ પ્રભાવ પણ જોવા મળી શકે છે. જેના કારણે જંગલોમાં આગ લાગવાની ઘટના પણ સંભવી શકે છે.
અમેરિકન રિસર્ચ સેન્ટર નાસા અને વિશ્વ હવામાન સંસ્થાના વૈજ્ઞાનિકોએ પણ 2024માં હવામાનની સ્થિતિને લઈને ચેતવણી જાહેર કરી છે. 2016ની સરખામણીએ 2023 સૌથી ગરમ વર્ષ રહ્યું છે અને 2024માં સૌથી ગરમ વર્ષ બની શકે છે તેવી માહિતી નાસા દ્વારા આપવામાં આવી છે. સંસ્થાનું કહેવું છે કે, ક્લાઈમેટ ચેન્જ અને અલ નીનોની અસરને કારણે દુનિયામાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ રહી છે. હાલમાં અલ નીનો સક્રિય હોવાથી તેની અસરના ભાગરૂપે તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. તે આવતા વર્ષે એપ્રિલ સુધી 90 ટકા સક્રિય રહેવાની ધારણા છે. અલ નિનોની રચનાને કારણે આવનાર ચોમાસાને પણ અસર થઈ છે.
પેસિફિક મહાસાગરમાં અતિશય ગરમીના કારણે પાણીનું સ્તર વધી રહ્યું છે અને વિવિધ સ્થળોએ સમુદ્ર કિનારા ઓછા થઇ રહ્યા છે. વિવિધ સ્થળોએ બરફ પણ પીગળી રહ્યો છે. જેના કારણે દિવસેને દિવસે દુર્ઘટના વધી રહી છે. આવી સ્થિતિમાં, આ વર્ષે પેસિફિક મહાસાગરમાં સમુદ્રનું તાપમાન સામાન્ય કરતા 2 ડિગ્રી વધુ રહેવાની સંભાવના છે, આવી સ્થિતિમાં તે સુપર અલ નીનોમાં ફેરવાઈ જવાની પણ સંભાવના છે.
અલ નીનોને કારણે, કૃષિ ક્ષેત્રે હાલાકી ભોગવવી પડશે અને ખાદ્યપદાર્થોની અછત જેવી પરિસ્થિતિ ઊભી થશે. આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પર્યાવરણ નિષ્ણાતો દ્વારા તેનો સામનો કરવા બાબતે મહત્વ આપી રહ્યા છે. જેમના મુજબ આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે આબોહવા અનુરૂપ ખેતી કરવાની જરૂર છે. આ સાથે જળ સંચય માટે પણ વ્યવસ્થા કરવાની જરૂર છે. ક્લાઈમેટ ચેન્જના કારણે આગામી દિવસોમાં આ પ્રકારની સ્થિતિ વધશે. આવી સ્થિતિમાં નુકશાન ટાળવા માટે આગોતરી તૈયારી જરૂરી છે. જૂન મહિનાથી અલ નીનોની અસર શરૂ થવાના કારણે હાલમાં ઠંડીને બદલે ગરમી અને ભેજ જેવી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં, અલ નીનોની અસરને કારણે દેશના ઘણા ભાગોમાં ચોમાસાનો વરસાદ પણ ઓછો થયો છે.