નવી દિલ્હીના જંતર મંતર પર મિશન જય ભીમના બેનર હેઠળ રાષ્ટ્રીય બૌદ્ધ અને બહુજન અધિકાર સંમેલનમાં આપેલા નિવેદનથી વિવાદ
નવી દિલ્હી
સમાજવાદી પાર્ટી (સપા) નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ ફરી એકવાર એવું ઝેરી નિવેદન આપ્યું છે જેને હિન્દુ સમાજ કદાચ ક્યારેય સ્વીકારી નહીં શકે. ખરેખર તો સ્વામી પ્રસાદ મૌર્યએ હિન્દુ ધર્મને લઈને ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમને સંબોધતા મૌર્યએ કહ્યું હતું કે હિન્દુ ધર્મ કોઈ ધર્મ નહીં પણ એક દગો છે.
સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે આમ પણ 1995માં સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે હિન્દુ કોઈ ધર્મ નથી, તે જીવન જીવવાની એક શૈલી છે. એટલું જ નહીં જે ધર્મના સૌથી મોટા ઠેકેદાર બને છે તે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત પણ એક બે નહીં ઘણી વાર કહી ચૂક્યા છે કે હિન્દુ કોઈ ધર્મ નથી પણ જીવન જીવવાની કળા છે. દેશના વડાપ્રધાન મોદી પણ કહી ચૂક્યા છે અને ગડકરી પણ બોલ્યા હતા પણ આ લોકોના કહેવાથી કોઈની લાગણી દુભાતી નથી. જો સ્વામી પ્રસાદ મૌર્ય કહી દે તો વિવાદ થઈ જાય છે. હિન્દુ કોઈ ધર્મ નથી. તે ફક્ત એક દગો છે.
નવી દિલ્હીના જંતર મંતર પર મિશન જય ભીમના બેનર હેઠળ રાષ્ટ્રીય બૌદ્ધ અને બહુજન અધિકાર સંમેલનમાં સ્વામીએ કહ્યું કે જેને આપણે હિન્દુ ધર્મ કહીએ છીએ તે અમુક લોકો માટે ધંધો છે. જ્યારે આપણે કહીએ છીએ કે આ અમુક લોકો માટે ધંધો છે તો આખા દેશમાં ભૂકંપ આવી જાય છે. જો આ વાત મોદી, મોહન ભાગવત કે ગડકરી કહે તો કોઈની લાગણી દુભાતી નથી. જો આ વાત સ્વામી પ્રસાદ મૌર્ય બોલે તો લોકોની લાગણી દુભાઈ જાય છે. ઉલ્લેખનીય છે કે સ્વામી પ્રસાદ મૌર્યના આ નિવેદનથી ફરી એકવાર અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી મુશ્કેલીમાં મૂકાઈ છે. અખિલેશ પોતે પાર્ટીના નેતાઓને ધર્મ અને જાતિ પર કોઈપણ પ્રકારની ટિપ્પણી કરતાં બચવાની સલાહ આપી હતી.